સત્તાવાર મૃત્યુઆંક 10094 જ્યારે કોરોના વળતરની 90,000 અરજી આવી: 68000ને તો સરકારે રૂ.50,000નું વળતર ચુકવી પણ દીધું
અબતક, નવી દિલ્હી
કોવિડ-19 માટે રૂ. 50,000 ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા 10,094 (જાન્યુઆરી 16 સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે.
પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ-19 પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી છે. તેમાંથી સરકારે પહેલેથી જ 68,370 દાવાઓને મંજૂરી આપી છે. જયારે ચકાસણી બાદ 4,234 અરજીઓ ફગાવી દીધી છે. જો કે, 17,000 થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે.
અન્ય ઘણી રાજય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઓકટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે સુપ્રીમને માહિતગાર કરે છે. અગાઉ રાજય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરૂ વલણ અપનાવ્યું હતું. જયારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અને 30 દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું.
પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-19 મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજયના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી. બુલેટિન મુજબ 17 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 10,164 કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી 53્રુ મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજયના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે આઇસીએમઆર માર્ગદર્શિકાનું પાલન કરે છે.
આઇસીએમઆર માર્ગદર્શિકા સ્પષ્ટ હતી – જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આમ જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન 2020 અને 2021 બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જોવા મળ્યો છે- જો કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાતમાં એક જ દિવસમાં 17 હજાર કેસ નોંધાયા પરંતુ ચિંતા કરતા નહીં!!
ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૃપ દેખાડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ 17,119 નવા કેસ નોંધાયા છે. પરંતુ ચિંતા જેવી બાબત નથી કેમ કે,હાલ ક્યાંક તમામ શરદી-ઉધરસ-તાવના કેસમાં પણ કોરોના સંક્રમિત હોવાનું ખુલી રહ્યું છે જેની કોઈ ગંભીર અસર હોતી નથી. ગુજરાતમાં માર્ચ 2020માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 10 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે 9 જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના 18 દિવસમાં જ રાજ્યમાં કુલ 1,24,362 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 56 વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક 79600 છે જ્યારે 113 દર્દી વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન કુલ 17 હજાર એક્ટિવ કેસ માંડ નોંધાયા હતા. જેની સરખામણીએ હવે માત્ર એક જ દિવસમાં 17 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં 35%નો ઉછાળો થયો છે.
ચાલુ વર્ષે આરોગ્ય કટોકટીનો અંત આવશે: કોરોના રોજિંદા જીવનમાં વણાઈ જશે!!
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ મંગળવારે જણાવ્યું હતું કે, જો રસીકરણ અને દવાઓમાં મોટી અસમાનતાઓને ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવે તો મહામારી અને આરોગ્ય કટોકટીનો ચાલુ વર્ષમાં અંત આવી શકે છે. ડો. માઇકલ રાયને, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આયોજિત વેક્સીન ઇક્વિટી પર પેનલ ચર્ચા દરમિયાન કહ્યું છે કે, આપણે કદાચ ક્યારેય વાયરસનો અંત ના કરી શકીએ કારણ કે આવા રોગચાળાના વાયરસ ઇકોસિસ્ટમનો ભાગ બની જાય છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે, કોરોનાનો અંત આવશે જ નહીં પરંતુ હવે સામાન્ય ફલૂની જેમ કોરોના રોજિંદા જીવનમાં વણાઈ જશે.
બાળકોને બિનજરૂરી દવાના ડોઝ આપતા નહીં!!
જેમ જેમ કોરોના મહામારીની ત્રીજી લહેરે બાળકોમાં ચેપની ચિંતા ઉભી કરી છે ત્યારે એક નિષ્ણાતે સૂચવ્યું છે કે, ગભરાવાની જરૂર નથી કારણ કે ઓમિક્રોન ગંભીર અસર છોડતું નથી પરંતુ બિનજરૂરી દવાઓ અને કિરણોત્સર્ગના સંપર્કને ટાળવા જણાવ્યું છે. પ્રોફેસર અનુપમ સિબ્બલ, ગ્રુપ મેડિકલ ડિરેક્ટર અને વરિષ્ઠ બાળરોગ નિષ્ણાતનો અભિપ્રાય છે કે, બાળકોને એક્સ-રે અથવા રેડિયેશનની જરૂર નથી. માતાપિતા અમને ડી ડાયમર્સ અને સીઆરપી માટે પૂછે છે, તેની ખરેખર જરૂર નથી. બાળકોને એક્સ-રેની જરૂર નથી. તેમને ચોક્કસપણે સીટી સ્કેનની જરૂર નથી. અમે બાળકોને કિરણોત્સર્ગના સંપર્કમાં લાવવા માંગતા નથી.