કોરોનાના કપરા સમયમાં લેવાયો તઘલખી નિર્ણય!
રાજકોટમાં એઇમ્સ બાદ કોરોના જેવી મહત્વની કામગીરી સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની જૂનાગઢ મેડિકલ કોલેજમાં બદલી
રાજકોટમાં એઇમ્સ માટે મહત્વની કામગીરી બાદ કોરોનાના કપરા સમયમાં રાત દિવસ એક કરી કપરી કામગીરી સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની એકાએક જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન તરીકે બદલી થતા યુધ્ધ સમયે જ વોરિયર્સને હટાવી દેવા પાછળ કયું રાજકારણ રમાયુ તે અંગેની થતી તરહ તરહની ચર્ચાએ ચકચાર જગાડી છે.
રાજકોટની મેડિકલ કોલેજમાં ડીન તરીકે મહત્વની ફરજ બજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.મનિષ મહેતાની આરોગ્ય વિભાગ દ્વારા અચાનક બદલીના કરેલા હુકમથી રાજકોટ જિલ્લામાં કોરોના માટે શરૂ થયેલા કપરા કાળ સમયે જ બદલી પાછળ કયું રાજકારણ કામ કરી ગયું તે અંગેની ચર્ચા સાથે એક ફરજ નિષ્ઠ વ્યક્તિને અન્યાયની સાથે સમગ્ર રાજકોટ જિલ્લાને અન્યાય કરવાની ભુંડી ભુમીકા ભજવી તે અંગે પણ થતી ચર્ચા સાથે પોતાના અંગત સ્વાર્થનું રાજકારણ રમનાર પર ફિટકાર વરસી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેના છેલ્લા ત્રણ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ રાજકોટની હોસ્પિટલમાં પી.એમ.એસ.એસ.વાય. એટલે કે સુપર સ્પેશ્યાલિસ્ટ વોર્ડ શરૂ કર્યો, મેટર ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલનું ખાત મુર્હત કર્યુ, કે.ટી.ચીલ્ડ્રનમાં ઓબી આઇસીયુ શરૂ કરાવ્યું, નેશનલ ગાઇડ લાઇન મુજબ ‘લક્ષ્ય’ લેબર રૂમ કાર્યરત કરાવ્યા નવી બિલ્ડીંગમાં અતિઆધૂનિક અને ડબલ કેપેસિટી સાથે ડાયાલિસીસ વિભાગ શરૂ કરાવી સૌરાષ્ટ્રભરના કીડનીના દર્દીની મોંઘી સારવાર નિશુલ્ક બનાવી આર્શિવાદ મેળવ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વના અને કેન્દ્રના મેગા પ્રોજેકટ એઇમ્સની કામગીરી ઝડપી શરૂ થાય તે માટે જિલ્લા કલેકટર અને રાજય તેમજ કેન્દ્રના આરોગ્ય અધિકારીઓ સાથે સતત લાઇઝનીંગમાં રહી જામનગર રોડ પર જમીન નક્કી કરવાથી લઇ એઇમ્સની ડિઝાઇન સુધીની કામગીરી કરવા ઉપરાંત એઇમ્સ શરૂ થાય તે પૂર્વે જ મેડિકલ કોલેજમાં સિટ વધારવાની કામગીરી સૌરાષ્ટ્ર માટે આશિર્વાદ સમાન બની છે.
વિશ્ર્વભરમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે ત્યારે રાજકોટમાં કોરોનાને કંટ્રોલ કરવામાં તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા દ્વારા લેવાયેલા પગલા અસરકારક સાબીત થયા છે. રાજકોટ જિલ્લાના કોરોનાના દર્દીઓને વેન્ટીલેટરની ખોટ પડવા દીધી ન હતી. તેમજ તેઓને ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે તે માટે તેઓ ખુદ કાળજી રાખવા તેઓ દર્દીઓની વચ્ચે રહી કામગીરી કરતા હોવાથી તેઓને તેમજ તેમની પત્નીને કોરોના થઇ ગયો હતો.
દર્દીઓને સારૂ ભોજન મળી રહે તે માટે લેવાયેલા કેટલાક નિર્ણયો અમુક લેભાગુઓના પેટમાં તેલ રેડાયું હોવાથી તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની સારી કામગીરીને નજર અંદાજ કરી પોતાના સ્વાર્થ ખાતર ડો.મહેતાની પાછળ હાથ ધોય પડયા હતા તેમ છતાં ડો.મનિષ મહેતા પોતાના સેવાભાવી સ્વભાવ સાથે દર્દીઓને સારી સારવાર મળી રહે તેને જ પ્રાધાન્ય આપી તેઓએ તમામ જવાબદારી સંભાળવા ઉપરાંત ૧૦૮ જેટલા સફળ ઓપરેશન કર્યા છે. તેઓની બદલીથી માત્ર રાજકોટને જ નહી સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને મોટી ખોટ સાબીત થશે તેમ જાણકારો કહી રહ્યા છે.