- ‘સદસ્યતા અભિયાન’ને ધારી સફળતા ન મળતા ભાજપના નેતાઓને ઠપકાં મળ્યા
- ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાના ભાજપના લક્ષ્યાંક સામે આંકડો હજુ એક કરોડે પણ પહોંચ્યો નથી: ‘સદસ્યતા અભિયાન’નું છેલ્લું એક અઠવાડીયું બાકી
- કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સિવાયના તમામ ધારાસભ્યો અને સાંસદો સભ્ય નોંધણી ઝુંબેશમાં ટાર્ગેટથી ઘણા છેટાં
ભાજપ દ્વારા ગત 1લી સપ્ટેમ્બરથી દેશવ્યાપી ‘સદસ્યતા અભિયાન’ નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાજપના અડીખમ ગઢ ગણાતા ગુજરાતમાં જ પક્ષને ધારી સફળતા પ્રાપ્ત થઇ નથી. રાજ્યમાં બે કરોડ સભ્યો બનાવવાના લક્ષ્યાંક સામે હજુ આંકડો એક કરોડે પણ પહોંચ્યો નથી. ‘સદસ્યતા અભિયાન’નું હવે એક જ સપ્તાહ બાકી રહ્યું હોય આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ભાજપના તમામ સાંસદ સભ્યો, ધારાસભ્યો, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તથા સદસ્ય અભિયાનના સંયોજકોનો ક્લાસ લીધો હતો. એકમાત્ર રાજકોટ શહેર અને જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની કામગીરી નબળી હોય તમામને પ્રમુખના ઠપકા મળ્યા હતા. તોતીંગ લીડ સાથે જીતેલા ધારાસભ્યો અને સાંસદો પણ સભ્યો બનાવવામાં નબળા પૂરવાર થઇ રહ્યા છે.
ગુજરાતને ભાજપનો અડીખમ ગઢ માનવામાં આવી રહ્યો છે. ગુજરાત ભાજપ માટે એક રાજકીય પ્રયોગશાળા મનાઇ રહી છે. રાજ્યમાં તમામ આઠ મહાનગરપાલિકાઓ અને 33 પૈકી 30 જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે. 161 ધારાસભ્ય, લોકસભાના 25 સાંસદો અને રાજ્યસભાના 10 સાંસદો હોવા છતાં ગુજરાતમાં ‘સદસ્યતા અભિયાન’માં સંગઠન માળખું તદ્ન નિષ્ફળ ગયું છે. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરો પૈકી એકમાત્ર રાજકોટ શહેર અને જિલ્લામાં સભ્ય નોંધણીનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો હતો તેના કરતા વધુ સભ્યોની નોંધણી થઇ છે. તોતીંગ લીડ સાથે જીતી ધારાસભ્ય અને સાંસદ બનનાર ભાજપના નેતાઓ સભ્ય નોંધણીમાં નબળા પૂરવાર થયા છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સિવાય મોટાભાગના ધારાસભ્યો કે સાંસદ સભ્યો પોતાને આપવામાં આવેલા ટાર્ગેટ મુજબ સભ્ય બનાવી શક્યા નથી. હાલ ભાનુબેન સૌથી આગળ ચાલી રહ્યા છે.
15મી ઓક્ટોબરના રોજ ભાજપનું ‘સદસ્યતા અભિયાન’ પુરૂં થઇ રહ્યું હોય હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે બે કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવું ભાજપ માટે અશક્ય પડકાર બની ગયો છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા સવારથી ‘કમલમ્’ ખાતે ‘સદસ્યતા અભિયાન’ ઝુંબેશ અંતર્ગત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બપોરે 12:30 કલાકે તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવી હતી. દરમિયાન બપોરે 4:00 કલાકથી ભાજપના લોકસભાના તમામ સાંસદો, રાજ્યસભાના તમામ સાંસદો, ભાજપના તમામ 161 ધારાસભ્યો, અમૂક પૂર્વ ધારાસભ્યો અને સદસ્યતા અભિયાનના સંયોજકો સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા તમામ પાસેથી કેટલા સભ્યો બનાવ્યા છે. તેનું લીસ્ટ લેવામાં આવશે. ઓછા સભ્યો બનાવનાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોને ઠપકો આપવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોને પણ ટાર્ગેટ પુરૂં કરવા માટે મોટા ટાર્ગેટ આપવામાં આવશે. સદસ્યતા અભિયાનને લઇ આજે ભાજપના સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્ેદારો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને પણ નવો ટાસ્ક આપવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દરબારમાં: વડાપ્રધાન સાથે બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે દિલ્હી દરબારમાં પહોંચી ગયા છે. તેઓની સાથે રાજ્ય સરકારના અગ્ર સચિવ રાજકુમાર પણ જોડાયા છે. આ બંનેએ વડાપ્રધાન સાથે બેઠક કરી હતી. નરેન્દ્રભાઇ મોદીએ સુશાસનના 23 વર્ષ પૂરા કર્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી 15-ઓક્ટોબર સુધી ગુજરાત ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 23 વર્ષ દરમિયાન ગુજરાતમાં થયેલા વિકાસ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડાપ્રધાન સાથે ચર્ચા કરે તેવી સંભાવના પણ જણાઇ રહી છે. આ ઉપરાંત રાજ્યના મહત્વના અન્ય બે પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થઇ શકે છે.
આગામી 28મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની દિલ્હી મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર તોળાઇ રહ્યા છે. આવામાં સીએમની દિલ્હી મુલાકાતે પણ અનેક અટકળો ઉભી કરી છે.