હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન શરૂ: મોડી સાંજ સુધીમાં પરિણામો થશે જાહેર
અબતક, નવી દિલ્હી
હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 16 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. મોડી સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચારેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિત અનેક મોટા રાજકીય પક્ષો ખીલી રહ્યા છે. તે જ સમયે, રાજકીય પક્ષોથી લઈને ચૂંટણી પંચ, મતદાન પ્રક્રિયાને લઈને ખૂબ જ સાવચેત છે.
વિરોધ પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. હોર્સ ટ્રેડિંગના આરોપો વચ્ચે આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હોટેલ્સ અને રિસોર્ટ્સમાં ભરાયેલા ધારાસભ્યો મતદાન માટે બહાર આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ચૂંટણીની સમગ્ર કવાયત માટે ખાસ નિરીક્ષકો નીમવા તેમજ પ્રક્રિયાની વિડીયોગ્રાફીનો આદેશ આપ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં જેમનું ભાવિ નક્કી થવાનું છે તેમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન અને પિયુષ ગોયલ, કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને મુકુલ વાસનિક તેમજ શિવસેનાના સંજય રાઉતનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓની જીત લગભગ નિશ્ચિત મનાય છે.
તાજેતરમાં રાજ્યસભાની 57 બેઠકની ચૂંટણી જાહેર કરાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાંખંડના 41 ઉમેદવાર ગયા શુક્રવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
ભાજપ અને કોંગ્રેસે હોર્સ-ટ્રેડિંગના ડરથી ધારાસભ્યોને હોટેલ્સ અને રિસોર્ટ્સમાં ભેગા કર્યા છે. મહારાષ્ટ્રના રાજકીય પક્ષોએ પણ ગુરુવારે વ્યૂહરચનાને સુદ્રઢ બનાવવા ગુરુવારે બેઠકો કરી હતી. લગભગ બે દાયકા પછી રાજ્યસભાની છ બેઠક માટે સાત ઉમેદવારો વચ્ચે મુકાબલો જામ્યો છે. મહારાષ્ટ્ર સરકારના સાથી પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસે ધારાસભ્યોને મુંબઇની વિવિધ હોટેલ્સ અને રિસોર્ટ્સમાં ભેગા કર્યા છે.રાજ્યસભાની ચૂંટણી શરૂ થવાના થોડા સમય પહેલાં તે વિધાનસભા પહોંચવા માટે નીકળયા છે.