સાડા ત્રણ દાયકા પહેલા સેવા માટે બંધાયેલી મિલ્કત ‘કમાણી’નું સાધન બની ગઇ
ડિમોલીશન કરવાના નિર્ણય અને હૂકમ છતા કામગીરી થતી નથી: પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીનો મહાપાલિકાના પદાધિકારીની શેહ હોવાનો આક્ષેપ
લોકોની સેવા માટેથી જામનગરની દયારામ લાયબ્રેરીમાં ગેરકાયદે બાંધકામ થયું હોય તોડવા માટેના નિર્ણય લેવાયા છતા આ ગેરકાયદે બાંધકામ તોડવામાં પાલિકા પદાધિકારીની શેહ શરમ નડતી હોવાની કે પદાધિકારએ મ્યુ. તંત્રને ‘બેડી’ બાંધી હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે.
જામનગર શહેરના મુખ્યમાર્ગ ઉપર આવેલી અને જેના બંધારણમા સેવાનુ જ હિત છે, તેવી દયારામ લાયબ્રેરીમા થયેલુ મંજુરી વગરનુ કોમર્શિયલ બાંધકામ એટલા માટે તુટતુ નથી કેમકે તેમા કોઇકનુ હિત સચવાયેલુ છે, તેવી ચર્ચા ચોમેર છે. કોર્પોરેશનના જનરલ બોર્ડમા ખુલ્લે આમ કહેવાયુ કે કોઇ પદાધીકારીની આમાં સંડોવણી છે, તેમજ થોકબંધ અરજીઓ થઇ અનેક આર.ટી.આઇ. થઇ છતાય તંત્ર મચક આપતુ નથી.
જામનગર શહેરમાં આવેલી રાજાશાહી વખતની અને હાલ બહુચર્ચિત દયારામ લાયબ્રેરીના ગેરકાયદે બાંધકામને તોડવાનો આખરી હુકમ તો બહુ સમય પહેલા થઇ ગયો છે, અને જરૂરી પોલીસ બંદોબસ્ત પણ પહોચી ગયો હતો પણ કોણ જાણે કોનું દબાણ આવ્યુંને ડીમોલીશન અટકી ગયુ હતૂ રણજીતરોડ ઉપર આવેલી આ નઝરાણા સમાન અને વારસા સમાન લાયબ્રેરીનો મુળ હેતુ વાંચન, સાહિત્ય, લેખન-વાંચન કલા, વિવિધ ગ્રંથ ગોષ્ઠી વિકસે તેવો જ હતો.
ધીમેધીમે મુળ હેતુ બાજુમાં રાખી કમાણીનું સાધન બનાવવા સાડાત્રણ દાયકા પહેલા ખુલ્લી જગ્યામા દુકાનો ઉતારી ભાડાપટ્ટે આપવામાં આવી જેથી મુળ ઢાંચો જ બદલાઇ ગયો. બાદમા આ જગ્યા અમુક કાર્યક્રમો માટે લાગતા વળગતાઓને આપવાની પૈરવી પણ શરૂ થઇ એટલુ જ નહી ચોખ્ખી ચણક ગણાતી સંસ્થામા ભાડે અપાયેલાઓ દ્વારા નાસ્તાની જ્યાફત અને ભોજનની મીજબાની બાદ ઉકરડા જેવા દ્રશ્યો પણ થવા લાગ્યા હતા. ટ્રસ્ટની જગ્યા હોય વિધિવત ઠરાવ કરી તેનો હેતુ સ્પષ્ટ કરી મુળ હેતુ જળવાઇ રહેતા હોય તો જ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યસરકારમાં સમગ્ર પ્રકરણ મોકલી ત્યાંથી મંજુરી મળે તો મહાપાલીકામાંથી બાંધકામ પરવાનગી મેળવવા અરજી કરવી જોઇએ. આ સમગ્ર કાયદેસરની પ્રક્રિયા ન થઇ હોય હવે આ ગેરકાયદેસર બાંધકામ કાયદાનુસાર ડીમોલીશન કરવાનુ થાય છે, થોડા મહિનાઓ પહેલા તેના હુકમ પણ થયા અને પોલીસ પણ પહોચી પણ બાંધકામ ના તૂટ્યું નહીં કારણ કે તાજેતરની જ સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ આ મામલે આક્ષેપ કરી અને પદાધિકારીની આ ગેરકાયદેસર બાંધકામને સેહ હોવાનો સણસણતો આક્ષેપ કરી લડી લેવાની તૈયારી બતાવી હતી.
દયારામ લાયબ્રેરીના ગેરકાયદે બાંધકામ અંગે હકીકત માટે સેક્રેટરી પ્રફુલભાઇ મહેતાનો ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ સંપર્ક થઇ શકયો ન હતો.
તત્કાલીન ટીપીઓ શું કહે છે?
સમગ્ર ચકચારી પ્રકરણ અંગે જે તે સમયે ટાઉનપ્લાનીંગ અધિકારીએ જણાવ્યા મુજબ બાંધકામ પરવાનગી માંગેલી તે યોગ્ય અને કાયદેસરના ઠરાવ અનુસારની ન હોઇ પરવાનગી અપાઇ જ નથી માટે બાંધકામ અનઅધિકૃત ઠરે છે, અને ૨૬૦/૧ નોટીસ પાઠવી ખુલાસો મંગાયો પરંતુ નોટીસને દાદ ન આપતા ત્રણ વખત બાંધકામ અટકાવાયુ બાંધકામ મટીરીયલ પણ જપ્ત કરાયુ તેમ છતા આગેરકાયદે પ્રવૃતિ અટકી ન હોઇ ૨૬૦/૨ હેઠળ તોડી પાડવાનો આખરી હુકમ થયો છે, જેની અમલવારી કરવાની જ છે હા,લીગલ ઓપીનિયન એટલા માટે લેવાનો છે કે એ લોકોએ મનાઇહુકમ માટે અદાલતમાં દાદ માંગી છે. જો કે મનાઇ હુકમ મળ્યો ન હોઇ તંત્રને પગલા લેવામા કાનુની કોઇ બંધન રહેતુ નથી. બીજુ અહી કોઇ રીતે મંજુરી મળી શકે નહી કેમકે જુના ગામમા નવા નિયમઅનુસાર ગ્રાઉન્ડ ફ્લોર ૭૫ ટકા ખુલ્લો રાખવો પડે અહી તો આવવા જવા કે પાર્કીંગ માટે પણ પુરતી જગ્યા રહેતી નથી જે તે સમયે ટાઉનપ્લાનિંગ અધિકારીએ પગલા લેવાનુ કહ્યું હતું પણ તે પછી પણ હજુ અહી ગેરકાયદે બાંધકામ એમનેમ છે અને તેના પર હથોડો પડે તો એક પદાધિકારીને સીધું નુકશાન થાય તેવી ભીતિ હોય સરેઆમ ગેરકાયદેસર બાંધકામ હયાત હોવા છતાં તેને તોડી શકાતું નથી.