- આજે વિશ્ર્વ આત્મહત્યા નિવારણ દિવસ
છેલ્લા ચાર માસમાં સૌરાષ્ટ્રમાં 171 લોકોનો આપઘાત:આત્મહત્યાનો પ્રયત્ન પુરૂષો કરતા સ્ત્રીઓ બમણાથી વધારે કરતી હોય છે પરંતુ આત્મહત્યા પુરુષોમાં સ્ત્રીઓ કરતા દોઢ ગણી જોવા મળે છે: મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો
આજે 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.વિવિધ વર્તમાનપત્રકોમાં આવેલ કેસના આધારે વિશ્લેષણના આધારે સૌરાષ્ટ્રમાં ચાર મહિનામાં 171 આપધાત કર્યો છે.સરેરાશ રોજ એક આપઘાતની ઘટના બનતી હોય છે.આત્મહત્યાનો પ્રયત્ન પુરુષો કરતા સ્ત્રીઓ બમણાથી વધારે કરતી હોય છે પરંતુ આત્મહત્યા પુરુષોમાં સ્ત્રીઓ કરતા દોઢ ગણી જોવા મળે છે.સામુહિક આત્મહત્યા હમેશા સામજિક દબાણને કારણે સર્જાતી હોય છે.આત્મહત્યા ન તો પાપ છે ના કોઈ અપરાધ. જયારે સમાજમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી જિંદગી છિન્નભિન્ન થાય જાય છે. ખરેખર આત્મહત્યાએ એક એવી માનસિક બીમારી છે જેનાથી ગ્રસીત વ્યક્તિ વિધવંસક પગલુ ભરી પોતાની જાતનો જ ભોગ લે છે. આત્મહત્યામાં વ્યક્તિ ખુદજ ભક્ષક હોય છે જેનાથી તેને પોતાની જાતની જ઼ રક્ષા કરવાની હોય છે. આત્મમહત્ય કરનાર વ્યક્તિ એકલી નથી જતી તે પોતાની સાથે જોડાયેલા ઘણા લોકો ની લાગણીઓ, અપેક્ષાઓ લઈ ને જાય છે. સૌરાષ્ટ્ર ભરમાં આત્મહત્યા અંગે વિવિધ અખબારી નોંધ પરથી મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ડો. યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમા એક ડેટા બેઇઝ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે માટે વિવિધ સમાચાર પત્રોનો અભ્યાસ કરવામાં આવેલો હતો. રાજકોટ આપઘાતની બાબતમાં કેન્દ્ર સ્થાને છે તેની પાછળના કારણો મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ શોધ્યા હતો. 74 સ્ત્રીઓ (43.27%) અને 97 પુરુષો (56.73%) એ છેલ્લા ચાર મહિનામાં આત્મહત્યા કરી. ટોટલ 171 જેટલા આપઘાતના બનાવ સામે આવ્યા છે. 4 મહિનામાં ત્રણ સમુહ આપધાત એટલે કે સરેરાશ 1.6 મહિને એટલે કે દોઢ મહિને એક સરેરાશ સામૂહિક આપધાત સૌરાષ્ટ્રમાં બને છે.
-:: આત્મહત્યાના કારણોનું વિશ્ર્લેષણ ::-
- 1 ગૃહ કંકાસના કારણે 30 (17.54%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 2 આર્થિક કારણે 20 (11.70%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 3 વ્યાજ ખોરીના કારણે 21 (12.28%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 4 પ્રેમ સંબંધના કારણે 21 (12.28%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 5 અનૈતિક સંબંધના કારણે 10 (5.85%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 6 લગ્ન ન થવાના કારણે 08 (4.68%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 7 બેરોજગારીના કારણે 05 (2.92%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 8 બીમારી થી કંટાળી જવાના કારણે 10 (5.85%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 9 વિયોગના કારણે 04 (2.34%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 10 ભવિષ્યની ચિંતાને કારણે 05 (2.92%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 11 ડિપ્રેશનને કારણે 16 (9.36%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 12 માતા-પિતાના ઠપકાના કારણે 05 (2.92%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 13 છુટાછેડાના કારણે 08 (4.68%) લોકોએ આત્મહત્યા કરેલી છે .
- 14 ઉપરી અધિકારીના ત્રાસના કારણે 03 (1.75%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 15 એકલતાના કારણે 03 (1.75%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 16 સંતાન ન હોવાના કારણે 02 (1.18%) લોકોએ આત્મહત્યા કરેલી છે.
- 19 થી 40 વય જૂથના કિસ્સાઓમાં મુખ્ય કારણો
યુવાનો જ્યારે પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા અથવા નિષ્ફળ જાય છે, પોતાની લાગણીઓ પર નિયંત્રણ નથી મેળવી શકતા ત્યારે તેઓ આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. ઘણી વખત યુવાનો પોતાની કેટલીક ઈચ્છાઓ અને માંગણીઓ એ પ્રકારની રાખતા હોય છે કે જે મુશ્કેલ હોય છે અને તેમાં અસફળતા મળતા તેઓ આક્રમક થઈ જાય છે. ઘણી વખત તેઓ અસામાજિક કૃત્યો તરફ પણ વળે છે. આવું કાર્ય કર્યા બાદ પકડાવવાથી અથવા પશ્ચાતાપ ને કારણે ઘણી વખત આત્મહત્યા કરતા હોય છે. યુવાવસ્થા એ એવો સમય છે જેમાં વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે ખાસ કરીને નોકરીની ચિંતા, કારકિર્દી, સંબંધો, વ્યક્તિગત સમસ્યાઓ જેવી કે લવ અફેર, લગ્ન, સેટલ થવાની ચિંતા, ભવિષ્યનો અભ્યાસ વગેરે. યુવાવસ્થામાં જ્યારે વ્યક્તિ બેરોજગારીનો ભોગ બને છે ત્યારે તેનામાં ભવિષ્યલક્ષી ચિંતા નું પ્રમાણ ખૂબ વધી જાય છે. ઘણી વખત વ્યક્તિ તેની અપરિપકવતાને કારણે ઘણી સમસ્યાઓ ઊભી કરી બેસે છે જેને પરિણામે તે ડિપ્રેશન, ચિંતા, વ્યક્તિત્વ વિકૃતિ વગેરે નો ભોગ બની બેસે છે. આ ઉપરાંત ઘણી વખત વ્યક્તિ પરિવારની વધારે પડતી અપેક્ષાઓના ભાર નીચે દબાઈ જાય છે અને ત્યાર પછી સામાજિક અને નૈતિકતા ના મૂલ્યો ના દબાણ હેઠળ ઘણી વખત તે આત્મહત્યાના વિચારો તરફ અને ક્યારેક દારૂ સિગરેટ જેવા વ્યસનો તરફ દોરાય છે. તે વ્યક્તિ એકલો રહેવાનું પસંદ કરે છે અને અનિંદ્રા નો ભોગ બને છે. મુખ્ય અને મોટાભાગે આ વયજૂથ માં આત્મહત્યા કરવા પાછળનું કારણ કોઈ હોય તો તે પ્રેમ સંબંધોનું કારણ હતું. આ ઉપરાંત પતિ – પત્નિ ના ઝગડાઓ, આર્થિક ભીંસ, બેરોજગારી, વ્યસન છોડવાનો દબાવ, મોબાઈલ નો ઉપયોગ કે નવો મોબાઈલ લઈ આપવાની ના પાડતા, પારિવારિક ઝગડાઓ, સાસરીમાં ત્રાસ, વ્યાજ કે દેવું, કોઈ બીમારીના કારણે, લગ્નનેતર સંબંધો, પ્રેમી – પ્રેમિકા ના દબાવ, ઈન્સ્ટાગ્રામ પર ખરાબ ફોટા મૂકવાની લગ્ન માટેની ધમકી, એકલવાયું જીવન, પરીક્ષા માં નિષ્ફળતા, વિધવા સ્ત્રીઓ ને ફસાવ્યા ને કારણે, સ્પામાં કામ કરતી ગર્લફ્રેન્ડ ની છૂટાછેડા માટે ધમકી, પ્રેમિકા સાથે વાત કરવાની ના પાડતા, પ્રેમ લગ્ન માં નિષ્ફળતા વગેરે કારણો જોવા મળેલા.
ઉંમર પ્રમાણે આત્મહત્યાનું વિશ્લેષણ
- 09 થી 19 વર્ષના 08 (બાળકો અને તરુણ) અને 16 (યુવતી) જેમાં ટોટલ સંખ્ય 24 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (9.36%) અને પુરુષોમાં (4.68%) જેની ટોટલ ટકાવારી (14.04%) છે.
- 20 થી 29 વર્ષના 41 (પુરુષો) અને 20 (સ્ત્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબંધ : 61 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (12.70%) અને પુરુષોમાં (23.98%) જેની ટોટલ ટકાવારી (35.67%) છે.
- 30 થી 39 વર્ષના 13 (પુરુષો) અને 12 (સ્ત્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબંધ : 25 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (7.02%) અને પુરુષોમાં (7.60%) જેની ટોટલ ટકાવારી (14.62%) છે.
- 40 થી 50 વર્ષના 25 (પુરુષો) અને 17 (સ્ત્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબંધ : 42 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (9.94%) અને પુરુષોમાં (14.62%) જેની ટોટલ ટકાવારી (24.56%) છે.
- 51 થી 60 વર્ષના 07 (પુરુષો) અને 03 (સ્ત્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબંધ : 10 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (1.92%) અને પુરુષોમાં (4.09%) જેની ટોટલ ટકાવારી (5.85%) છે.
- 60 થી વધુ વર્ષના 05 (પુરુષો) અને 04 (સ્ત્રીઓ) જેમાં ટોટલ સંખ્યાબંધ : 09 છે. જેમાં ટકાવારી પ્રમાણે સ્ત્રીઓમાં (2.33%) અને પુરુષોમાં (2.92%) જેટલી ટોટલ ટકાવારી (5.26%) છે.
- 40 થી વધુ ઉંમરનું વયજૂથ
ભારતીય માનસ પહેલા આટલું નબળું ક્યારેય નહોતું જે આજે જોવા મળે છે. ઓછી સુખ સુવિધાઓ વચ્ચે પણ પહેલા શાંતિ અને નિરાતનું જીવન જીવતા લોકો હતા જેનો આજે અભાવ જોવા મળે છે. પહેલા પ્રૌઢ લોકોમાં ધાર્મિક અને અધ્યાત્મની લાગણીઓ જોવા મળતી જેનો આજે ક્યાંક અભાવ છે જેના કારણે પણ આત્મહત્યા જોવા મળે છે. સામાજિક અને પારિવારિક રચનામાં ફેરફાર થતો જોવા મળ્યો છે જેને કારણે એકલતાનો અનુભવ પણ પ્રૌઢમાં જોવા મળી રહ્યો છે. માનસિક બીમારી, વ્યાજ કે દેવું, પુત્રવધૂ નો ત્રાસ, આર્થિક ભીંસ, ઉપરી અધિકારીના ત્રાસ ને કારણે, પતિ – પત્નિ ના ઝગડા, પત્નીના આડા સંબંધો વગેરે કારણોસર આ વયજૂથ માં આત્મહત્યાઓ થયેલી. જેમ ઉપરના કારણો અને વયજૂથ માં જોયું તેમ સૌથી વધુ આત્મહત્યા કરનાર વર્ગ. 19 થી 40 વર્ષ વચ્ચે નો હતો. જેના વિવિધ કારણો હતા. સમૂહમાં રહેતા લોકો માં આત્મહત્યાનું પ્રમાણ એકલા રહેતા લોકો કરતા ઓછું જોવા મળે છે.