ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગોંડલની મોંઘીબા સ્કૂલી કાર્યક્રમનો પ્રારંભ કરાયો
પુર, વાવાઝોડુ, ભૂકંપ જેવી આપદા વેળાએ કેવી રીતે બચી શકાય અને કેવી રીતે અન્યોને બચાવી શકાય તેવી જાણકારી અને કામગીરી બાળકો પણ કરી શકે તેવા ઉમદા હેતુથી રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ જિલ્લાની શાળાઓમાં વર્કશોપ યોજવા નકકી કર્યું છે ત્યારે આજી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મોંઘીબા શાળા ખાતેથી આ ખાસ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કુદરતી આફતો વેળાએ બાળકો ગભરાયા વગર પરિસ્થિતિનો સામનો કરી શકે તેમજ અન્યોને પણ બચાવી શકે તેવા ગુણો કેળવવા માટે સરકાર દ્વારા રાજયની તમામ શાળાઓમાં ખાસ જનજાગૃતિ વર્કશોપ યોજવા નકકી કર્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાની ૧૪૪૦ શાળાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, એસટીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા બાળકોને પ્રત્યેક્ષ તાલીમ નિર્દેશન કરાવાશે.
વધુમાં આજે ગોંડલમાં આવેલ મોંઘીબા સ્કૂલ ખાતેથી આ ખાસ વર્કશોપનો પ્રારંભ થયો છે. જેમાં જીએસએમડી દ્વારા શાળાના બાળકોને રાહત-બચાવ અંગે પ્રત્યેક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજના દિવસે પડધરી તાલુકાના ઉકરડા ગામે અને રાજકોટ તાલુકાના કોઠારીયા ગામે પણ બાળકોને તાલીમ નિર્દેશન અપાયું હતું.
સરકારના આ ઉમદા હેતુ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાની પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ તેમજ ખાનગી શાળાઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવી છે. જેમાં જીએસડીએમના નિયામક તેમજ અન્ય અધિકારીઓ પણ ખાસ હાજર રહી બાળકોને તાલીમ નિર્દેશન આપનાર હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રાજકોટના ડીપીઓએ અંતમાં જણાવ્યું હતું.