- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કાયદાની હત્યા જેવી પરિસ્થિતિ હોવાનો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ વાંચીને હાઇકોર્ટ નારાજ : સબ સલામતનો દાવો કરનાર રજીસ્ટ્રારનો ઉધડો લેવાયો
કાયદાનું શિક્ષણ આપતી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં જ ‘કાયદાની હત્યા’ જેવી પરિસ્થિતિ દર્શાવતો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ વાંચીને હાઇકોર્ટ નારાજ થઈ હતી. બુધવારે કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે રિપોર્ટમાં માત્ર થોડા અંશો વાંચીને ટકોર કરી હતી કે,‘ આ રિપોર્ટ અત્યંત ડરામણો અને ચોંકાવનારો છે. યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાને દબાવી કાઢવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગે છે.’
રિપોર્ટનો ઉલ્લેખ કરતાં ખંડપીઠે ટકોર કરી હતી કે,‘વિદ્યાર્થીઓના સિક્રેટ સરવેમાં સામે આવ્યું છે કે લો યુનિવર્સિટીમાં છેડતી, રેપ, સમલૈંગિકો પ્રત્યે દુર્ભાવ, પક્ષપાત, ભેદભાવ, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન, ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટી અંગેની માહિતીનો અભાવ પ્રવર્તે છે.’ હાઇકોર્ટે સમગ્ર મામલે યુનિવર્સિટીનો ઊધડો લેતાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની તપાસ કરી યોગ્ય નિર્ણય લેનારી ઓથોરિટીની માહિતી રજૂ કરવાનો આદેશ કર્યો છે. તેમ છતાંય યુનિ.માં રજિસ્ટ્રારની આટલી હિંમત કે કોર્ટ સમક્ષ શપથ પર ‘સબ સલામત’નું ખોટું સોગંદનામું કર્યું?ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી.માયીની ખંડપીઠે રિપોર્ટમાં સામે આવેલી હકીકતોને ‘સ્કેરી’ ગણાવતાં ટકોર કરી હતી કે,‘કઇ રીતે એક રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીમાં આ બધું ચાલી શકે? ઊલટાનું યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કોર્ટ સમક્ષ સોગંદનામું કરીને ‘સબ સલામત’ની ખોટી ગુલબાંગો પોકારી હતી અને કાર્યવાહી બંધ કરવાની ભલામણ કરી હતી. રજિસ્ટ્રારની આટલી હિંમત કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય ત્યારે આવું સોગંદનામું કરે? કઇ રીતે આવા રજિસ્ટ્રાર વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરશે?
હાઇકોર્ટે એવી ગંભીર ટકોર પણ કરી હતી કે,‘પીડિતો દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે રાજકીય વગ ધરાવતી વ્યક્તિએ પોલીસ કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટના આદેશ પછી જે પ્રથમ વ્યક્તિને હટાવવામાં આવ્યો એની વિરુદ્ધમાં પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. રજિસ્ટ્રાર, ડિરેક્ટર અને ફેકલ્ટી સામે પણ વિદ્યાર્થીઓએ ચોંકાવનારા આક્ષેપો કર્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે જે પ્રોફેસર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના હેડ હતા, તેમણે વિદ્યાર્થીઓની સમસ્યાઓને દબાવી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. વિદ્યાર્થીઓ શા માટે ખોટું બોલે? તેમને કોઇ ફેકલ્ટી વિરુદ્ધ વ્યક્તિગત વેર નથી, પરંતુ ફેકલ્ટીએ આ રીતે વિદ્યાર્થીઓ જોડે વેર વાળવો જોઇએ નહીં. યુનિવર્સિટી અને તેની ફેકલ્ટીના કામ કરવાની પદ્ધતિની ઉચ્ચ સ્તરીય કમિટી તપાસ કરે એ જરૂરી જણાય છે. તેથી કોણ આ રિપોર્ટ પર તપાસ કરી શકે અને નિર્ણય લઇ શકે એ વિશે કોર્ટને જણાવો.’
ખંડપીઠે ટકોર કરી હતી કે,‘અમે હાલ રિપોર્ટ સીલ કવરમાં રાખીએ છીએ અને કોઇ ટિપ્પણી કરતા નથી પરંતુ અમને દુ:ખ અને ચિંતા છે કે યુનિવર્સિટીએ શરૂઆતમાં આ મામલો ગંભીરતાથી ન લીધો. શું અમે એવું માનીએ કે અગાઉ જે ‘સબ સલામત’નો જે જવાબ આપ્યો હતો એ ખોટો હતો, જો એના વિશે અમે કંઇ કહીશું તો બહુ મોટી આફત થશે. યુનિવર્સિટીના પુરુષ ફેકલ્ટી મેમ્બર્સ સામે પણ આક્ષેપો છે. ટીચર્સ-ફેકલ્ટી વિદ્યાર્થીઓની માતા-પિતાની ભૂમિકામાં હોય છે. તેમના કૃત્યથી રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યો છે.