- અલ્તાફ કારીયાણીયા પુત્રને જ્યુસ પીવડાવવા માટે નીકળ્યો ત્યારે ઇમરાન કચરા, સોકત કચરા અને આફતાબ કચરાએ ધોકા-પાઈપ વડે હુમલો કરી કપાળ અને નાકનું હાડકું ભાંગી નાંખ્યું
શહેરના હનુમાનમઢી પાસે મારા ભાઈની પત્ની સામે કેમ જોવે છે કહીં રીક્ષા ચાલક પર કચરા બંધુઓએ ધોકા અને પાઈપથી ખૂની હુમલો કરતાં રીક્ષા ચાલકનું કપાળ અને નાકનું હાડકું ભાંગી નાંખ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે રૈયારોડ પર હનુમાન મઢી પાસે રામનગર શેરી નં.3 માં રહેતાં સલીમભાઇ અબ્દુલભાઇ કારીયાણીયા (ઉ.વ.61)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈમરાન રમજાન કચરા, અખ્તર સોક્ત કચરા (રહે. બંને નેહરૂનગર), આફતાબ રફીક કચરાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નીવૃત જીવન ગાળે છે. તેઓને સંતાનમાં બે પુત્ર જેમાં ઇમરાન (ઉ.વ.37) અને અલ્તાફ (ઉ.વ.34) તેમજ એક પુત્રી છે. અલ્તાફના હાલ ઓટો રીક્ષા ચલાવે છે અને તેમના પત્નીનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયેલ છે. ગઇકાલે સાંજના સાતેક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે તેમના મીત્ર ઇમ્તિયાઝ પઠાણનો ફોન આવેલ અને જણાવેલ કે, તમારા દીકરા અલ્તાફને નવઘણ ચા પાસે કોઇએ માર મારેલ છે, તમે જલ્દી આવો તેમ વાત કરતા તેઓ એક્ટીવા લઇ નવઘણ ચા પાસે ગયેલ ત્યારે ત્યાં માણસો ભેગા થઇ ગયેલ હતા.
ત્યાં જઇને જોયુ તો તેમનો દીકરો અલ્તાફ નવઘણ ચાની હોટલની સામે રોડની સામેની સાઇડે ઇજા થયેલ હાલતમાં પડેલ હતો. તેને માથાના ભાગે, કપાળમાં, હોઠ ઉપર બંને પગે ગોઠણથી નીચેના ભાગે ઇજા થયેલ હતી અને લોહી નીકળતુ હતું. જેથી તેની પુછપરછ કરતા તેણે વાત કરેલ કે, હું મારી રીક્ષા લઇ મારા છોકરા નવાબને જ્યુસ પીવડાવવા માટે ગયેલ હતો અને નવઘણ ચા પાસે ઉભા હતા ત્યારે ઇમરાન કચરા લાકડાના ધોકા સાથે મારી પાસે આવેલ કહેલ કે, તું મારા ભાઈની પત્નિ સામે કેમ ખરાબ નજરે જોવે છે, તેમ કહી ગાળા ગાળી કરવા લાગેલ હતો.દરમિયાન અખ્તર કચરા અને આફ્તાબ કચરા પણ ધોકા અને પાઈલ સાથે ઘસી આવેલ અને આડેધડ માર મારવા લાગેલ હતાં. ઉપરાંત અખ્તરે માથામાં કપાળના ભાગે લોખંડના પાઇપના બે ત્રણ ઘા ઝીંકી દેતાં હું પડી ગયેલ અને લોહી નીકળવા લાગેલ હતું. દરમિયાન મે રાડા રાડ કરતા આજુ બાજુમાં માણસો ભેગા થઇ જતાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા.બાદમાં ઇજાગ્રસ્ત અલ્તાફને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતાં તબીબોએ તેનું કપાળના ભાગે અને નાકના ભાગે હાડકુ તુટી ગયેલ હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.ટી. અકબરી અને ટીમે આરોપીને ઝડપી લેવાં તજવીજ હાથ ધરી હતી.