સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કર્યું છે. આ 20 શહેરોમાં અમુક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે. તેમજ અમુક શહેરો વધુ સંક્રમણ ધરાવતા શહેરો સાથે વધુ વ્યવહાર ધરાવે છે. માટે ત્યાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં રાત્રી કરફયુના નિર્ણયથી એક કાંકરે બે નિશાન સવારે ઈકોનોમી ધમધમતી રહે, રાત્રે પર્યાવરણ શુદ્ધિ થાય
રાજ્ય સરકારે ગુજરાતમાં રાત્રી કરફયુ લાગુ કરી એક કાંકરે બે નિશાન પાર પાડ્યા છે. લોકડાઉનની બદલે સરકારનો રાત્રી કરફયુનો સમય વધારવાનો નિર્ણય હકીકતમાં આવકારદાયક છે. ગઈકાલે જ સરકારે રાત્રી કરફયુનો સમય રાત્રીના 9 થી 6ની બદલે રાત્રીના 8 થી સવારે 6 સુધીનો કરી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં એવી વાતો પણ વાયરલ થઈ રહી છે કે, શું સરકારને એવું લાગે છે કે, કોરોના રાત્રીના જ પ્રસરે છે. હકીકતમાં તથ્ય તપાસીએ તો સરકાર હવે ઈકોનોમીને ડેમેજ કરવા ઈચ્છતી ન હોય સામે લોકો ઘરની બહાર ન નીકળે તે પણ જરૂરી હોય સરકારે બુદ્ધિચાતુર્યપૂર્વક વચ્ચેનો રસ્તો શોધી રાત્રી કરફયુ લાગુ કર્યું છે. રાજ્યમાં લોકોને રાત્રે જમીને બહાર ટહેલવાની આદત હોય, પાનન ગલ્લે, ચોકે અથવા ચોરે ટોળા વળવાની આદત હોય. આ આદત કોરોના વિસ્ફોટનું મુખ્ય કારણ ન બને તે માટે સરકારે રાત્રી કરફયુ અમલમાં મુક્યો છે.
અગાઉની જીવનશૈલી પણ આવી જ હતી ત્યારે રાત્રે 8 થી 6 લોકો ઘરમાં જ રહેતા હતા. હવે આ જીવનશૈલી જીવવાની કોરોનાએ અમુલ્ય તક આપી હોય લોકોએ તેને વધાવી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાત્રે 8 વાગ્યાથી કરફયુ લાગુ થવાથી હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાઓ બંધ થઈ જશે પણ મોટાભાગના ધંધાઓ સવારે સવારે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહેવાથી ઈકોનોમી ધમધમતી રહેશે.