મોરિશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન સર અનિરુદ્ધ જગન્નાથનું 4 જુને 91 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. પદ્મવિભૂષણ સર જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે 5 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે મોરિશિયસના પોતાના સમકક્ષ પ્રવિંદ જગન્નાથ સાથે ફોન પર વાત કરી હતી અને અનિરુદ્ધ જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે સર અનિરુદ્ધ જગન્નાથને હિંદ મહાસાગર વિસ્તારમાં સૌથી મોટા રાજનેતાઓમાંથી એક છે અને ભારતની મોરિશિયસ સાથે વિશેષ મિત્રતાના પ્રમુખ વાસ્તુકાર તરીકે યાદ કરવામાં આવશે. એક ગર્વિત પ્રવાસી ભારતીય, જેઓએ ખાસ દ્વિપક્ષીય સંબંધ બનાવવામાં મદદ કરી જે વિરાસતથી ફાયદો થશે.
મોરિશિયસના બે વખત રાષ્ટ્રપતિ અને છ વખત વડાપ્રધાન રહ્યાં હતા. ભારત સાથે જગન્નાથજીનો સારો એવો સંબંધ છે. વર્ષ 2020માં ભારતના બીજા સૌથી મોટા નાગરિક સમ્માન પદ્મ વિભુષણથી જગન્નાથજીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જગન્નાથજીએ વર્ષ 1957માં સરોજીની બલ્લાહ સાથે લગ્ન કર્યા હતા અને તેઓને બે બાળકો છે. જેમાં મોરિશિયસના હાલ પ્રધાનમંત્રી પ્રવિંદ તેમના પુત્ર છે. જગન્નાથે 2003થી 2012 સુધી મોરિશિયસના રાષ્ટ્રપતિના રૂપમાં કાર્ય કર્યું. 1982થી 2017 સુધી છ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા. બાદમાં તેઓએ પોતાના પુત્ર પ્રવિંદ જગન્નાથ માટે પોતાનું પદ છોડ્યું હતું. જગન્નાથ એક વકીલ હતા અને તેઓએ 1963માં વિધાનસભાની ચૂંટણી લડી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. વર્ષ 1951માં તેઓ બ્રિટનમાં લંડન વિશ્વવિદ્યાલયના લિંકન ઇનમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા. 1965માં તેઓએ દેશની સ્વતંત્રતા સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા માટે લંડનમાં કાયદાકીય સંમેલનમા ભાગ લીધો હતો.