પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે કાલે પ્રચાર પડઘમ શાંત

મહાપાલિકાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ ફતેહ કરવા સજ્જ

પ્રચાર-પ્રસારના અંતિમ બે દિવસમાં બંને રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા: રવિવારે થશે મતદાન

અગાઉ પાટીદાર ફેક્ટરે અનેક જિલ્લા – તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ કોંગ્રેસની ઝોળીમાં નાખી દીધી હતી

મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થવાના છે. મહાપાલિકાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ ફતેહ કરવા સજ્જ છે. પ્રચાર પ્રસારના અંતિમ બે દિવસમાં બન્ને રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.

મહાપાલિકાની ચૂંટણીના પરિણામ ગત તા.૨૩ના રોજ જાહેર થયા હતા. ત્યારથી રાજકીય પક્ષોએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રીત કરીને તૈયારીઓનો ધમધમાટ ચલાવ્યો છે. સામે ચૂંટણી વિભાગે પણ બીજા તબક્કાની મોટી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હાલ તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. મહાપાલિકામાં રાજકિય પક્ષોએ જે રીતે તૈયારીઓ ચલાવી છે. તે રીતે જ બીજા તબક્કાની ચૂંટણીમાં ગળાડૂબ તૈયારીઓ થઈ રહી છે.

મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. જેને પગલે કોંગ્રેસ બમણા જોરથી આબરૂ બચાવવાના પ્રયાસો કરી પ્રચારમાં ઊંધામાથે થયું છે. સામે ભાજપ પણ મહાપાલિકાની જેમ જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પોતાનું સાશન સ્થાપવા ઉત્સાહભેર પ્રચાર કાર્ય કરી રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આવતીકાલે પ્રચારનો અંતિમ દિવસ છે. આવતીકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી જવાના છે. ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી ૨ માર્ચના રોજ કરવામાં આવશે. અગાઉ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે ૮ ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ હતું. ૧૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી. ૧૫ ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થઈ હતી.૧૬ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેચવામાં આવ્યા હતા. ૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યાનો રહેશે. પુન: મતદાનની જરુર પડે તો ૧ માર્ચના દિવસે યોજાશે. ૨ માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.

આવતીકાલે પ્રચારનો અંતિમ દિવસ હોય રાજકિય પક્ષો પાસે આજ અને આવતીકાલ એમ બે દિવસ બચ્યા છે. આ બે દિવસમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા હસ્તગત કરવા બન્ને રાજકિય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હોય, પાટીદાર સમાજમાં સરકાર પ્રત્યે નારાજગી હતી જેથી અનેકવિધ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસનું સાશન સ્થપાયું હતું. પણ હાલ મહાપાલિકાની ચૂંટણીમાં સુરત સિવાય ક્યાંય પાટીદાર અનામત ફેક્ટર કામ ન કરતું હોવાનું જણાતા ભાજપ માટે સાશન સ્થાપવાના રસ્તાઓ ખુલ્લા છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સુરતમાં આપની ઐતિહાસિક જીત ત્યાંની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી ઉપર અસરકર્તા હોય ત્યાં બીજા તબક્કાનું શુ પરિણામ આવશે તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે.

ભાજપને જીતાડવા લોકોમાં ભારે ઉત્સાહ, કેશરીયો ફરી એક વખત છવાઈ જશે: ભૂપત બોદર

vlcsnap 2021 02 25 10h16m59s718

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતના કસ્તુરબા ધામ (ત્રંબા) બેઠકના ભાજપના ઉમેદવાર ભુપતભાઇ બોદરએ  જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કસ્તુરબા ધામ ત્રંબા ખાતે ઉ૫સ્થિત રહી તમામ ખેડુતભાઇઓ, બહેનોને વિનંતી કરવા આવ્યાં હતા. જે રીતે છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે કેસરિયો માહોલ ઉભો કર્યો છે. તેઓ માહોલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં થાય તે માટે વિનંતી કરવા આવ્યાં હતા અને ખેડૂતોને વચન આપ્યું હતું કે ગુજરાતમાં મારા ખેડૂતભાઇઓ કયારેય દુ:ખી નહી થાય, મુખ્યમંત્રીની જાહેર સભામાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં તમામ લોકોએ જિલ્લા પંચાયતની સીટોમાં જીતાડવા માટે ઉ૫સ્થિત રહ્યા હતા. જેવી રીતે મનપામાં ભગવો લહેરાયો હતો તેવી જ રીતે જિલ્લા પંચાયત ભાજપનું સાશન જ આવશે તેવો અમને દ્રઢ વિશ્ર્વાસ છે તેમ જોશો કે મહાનગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયાં. તેવી રીતે જિલ્લા પંચાયતમાં પણ એવી પરિસ્થિતિ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.