ગુજરાત સહિત પાંચ રાજયના 13 જિલ્લાઓના કલેકટરને કેન્દ્રીય ગૃહ મંત્રાયલ દ્વારા વિશેષ સતા આપવામાં આવી છે. રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરા જિલ્લાના કલેકટર દ્વારા પાકિસ્તામ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓને નાગરિકતા આપી શકાશે. હવે ભારતના નાગરિક બનવા માટે કેન્દ્રમાંથી મંજુરી લેવાની લાંબી કાર્યવાહી સરળ બનતા એક આશાનું કિરણ સામે આવ્યું છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા બીન મુસ્લિમોને ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી ચાલતી લાંબી કાર્યવાહી વધુ સરળ બની રહે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પાંચ રાજયના 13 જિલ્લાના કલેકટરને હિન્દુ લઘુમતીઓને ભારતમાં વસવાટ માટે છુટ આપવાની સત્તા સોપવામાં આવી છે. રાજયના રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરાના જિલ્લા કલેકટરને આ વિશેષ સત્તાથી બીન મુસ્લિમોને ભારતના નાગરિક બનાવી શકે તેવી કાયદાકીય સતા સોપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગત તા.28 મેના રોજ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુ લઘુમતિઓને ભારતના નાગરિક બનાવવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્તાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ રાજયના 13 જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમોને ભારતના નાગરિકત્વ મેળવવા માટે કેન્દ્ર સરકારને વધુ અરજીઓ મળતી હતી. કેન્દ્ર સરકારમાં આ અરજીના નિકાલમાં લાંબો સમય પસાર થતો હોવાથી પાંચેય રાજયના 13 જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમને ભારતના નાગરિક બનાવવાની વિશેષ સત્તા સોપવામાં આવી છે.
2018ની શરૂઆતમાં આ સત્તા રાયપુર જિલ્લાના કલેકટરને સોપવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર, મહારાષ્ટ્રના નાગપુર, મુંબઇ, પુણે અને થાણે, રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને જયપુર, ઉત્તર પ્રદેશના લખનૌ અને દિલ્લાના પશ્ર્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હીના સાત રાજયમાં ગૃહ સચિવો સિવાઇ શુક્રવારે જારી કરેલા નાગરિકતા માટેની ઓન લાઇન અરજી કરવી પડશે અરજીની ચકાસણી કલેકટર અને સેક્રેટરી દ્વારા એક સાથે કરવામાં આવશે. જિલ્લા કક્ષા અને રાજય કક્ષાએ આવેલી અરજીના અહેવાલ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર મુકવામાં આવશે.
રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં ભારતીય નાગરીકતા મેળવવા માટે 153 પાકિસ્તાની હિન્દુઓએ દરખાસ્ત કરેલ છે જે પૈકીનાં 25 જેટલા અરજદારોને ત્રણ દિઓથ (સોગંદ) લેવા માટે કલેકટર કચેરી દ્વારા તેડુ મોકલી બોલાવવામાં આવેલ છે.
આ અંગેની વિગતો આપતા એડીશ્નલ કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનનાં આ 153 પૈકીના 25 હિન્દુઓને ઓથ માટે બોલાવવામાં આવેલ છે આગામી ત્રણ દિવસ દરમ્યાન તેઓને ઓથ (સોગંદ) લેવડાવવામાં આવશે. જે બાદ તે કમિશ્નર ઓફ પોલીસને અભિપ્રાય માટે મોકલી આપવામાં આવશે. જયારે 153 પૈકીની અન્ય 42 અરજીઓ ગૃહ વિભાગનાં અભિપ્રાય માટે મોકલવામાં આવી છે તેમજ બીજી 56 અરજીઓ ક્ષતિઓવાળી હોય તેને પેન્ડીંગ રાખવામાં આવી છે.
અહી એ ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાની હિન્દુઓ પાકિસ્તાનથી વિઝા ઉપર અહી આવેલ હતા. જેમાંથી મોટાભાગના શહેરનાં મોરબી રોડ, ભગવતીપરા સહીતના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા હતા. પાકિસ્તાનનાં બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના હિન્દુઓને ભારતીય નાગરીકત્વ આપવા માટે ભારત સરકાર દ્વારા ખરડો પસાર કરી દેવામાં આવેલ છે જે બાદ છેલ્લા સાત વર્ષથી પાક સીમાથી વિગતો લઈ રાજસ્થાન આવેલા 153 પાક હિન્દુઓએ ભારતીય નાગરીકતાં મેળવવા માટે જીલ્લા કલેકટર કચેરીમાં દરખાસ્ત કરી દીધી છે.
તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન શરૂ કરી દેવાઈ: જિલ્લા કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ અંગે કહ્યું હતું કે, હાલ સુધી આ પ્રક્રિયા ગૃહ સચિવ દ્વારા કરવામાં આવતી હતી. નાગરિકત્વ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન થકી અરજી કરવામાં આવતી હતી જેનું નિરીક્ષણ સચિવ દ્વારા કરવામાં આવતું હતું. હવે આ સતા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. હાલ અમારા દ્વારા પણ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી રહી છે. લોકો ઓનલાઈન એપ્લિકેશન આપવામાં આવે ત્યારબાદ ખરાઈ સહિતની પ્રક્રિયા કરવામાં આવે છે. હાલ સુધી જે અરજીઓ આવી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. જે લોકો રૂબરૂ અહીં આવતા હોય છે તેમને યોગ્ય માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે.
કિડનીની ગંભીર બીમારી પરંતુ આધાર પુરાવાના અભાવે સારવાર લેવા અસમર્થ: રામ કીશન મહેશ્વરી
વર્ષ 2012ની સાલમાં રાજકોટ આવેલો રામ કિશન મહેશ્વરીના પરિવારમાં 18 સભ્યો છે. પરિવારના સભ્યોની જવાબદારી રામ કિશન મહેશ્વરી પર છે પરંતુ રામ કિશન કિડનીની બીમારીથી પીડાતો હોવાથી કોઈ પણ કામ-ધંધો કરી શકતો નથી. સરકાર દ્વારા મા કાર્ડ સહિતની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે પરંતુ તેમની પાસે જરૂરી આધાર પુરાવા નહીં હોવાથી તેઓ સારવાર કરાવી શકતા નથી. તે ઉપરાંત બાળકોને અભ્યાસમાં પડતી તકલીફ સહિતની સમસ્યાઓથી આ પરિવાર હાલ સુધી પીડાતો આવ્યો છે. જો કે, હવે ફરીવાર તેમને આશા બંધાઈ છે કે, તેમને ટૂંક સમયમાં નાગરિકતા મળી જશે. આ નિર્ણય બદલ તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાકિસ્તાની હોવાથી કોઈ આજીવિકા પણ આપતું નથી: વેલજી મહેશ્વરી
ભગવતીપરા વિસ્તારમાં રહેતા વેલજીભાઈ મહેશ્વરીનો પરિવાર 10 વર્ષ અગાઉ રાજકોટ આવ્યો હતો. પરિવારમાં 13 સભ્યો છે જેમાં બાળકો અને વૃદ્ધો પણ છે. નાગરિકતા નહીં હોવાના કારણે બાળકોના ભણતરથી માંડી સરકારી સહાય સુધીની બાબતોમાં હાલાકીનો સામનો કરવો પડે છે. અમે મૂળ પાકિસ્તાની છીએ તેવી ખબર પડતાંની સાથે જ કોઈ પણ વ્યક્તિ અમને કામે પણ રાખતી નથી જેથી અવાર નવાર આજીવિકા પર જોખમ ઉભું થઈ જાય છે. નાની-મોટી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવું પડે છે. હવે જ્યારે જિલ્લા કલેકટરને નાગરીત્વ આપવાની સતા મળી છે ત્યારે તેમને હવે આશા બંધાઈ છે કે, ટૂંક સમસમાં હવે નાગરિકતા મળી જશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે.
જીવનના દરેક પગલે નાગરિકતા નહીં હોવાથી સંઘર્ષ કરવો પડે છે: કેસર મહેશ્વરી
કેસરબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે વર્ષ 2010થી અમે રાજકોટમાં રહીએ છીએ. 3 દીકરી, 1 દીકરો અને વહુ સાથે અહીં રહું છું પરંતુ મારા પતિ પાકિસ્તાનમાં છે. અમે જ્યારે પણ નાગરીત્વ માટે રજુઆત કરવા જઈએ છીએ ત્યારે અમારા માં-બાપના ડોક્યુમેટ માંગવામાં આવે છે પરંતુ તેમનું તો અવસાન થઈ ચૂક્યું છે જેના કારણે તેમના આધાર પૂરાવા મળવા મુશ્કેલ છે. સરકારે કલેકટરને નાગરીત્વ આપવાની સતા આપતા અમને એક આશા જાગી છે. નાગરિકતા વગર અમને ખૂબ તકલીફ પડે છે. મકાન લેવામાં, પૈસા કમાવવામાં કે બીમારીમાં દવા લેવામાં પણ તકલીફ પડે છે.
જિલ્લા કલેકટરને સતા સોંપાતા ફરી એકવાર આશા બંધાઈ: ખીમબેન વેલજી મહેશ્વરી
ખીમબેન વેલજી મહેશ્વરી વર્ષ 2001માં ભૂકંપ સમયે રાજકોટ પિયરે આવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનમાં ખૂબ જ જુલમ થતો હોવાથી પરિવારે તેમના પતિ અને બાળકોને પણ અહીં જ બોલાવી લીધા હતા. તેઓ છેલ્લા 22 વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. ગરીબ પરિવાર હોવાથી શરૂઆતમાં તો કોઈ નોકરી કે વ્યવસાય નહીં મળતા તેમના પતિએ મજૂરી શરૂ કરી દીધી હતી. યેનકેન પ્રકારે આજીવિકા મેળવી છતાં મુશ્કેલીઓએ તેમનો સાથ છોડ્યો નહીં. ડગલે પગલે તેમને પાકિસ્તાની સમજીને સમાજથી માંડી તમામ જગ્યાએ અળગા રાખવામાં આવ્યા હતા. નાગરીત્વ મેળવવા માટે તેમણે દિલ્લી સુધી ધક્કા પણ કર્યા છે. પરંતુ પૂર્વજોના કોઈ ડોક્યુમેન્ટ ન મળવાને કારણે હાલ સુધી નાગરિકતા મળી નથી. એક સમયે તેમણે આશા જ છોડી દીધી હતી પણ જો કે, હાલ જિલ્લા કલેકટરને સતા સોંપાઈ હોવાથી તેઓની આશા બંધાઈ છે.
હવે અમારે દિલ્લી સુધી ધક્કા નહીં ખાવા પડે: લક્ષ્મણજી કેશવજી
ભગવતીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણજી કેશવજી મહેશ્વરીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે 14 વર્ષથી મારો પરિવાર અહીં રાજકોટમાં સ્થાયી છે. કરાચી, પાકિસ્તાનથી અહીં સ્થળાંતર કરીને આવ્યા છીએ. અમારો પ્રશ્ન એ છે કે, સીટીઝનશિપની વગર અહીં સ્ટ્રગલ કરવાનો પણ પ્રશ્ન અમને મૂંઝવે છે. સરકારે ઘણા ફાયદા આપ્યા છે જેને કારણે અમે અહીં ટકી શક્યા છીએ. રાજકોટથી લઈ દિલ્હી સુધી અમે નાગરીત્વ મળે તે માટે રજૂઆતો કરી છે. પરંતુ હજુ કોઈ કાર્ય થયું નથી. હવે જિલ્લાના કલેકટરને નાગરીત્વ આપવાની સતા આપવામાં આવી છે જે અમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી અમને ખૂબ ખૂબ ખુશી થઈ છે.