- નવું સંકુલ તૈયાર કરવા રૂ. 9.78 કરોડનું ભંડોળ મંજુર કરાયું’તું : વર્ષ 2021માં મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું ઈ-ખાતમુહૂર્ત
વર્ષ 2021ના અંતમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ આરટીઓ કચેરીના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર કરીને આરટીઓ તંત્રને સોંપવાની જવાબદારી આર એન્ડ બી વિભાગને આપવામાં આવી હતી પરંતુ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા વીત્યાના દોઢ વર્ષ બાદ પણ હજુ આ બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થયુ નથી.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં આરટીઓ કચેરીનું વર્તમાન બિલ્ડીંગ અંદાજે 38 વર્ષ જુનુ હોય રાજય સરકાર દ્વારા રૂ. 9.78 કરોડના ખર્ચે આરટીઓ કચેરીની નવી બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આપવામાં આવી હતી. અત્યાધુનિક બાંધકામ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો અને તા. 20-11-2021ના રોજ મૂખ્યમંત્રીએ વર્ચ્યુલી ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત થયાં બાદ રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ (આર એન્ડ બી વિભાગ)ને 11 માસની નિયત સમયમર્યાદામાં આ બાંધકામ પૂર્ણ કરીને બિલ્ડીંગ આરટીઓ તંત્રને સોંપી દેવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. હવે 11 માસની જગ્યાએ 27 મહિનાનો સમય વીતી જવા પામ્યો છે તેમ છતાં કચેરીનું સંપૂર્ણ નિર્માણ કામ પૂર્ણ થઇ શક્યું નથી.
નવી કચેરીનું ’ખોખું’ તો તૈયાર કરી લેવામાં આવ્યું છે પરંતુ ઇન્ટિરિયર વર્ક મહિનાઓ વીત્યા છતાં હજુ પણ ઓરંભે છે. નવી કચેરીમાં હજુ ફર્નિચરનું તમામ કાર્ય બાકી છે. ઉપરાંત ઇલેક્ટ્રિકલ વર્ક, કચેરી માટે અત્યંત મહત્વપૂર્ણ નેટ કનેક્ટિવિટી તેમજ રંગ-રોગાનનું કામ હજુ બાકી છે. જે કાર્ય પૂર્ણ થતાં હજુ કેટલો સમય લાગી જશે તેનો કોઈ અંદાજ નથી. અધૂરામાં પૂરું ટૂંક સમયમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ જાય તેવા એંધાણ છે. હવે આચારસંહિતા અમલી બન્યા બાદ આ કામ વધુ ઓરંભે ચડે અને આરટીઓ તંત્રે નવું બિલ્ડીંગ મેળવવા હજુ 6 માસથી વધુ રાહ જોવી પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
લ્યો કરો વાત… ફર્નિચરનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવાનું હજુ બાકી!!!
જે રીતે માહિતી પ્રાપ્ત થઇ રહી છે તે મુજબ હજુ નવી કચેરીમાં ફર્નિચરનું કાર્ય સદંતર બાકી છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ હજુ સુધી ફર્નિચર માટેનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી ટેન્ડર ક્યારે જાહેર કરવામાં આવશે? અને ટેન્ડર જાહેર થયાં બાદ હજુ કેટલો સમય કાર્ય પૂર્ણ કરવામાં લાગશે? સહિતના પ્રશ્નો ઉભા થયાં છે. ઉલ્લેખનીય છે કે, કચેરીમાં હજુ અમુક ટકા ઇલેક્ટ્રિકલ કામ, નેટ કનેક્ટિવિટી અને કલરકામ પણ બાકી જ છે.
નિયત સમય મર્યાદા પૂર્ણ થયાની માથે 16 માસનો સમય વીત્યો છતાં કાર્ય અધૂરું
નવી કચેરીનું બાંધકામ પૂર્ણ કરવા માટે 11 માસનો સમય આપવામાં આવ્યો હતો. જે સમય મર્યાદા ઓક્ટોબર 2022માં પૂર્ણ થઇ ચુકી છે અને નિયત સમય મર્યાદાની માથે અન્ય 16 માસનો સમય પણ વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી ફર્નિચર, નેટ કનેક્ટિવિટી, કલર કામ સહિતના કામો બાકી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, નવી કચેરી તૈયાર થતાં હજુ કેટલો સમય લાગશે?
સબંધિત વિભાગને વારંવાર પત્ર વ્યવહાર અને ટેલિફોનિક માધ્યમથી રજુઆત કરાઈ : આર.ટી.ઓ. ખપેડ
સમગ્ર મામલે ’અબતક’ દ્વારા આરટીઓ અધિકારી કે એમ ખપેડ સાથે વાત કરવામાં આવી હતી. જે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, નવી બિલ્ડીંગનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી સોંપી દેવા માટે સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક અને પત્ર વ્યવહાર માધ્યમથી રજુઆત કરવામાં આવી છે પરંતુ બાંધકામ પૂર્ણ કરીને સોંપણી કરવામાં હજુ કેટલો સમયગાળો લાગશે તેનો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો નથી પરંતુ નજીકનાં સમયમાં આ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.