શું થાય જ્યારે આ વાત લોકોનાં મનમાં એવી રીતે ઘર કરી ગઈ હોય કે સમગ્ર જગ્યાને ‘ભૂતવાસ’ ગણવામાં આવે?
ભાણગઢ કિલ્લાને ભૂતિયા હોવાનું કહેવાય છે તેની પાછળ ઘણી વાર્તાઓ છે. વૈજ્ઞાનિકોએ આ ભૂતપ્રેતની વાતોને ફગાવી દીધી છે, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અહીં અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે.
ભાણગઢ જિલ્લો જયપુરથી 118 કિલોમીટર દૂર છે. તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે. લોકો તેમાં એટલા મગ્ન થઈ જાય છે કે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કહાણી ક્યાં પૂરી થાય છે અને ઇતિહાસ શરૂ ક્યાંથી થાય. કેટલીય વેબસાઇટ અને બ્લૉગ આ જગ્યાને ‘મોસ્ટ હૉન્ટેડ’ ગણાવે છે.
ભાણગઢ કિલ્લો ભારતમાં સૌથી ભૂતિયા સ્થળ તરીકે ઓળખાય છે અને તેથી જ આ કિલ્લો કદાચ સૌથી મોટો વણઉકેલાયેલ રહસ્ય છે. રહસ્યમય હોવાને કારણે આ સ્થળ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અહીં ભૂતપ્રેતની વાર્તાઓને કારણે ઘણા પ્રવાસીઓ તેને પોતાની ટ્રાવેલિંગ લિસ્ટમાં રાખે છે.
આ સ્થળ વિશે ઉત્સુક કેટલાક પ્રવાસીઓ અહીં મજા માણવા આવે છે, કેટલાક નિરાશ થઈને પાછા ફરે છે, અને કેટલાક આ વાર્તાઓ અને રહસ્યોમાં ડૂબી જાય છે. જો તમે પણ આ પ્રવાસીઓમાંથી એક છો તો જલ્દી જ આ કિલ્લાની મુલાકાત લેવાનો પ્લાન ચોક્કસ બનાવો.
મોટા ભાગના લોકો માને છે કે ભાણગઢ કિલ્લો ભૂતિયા છે અને તેની ઘણી વાર્તાઓને કારણે લાખો લોકો અહીં આવવા ઈચ્છે છે. સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશવું એ બહાદુરી અને મૂર્ખતાનું કાર્ય છે, કારણ કે તે પેરાનોર્મલ પ્રવૃત્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે રાત્રે અહીં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ભાણગઢ કિલ્લો: ભારતનું સૌથી ભૂતિયા સ્થળ
વૈજ્ઞાનિકો ભાણગઢની વાર્તાઓને ફગાવી દે છે, પરંતુ ગ્રામીણો હજુ પણ કિલ્લાને ભૂતિયા માને છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓએ એક મહિલાની ચીસો, બંગડીઓ તૂટવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. તેઓ એમ પણ કહે છે કે કિલ્લામાંથી સંગીતના અવાજો આવે છે અને ક્યારેક તેમને પડછાયા પણ દેખાય છે.
કેટલાક લોકોને લાગે છે કે કોઈ તેમની પાછળ આવી રહ્યું છે અને પાછળથી તેમને થપ્પડ મારી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાંથી એક વિચિત્ર ગંધ પણ આવે છે. આ કારણોસર, સૂર્યાસ્ત પછી દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને કિલ્લામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કે, આ વાર્તાઓ બનાવટી છે કે વાસ્તવિક તે અંગે કોઈ કંઈ કહી શકે તેમ નથી.
ભાણગઢને લગતી ભૂતિયા વાર્તા
ભાણગઢની એક પ્રસિદ્ધ કહાણી રાજકુમારી રત્નાવતીની છે.
તે ઘણી રૂપવાન હતી અને તેના પર એક જાદુગરનું દિલ આવી ગયું હતું.
રાજકુમારી એકવાર તેમની સખીઓ સાથે બજારમાં ગઈ હતી. જાદુગરે તેને અત્તર ખરીદતાં જોઈ. તેણે અત્તરની જગ્યાએ પ્રેમના અર્કનો ઉપયોગ કર્યો. રાજકુમારીને આની ખબર પડી ગઈ અને તેણે અર્ક એક પથ્થર પર રેડી દીધો.
એ સાથે જ જાદુગર પણ પર્વત પરથી પટકાયો અને એણે નગરને બરબાદ થવાનો શાપ આપ્યો. બાદમાં મોગલોએ આ નગર પર આક્રમણ કર્યું. શહેરનો નાશ થયો અને ઘણા લોકો માર્યા ગયા. રાજકુમારી રત્નાવતી પણ બચી ના શકી. આ શાપના વિનાશનો પડછાયો ભાણગઢ પર પડ્યો.
“માધોસિંહ અહીંના રાજા હતા અને તેમની રાણી રત્નાવતી હતાં. ભાણગઢ માધોસિંહ રાજાની રાજધાની હતી. આ કિલ્લો સાડા ચારસો વર્ષ જૂનો છે. સિંગા સેવડા નામનો એક તાંત્રિક હતો. તેણે જાદુ કર્યો હતો કે આ કિલ્લો એક દિવસ, એક રાત એટલે કે ચોવીસ કલાકમાં નષ્ટ થઈ જશે.”
સ્થાનિક લોકોમાં વધુ એક વાર્તા પ્રખ્યાત સમ્રાટ માધો સિંઘની છે.
જેમણે ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ શહેરનું નિર્માણ કર્યું હતું, જે ધ્યાન કરવાનું પસંદ કરતા હતા. સંતે એ શરતે મંજૂરી આપી કે મહેલનો પડછાયો તેમના પ્રાર્થના સ્થળ પર ન પડવો જોઈએ. જો આમ થશે તો મહેલ નાશ પામશે.
જ્યારે મહેલનું બાંધકામ પૂર્ણ થયું, ત્યારે તેનો પડછાયો સંતના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને તે જ સમયે ભાનગઢ બરબાદ થઈ ગયું. સંતના ક્રોધને સહન કર્યા પછી, ભાનગઢ તરત જ એક શ્રાપિત શહેરમાં ફેરવાઈ ગયું અને ફરીથી વસાવી શકાયું નહીં, કારણ કે તેમાંની કોઈપણ રચના ક્યારેય ટકી શકી ન હતી. નવાઈની વાત એ છે કે બાલુનાથનું તપસ્થળ આજે પણ ખંડેર હાલતમાં જોવા મળે છે.
“1605માં ભાણગઢમાં એ સમયે 14 હજાર લોકો રહેતા હતા. તાંત્રિકના શ્રાપના 24 કલાકની અંદર રાજા અને અડધી પ્રજા ત્યાંથી ચાલી ગઈ. બાકીના લોકો આ શ્રાપના આગળ ઝૂકી ગયા.”
“આ સ્થળને જૂનું જયપુર પણ કહેવામાં આવે છે. કારણ કે જે લોકો અહીં હતા, તેઓ આમેરમાં જઈને વસ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાંથી જયપુર શહેર વસાવ્યું. તેથી તે નવું જયપુર અને જૂના જયપુર તરીકે ઓળખાય છે.”
અહીના લોકોનું કહેવું છે કે અહિયાં રાત્રીના સમયે “અલૌકિક વસ્તુઓ દેખાય છે. રાત્રિના સમયે આ કિલ્લામાંથી વિચિત્ર અવાજો આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પણ અહીં આવે છે, તે પાછા જતા નથી, મૃત્યુ પામે છે અથવા ગાયબ થઈ જાય છે. લોકો એ પણ કહે છે કે અહીં પહેલાં મૃત્યુ પામનારાનો આત્મા ભટકે છે.”
શું સદીઓથી લોકોનાં મનમાં વસેલી આ તાંત્રિકોની અને શ્રાપની કહાણીઓના કારણે ભાણગઢ ‘મોસ્ટ હૉન્ટેડ’ના નામથી ઓળખાવા લાગ્યું.
ભાણગઢ કિલ્લા સુધી કેવી રીતે પહોંચવું?
રોડ માર્ગે: ભાણગઢ કિલ્લો, તે દિલ્હીથી લગભગ 300 કિલોમીટર દૂર છે. જો તમે વહેલી સવારે નીકળી જાઓ અને સૂર્યાસ્ત પહેલા કિલ્લાની મુલાકાત લો તો સારું રહેશે, કારણ કે સૂર્યાસ્ત પછી કિલ્લાની મુલાકાત લેવાની મનાઈ છે. આ સિવાય તમે તમારી પોતાની કાર સાથે અથવા ભાડા પર ભાણગઢ કિલ્લાની મુલાકાત લઈ શકો છો, તમે નીમરાના, જયપુર, સરિસ્કા, અલવર પણ જઈ શકો છો.
ટ્રેન મુસાફરી: તમે નવી દિલ્હીથી અલવર સુધી શતાબ્દી એક્સપ્રેસ લઈ શકો છો અને પછી ભાણગઢ કિલ્લા સુધી ટેક્સીની વ્યવસ્થા કરી શકો છો. જોકે, ટ્રેન માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. યાદ રાખો કે ભાનગઢની આસપાસ કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ નથી. જો કે તમને રસ્તામાં ઢાબાની સુવિધા મળશે, પરંતુ જો તમે ટ્રીપ માટે ઘરેથી ફૂડ પેક કરો તો સારું રહેશે. જો કે, રસ્તામાં ઢાબા શોધવું એટલું મુશ્કેલ નથી.