ગ્રાહકો સાથે થતી કોઈ પણ જાતની છેતરપીંડી કે વિશ્વાસઘાતની ફરિયાદ માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એટલે કે કન્ઝ્યુમર ફોરમનું ગઠન કરવામાં આવ્યું છે. અહીં કોઈ પણ ગ્રાહક કોઈ પણ જાતની છેતરપીંડી મામલે કેસ દાખલ કરી શકે છે અને ક્લેઇમની રકમ પરત મેળવી શકે છે.
કંપનીએ આપેલી સ્કીમ કે ગેરંટી સહિતની બાબતમાં ગ્રાહકને સંતોષ ન થાય અથવા તો જે વાયદાનું ભંગ થાય તો ગ્રાહક સીધી ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં દાખલ કરી શકે છે. કન્ઝ્યુમર એકટમાં વર્ષ ૨૦૨૦માં કરાયેલા સુધારાને પગલે હવે રૂ. ૧ કરોડ સુધીની રકમનો કેસ દરેક જિલ્લા મથકે દાખલ કરી શકે છે અને કેસ લડવા માટે કોઈ વકીલ રોકવો તે પણ જરૂરી નથી. કન્ઝ્યુમર ફોરમમાં ગ્રાહક જાતે જ દલીલ કરી શકે છે. ઉપરાંત અન્ય કોર્ટની જેમ અહીં કોર્ટ ફીની પણ ચુકવણી કરવાની હોતી નથી. રૂ. ૫ લાખ સુધીની રકમના કેસમાં કોઈ પણ જાતની કોર્ટ ફી વસુલવામાં આવતી નથી.
કાયમી જજની નિમણુંકના અભાવે કન્ઝ્યુમર ફોરમમાં કેસોનું ભારણ વધ્યું
રાજકોટ જિલ્લા ખાતે પણ કન્ઝ્યુમર ફોરમની કુલ બે અદાલતો આવેલી છે. જે જૂની કલેકટર કચેરી ખાતે સ્થિત છે. લોકો અહીં કેસ પણ દાખલ કરી રહ્યા છે પરંતુ છેલ્લા લાંબા સમયથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોર્ટના કપાટ બંધ રાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ હળવી થતા અન્ય અદાલતોની જેમ જ કન્ઝ્યુમર ફોરમ પણ શરૂ તો કરી દેવામાં આવી છે પણ એક સાંધે ત્યાં તેર તૂટે માફક કોર્ટ તો શરૂ થઈ ગઈ પણ હવે ન્યાયધીસની ભારે ઘટ્ટ વર્તાઈ રહી છે.
રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ખાતે હાલ એક પણ કાયમી પ્રેસિડન્ટ નથી. કાયમી જજ નહીં હોવાથી અન્ય જિલ્લાના જજને રાજકોટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જેમણે ચાર્જ આપવામાં આવ્યો તેમની માથે બે થી પણ વધુ જિલ્લાની જવાબદારી હોવાથી તેઓ સપ્તાહમાં ફક્ત બે જ દિવસનો રાજકોટને આપી શકે છે.
રાજકોટ જેવું શહેર કે જેની ઉપર સૌરાષ્ટ્રની બે કરોડ જનતાનું ભારણ છે ત્યાં ફક્ત બે જ દિવસ સુનાવણી થાય તો કેસનો નિકાલ કેટલા સમયે થાય તે વિચારવુ રહેવું. અધૂરામાં પૂરું મોરબી જિલ્લામાં કન્ઝ્યુમર નહીં હોવાને કારણે મોરબી જિલ્લાના કેસો પણ રાજકોટ ખાતે દાખલ કરવામાં આવે છે અને સુનાવણી પણ અહીં જ થાય છે. ઉપરોક્ત તમામ વિસંગતતાને કારણે જે કેસનો ફક્ત ૪૫ કે ૯૦ દિવસમાં કરવાનો હોય છે તે એક-એક વર્ષ સુધી પેન્ડિંગ રહેતા હોય છે પરિણામે લોકો હાલાકી ભોગવતા હોય છે. રાજકોટ ખાતે હાલ ૧૪૦૦ થી વધુ કેસો હાલ પેન્ડિંગ છે જેનો નિકાલ કરતાં બે વર્ષથી પણ વધુનો સમય લાગી શકે છે. ત્યારે કાયમી જજની નિમણુંક કરવા માંગ ઉઠી છે.
એક રૂપિયાથી માંડી એક કરોડ સુધીના કેસ દાખલ કરી શકાય: કોકિલાબેન સચદેવ- ઇન્ચાર્જ પ્રેસિડન્ટ(કન્ઝ્યુમર ફોરમ-રાજકોટ)
રાજકોટ કન્ઝ્યુમર કોર્ટના ઇન્ચાર્જ પ્રેસિડન્ટ કોકિલાબેન સચદેવે કહ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા અને કન્ઝ્યુમર એકટમાં સમાવેશ થતાં તમામ પ્રકારના કેસો અહીં દાખલ કરી શકાય છે. બજારમાંથી ખરીદ કરાયેલી કોઈ પણ વસ્તુમાં જો ગ્રાહકને સંતોષ ન થાય તો ગ્રાહક કન્ઝ્યુમર ફોરમમાં કેસ દાખલ કરી શકે છે.
કન્ઝ્યુમર એકટમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી હવે રૂ. ૧ કરોડ સુધીની રકમના કેસ જિલ્લા મથકે જ દાખલ કરી શકાય છે. રાજકોટ ખાતે કન્ઝ્યુમર ફોરમની કુલ બે અદાલતો કાર્યરત છે. કન્ઝ્યુમર ફોરમમાં ગ્રાહકે કેસ લડવા વકીલ રોકવો તે પણ અનિવાર્ય નથી, અરજદાર પોતાની જાતે જ દલીલ પણ કરી શકે છે. ઉપરાંત રૂ. ૫ લાખની રકમ સુધીના કેસમાં કોર્ટ ફી પણ વસુલવામાં આવતી નથી. જેથી કોઈ પણ ગ્રાહક એક રૂપિયાથી માંડી એક કરોડ સુધીની રકમના કેસ અહીં દાખલ કરી શકે છે.
કાયમી જજની ઘટ્ટ પ્રજા માટે ભારે સમસ્યા સર્જતું પરિબળ: મનોજ કોટડીયા
રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના એડવોકેટ મનોજભાઈ કોટડીયાએ કહ્યું હતું કે, હાલ રાજકોટનું કન્ઝ્યુમર ફોરમ કે જે જૂની કલેકટર કચેરી ખાતે સ્થિત છે ત્યાં તમામ પ્રકારના ગ્રાહક છેતરપીંડીના કેસ દાખલ કરી શકાય છે. કોરોના કાળમાં ન્યાયપાલિકા બંધ અવસ્થામાં હોવાથી કેસોનું ભારણ વધ્યું છે તેમાં પણ ખાસ તો કાયમી જજની ઘટ્ટને કારણે દિન પ્રતિદિન કેસોનું ભારણ વધતું જઈ રહ્યું છે.
છેલ્લા એક વર્ષથી કાયમી જજની નિમણુંક થઈ નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે, બંને પક્ષે દલીલ થઈ ચૂકી હોય પણ કાયમી ન્યાયાધીશની ઘટ્ટ હોવાથી ચુકાદામાં ખૂબ વિલંબ થતો હોય છે જેના કારણે લોકો હેરાનગતિનો સામનો કરે છે. આ બાબતે રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્ય સરકાર તેમજ કમીટીને રજુઆત કરવામાં આવી છે કે, રાજકોટ જેવા શહેરમાં કાયમી જજની નિમણુંક કરવામાં આવે જેથી કેસોનો નિકાલ કરીને ભારણ ઘટાડી શકાય.
પેન્ડિંગ કેસના નિકાલ માટે ૨ વર્ષ પણ ટૂંકા : એડવોકેટ ધીરેન્દ્ર વસાવડા
ગ્રાહક સુરક્ષા બાબતે પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ ધીરેન્દ્ર વસાવડાએ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌરાષ્ટ્રના પાટનગર સમાન છે અને લોકોમાં ખૂબ જાગૃતતા આવી રહી છે. અધૂરામાં પૂરું હાલ ગ્રાહક તકરાર બાબતની વ્યાખ્યાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે તેના કારણે રાજકોટમાં ખૂબ મોટી સંખ્યામાં ફાઈલિંગ થઈ રહ્યું છે. કોર્ટ બંધ હતી તે સમયગાળામાં પણ અનેક કેસોનું ફાઈલિંગ થયું છે તે સાક્ષી છે કે, લોકો આ બાબતે જાગૃત થયાં છે. એક તરફ લોકો કેસ દાખલ કરી રહ્યા છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રના લગભગ તમામ મોટા શહેરમાં કન્ઝ્યુમર ફોરમ ખાતે સ્ટાફની અછત વર્તાઈ રહી છે.
રાજકોટ, પોરબંદર, અમરેલી સહિતના મોટાભાગના જિલ્લાઓમાં પ્રિસાઈડિંગ ઓફિસર એટલે કે જેમને આપણે જજ તરીકે ઓળખીએ છીએ તેઓ કાયમી નહીં પરંતુ ઇન્ચાર્જ હોય છે. જેઓ એકસાથે બે કે ત્રણ જિલ્લામાં ફરજ બજાવતા હોય છે જેના કારણે તેઓ એક જિલ્લામાં સપ્તાહમાં ફક્ત ૨ દિવસનો જ સમય આપી શકે છે જેના કારણે કેસોનું ભારણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ કેસના નિકલનો સમય ૪૫ થી ૯૦ દિવસનો હોય છે પણ તે દિવસોમાં પણ કેસનો નિકાલ એક-એક વર્ષે થાય છે ત્યારે સજ્જડ બંધ અવસ્થા રહેલી કોર્ટને કારણે જેટલા કેસનું ભારણ થયું છે તેનો નિકાલ કરતા બે વર્ષથી પણ વધુનો સમય લાગી શકે છે.
રૂ. ૧ કરોડ સુધીની રકમના અને ગમે તે પ્રકારની છેતરપીંડીના કેસ દાખલ કરી શકાય: એડવોકેટ પંકજભાઈ દેસાઈ
કન્ઝ્યુમર પ્રોટેક્શન ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ ધરાશાસ્ત્રી પંકજભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ગત વર્ષે કન્ઝ્યુમર પ્રોટેકશન એકટમાં સુધારો આવ્યો છે. અગાઉ કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ ૧૯૮૬ અમલી હતું જેના સુધારા તરીકે કન્ઝ્યુમર પ્રોટેકસન એકટ ૨૦૧૯ને વર્ષ ૨૦૨૦માં અમલી બનાવવામાં આવ્યું છે. જેમાં જ્યુરીડીકશનને રૂ. ૧ કરોડ સુધીની કરી દેવામાં આવી છે. કોમર્શિયલ હેતુથી ખરીદ કરતા લોકો સિવાયના તમામ ગ્રાહકો છેતરપીંડીની બાબતે કન્ઝ્યુમર ફોરમમાં જઈ શકે છે.
નાના દુકાનધારકથી માંડીને મોટી કંપનીઓ દ્વારા કરાયેલી છેતરપીંડી કે વિશ્વાસઘાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી શકાય છે. કોઈ પણ ચીજ-વસ્તુની ગુણવતાથી માંડી ગેરેન્ટી સુધીની બાબતોમાં છેતરપીંડી થાય તો કેસ દાખલ કરી શકાય છે અને ક્લેઇમની રકમ રૂ. ૫ લાખથી નીચેની હોય તો કોર્ટ ફી પણ ભરવાની જરૂરિયાત રહેતી નથી. હાલના સમયમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના સામે પણ કેસો દાખલ થઈ રહ્યા છે. હાલ કોરોના સંક્રમણ સમયે લોકો વીમા કંપનીઓ દ્વારા ગ્રાહક સાથે કરાયેલી છેતરપીંડી બાબતે ખૂબ મોટી સંખ્યામાં કન્ઝ્યુમર ફોરમ પહોંચી રહ્યા છે.