અત્યારના સમયમાં “બ્રાન્ડ” શબ્દ ખૂબ જ જાણીતો છે. સામાન્ય માં સામાન્ય વ્યક્તિ પણ બ્રાન્ડ પાછળ ઘેલી થતી હોય છે, દરેક વ્યક્તિને બ્રાન્ડ નો ક્રેઝ હોય છે અને બ્રાન્ડ લોકોનું સ્ટેટસ બની ગયું છે. ગરીબ કે જરૂરિયાત મંદ લોકો પોતાની જરૂરિયાત પૂરી કરી શકતા નથી, તેમ છતાં જાણ્યે અજાણ્યે બ્રાન્ડ પાછળ પૈસા ખર્ચવા પડે, તેના જેવી દુ:ખની વાત બીજી કઈ હોઈ શકે?
જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોક્ટર દ્વારા લખેલી દવા આપણે મેડિકલ સ્ટોરમાંથી ખરીદીએ છીએ. આપણી અને આપણા સ્વજનોની તબિયત સારી કરવા તેમજ બીમારી દૂર કરવા માટે આપણે પૈસાનો વિચાર કરતા નથી. ડોક્ટર પર પૂરો ભરોસો હોવાથી આપણે ડોક્ટરે લખેલા પ્રિસ્ક્રિપ્શન પર ક્યારેય નજર નાખતા નથી, સીધા મેડિકલમાં જઈને દવા લઈએ છીએ, બરાબર ને? શું તમે ક્યારેય પ્રીસ્ક્રિપ્શન માં જોયું છે કે ડોક્ટરે લખેલી દવા જેનેરીક છે કે બ્રાન્ડેડ?
જેનેરીક દવા શું છે?
રોગની સારવાર માટે ઘણા પ્રકારના સંશોધન અને અભ્યાસ કર્યા પછી એક રસાયણ તૈયાર કરવામાં આવે છે, જેને “સોલ્ટ” કહે છે. આ સોલ્ટ ને દવાનું સ્વરૂપ આપવામાં આવે છે. દરેક કંપની અલગ અલગ નામે આ દવારૂપી સોલ્ટ વેચે છે. સામાન્ય રીતે દરેક દવાઓ એક પ્રકારનું રાસાયણિક સોલ્ટ જ છે. સંશોધનના અંતે વિવિધ રોગો માટે તેને બનાવવામાં આવે છે. જેનેરીક દવા જે સોલ્ટમાંથી બનાવવામાં આવે છે, તે તેના નામથી ઓળખાય છે. દા.ત. દુખાવા અને તાવ માટે પેરાસિટામોલ, તે જેનેરીક દવા કહેવાય. પરંતુ તે જ તત્વવાળી દવા બ્રાન્ડના નામે વેચાય ત્યારે તે ક્રોસિન કહેવાય, જેને કંપનીની બ્રાન્ડેડ દવા કહેવાય.ટૂંકમાં જેનેરીક દવાઓ વેપારના નામે કે બ્રાન્ડ નેઇમ થી વેચવામાં આવે ત્યારે તેને બ્રાન્ડેડ દવા કહેવાય. બ્રાન્ડેડ દવા પાછળ સંશોધન, પ્રમોશન, ડેવલપમેન્ટ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ વગેરે જેવા ખર્ચાઓ થતા હોવાથી અને કંપનીને નફો કમાવાના હેતુથી બ્રાન્ડેડ દવા મોંઘી હોય છે. પેટન્ટ બ્રાન્ડેડ દવાઓની કિંમત જેને કંપની નક્કી કરે છે, પરંતુ જેનેરીક દવાઓ વિકાસ કર્તાઓની પેટન્ટ અવધિ પૂર્ણ થયા પછી વિકસાવવામાં આવે છે અને તેની પાછળ માર્કેટિંગ કે અન્ય ખર્ચ પણ થતો નથી તેમજ સરકારની દરમિયાનગીરીથી જેનેરીક દવાઓ ની કિંમત નક્કી થતી હોય છે પરિણામે જેનેરીક દવા સસ્તી હોય છે.જેનેરીક દવા અને બ્રાન્ડ ની દવા માં રંગ, રૂપ, આકાર, કદ તેમજ પેકિંગમાં તફાવત હોય છે. બહારથી દેખાતો તફાવત ખરેખર દવાની અંદર રહેલા રાસાયણિક તત્વો માં હોતો નથી તેમજ જેનેરીક દવા સીધી ખરીદનાર સુધી પહોંચે છે જેથી સસ્તી હોય છે. પરંતુ બંને દવાઓની અસરમાં કંઈ ફરક નથી તેમ છતાં કિંમતમાં અનેક ગણો તફાવત હોય છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓમાં જણાવ્યું છે કે ડોક્ટરોએ દર્દીઓને બ્રાન્ડેડ દવાઓ લખવાને બદલે જેનેરીક દવાઓ લખવી. તેમજ દવાની સ્ટ્રીપ ઉપર જેનેરીક દવાઓનું નામ મોટા અક્ષરે લખવું અને બ્રાન્ડ નું નામ નાના અક્ષરે લખવું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનેરીક દવા બાબતે જણાવતા કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર કાનૂની વ્યવસ્થામાં એવો કાયદો લઈ આવશે કે જેથી ડોક્ટરો જેનેરિક દવા જ લખે. આ પગલું ભરવાથી મોટી મોટી દવાની કંપનીઓને નુકસાન થશે પરંતુ લાખો ગરીબોને લાભ થશે. દુનિયાના અનેક દેશોમાં ભારતની જેનેરીક દવા મળે છે. સ્વાસ્થ્ય ને સુધારવા અને રોગોને દૂર કરવા દવા અત્યંત જરૂરી છે.
જેમાં નફો કમાવાની વૃત્તિથી ચાલતી કંપનીની બ્રાન્ડેડ દવા ખરીદવાને બદલે જેનેરીક દવાઓનો ઉપયોગ કરશો તો તમારું બજેટ પણ તુટશે નહીં અને આરોગ્ય પણ સારું રહેશે. તમે પણ તમારા ડોક્ટરને જેનેરીક દવા લખવા માટે કહી શકો છો અને જન ઔષધી કેન્દ્ર પરથી જેનેરીક દવા પ્રાપ્ત કરી શકો છો.