દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવાની યોજના લાગુ થઈ તેમ ગુજરાતમાં પણ કરો તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી અભિયાન શરૂ કરશ
દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવાની યોજના લાગુ થઈ તેમ ગુજરાતમાં પણ કરો તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી અભિયાન શરૂ કરશે. જો કે મફતનું આપવાની આ યોજના માત્ર જરૂરિયાતવાળા પૂરતી જ સીમિત રહે તે હિતાવહ છે. બાકી તો સક્ષમને કાખઘોડી પકડાવીને તેને મફતનું મેળવવાની ટેવ તમામ ક્ષેત્રે નુકસાન કારક છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે સોમવારે જાહેરાત કરી કે તે ઘરેલું ગ્રાહકો માટે મફત વીજળીની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ અંગે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સોમવારે દાવો કર્યો હતો કે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અંગે તેમની ઝુંબેશ પાર્ટીને ફળી છે અને ભાજપ રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા અને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આપ 15 થી 24 જૂન સુધી રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે, જેમાં ઘરેલુ ગ્રાહકો માટે મફત વીજળીની માંગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે અને આપએ પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, જો આ યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરી શકાય છે, તો ગુજરાતના લોકોએ શા માટે વીજળી માટે સૌથી વધુ ટેરિફ ચૂકવવા જોઈએ.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.
ઈટાલિયાએ જણાવ્યું કે, ’વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે અને સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે આપએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે અને 15 તારીખથી તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે.
ઉલ્લેખનીય છે કે હવે ખરેખર સમય પાકી ગયો છે. રાજકારણીઓ અર્થતંત્રનું ધ્યાન રાખે. હવેના સમયમાં નેતાઓએ સતામાં આવ્યા પહેલા અર્થતંત્રને ધ્યાને લેવું જ પડશે. આડેધડ ખેડૂતોના દેવા માફ કરવા, વીજળી માફ કરવી આવી જાહેરાતો કરીને ખરેખર અર્થતંત્ર ઉપર જોખમ ઉભું થાય છે. જે જરૂરિયાત છે તેને સક્ષમ બનાવવાનો છે. પણ આવી જાહેરાતો કરીને સક્ષમને નબળો બનાવવામાં આવી રહ્યો છે. રાજકારણ ફક્ત મત પૂરતું ન હોવું જોઇએ. અર્થતંત્રની દરકાર પણ તેમાં હોવી જરૂરી છે.
અગાઉ ચૂંટણીમાં મફતની લ્હાણી કરાવતી પાર્ટીઓની માન્યતા રદ્દ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતાએ એક અરજી દાખલ કરી હતી, જેમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે મફતની વસ્તુઓ વહેંચવાના વચનો આપનારી પાર્ટીની માન્યતા રદ્દ કરી શકે નહીં. આયોગે કહ્યું કે, આવું કરવાનું તેમના અધિકારોમાં નથી આવતું. એક અરજી પર કોર્ટમાં દાખલ કરવામા આવેલા જવાબમાં પંચે આ વાત કહી હતી કે, કઈ પણ સરકારની નીતિ શું હશે, તેને ચૂંટણી પંચ નિયંત્રિત કરી શકે નહીં. જો આવું કરવાથી કોઈ રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે, તો તેના માટે રાજ્યની જનતાએ નિર્ણય લેવો જોઈએ
નેતાઓને મફતની લ્હાણી કરી શ્રીલંકા જેવી હાલત કરવી છે ?
ભારત સહિત વૈશ્વિકનું અર્થતંત્ર અત્યારે પીડાઈ રહ્યું છે. ફુગાવાનો પ્રશ્ન નાથવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં મફતની લહાણી કરીને નેતાઓને ભારતની હાલત શ્રીલંકા જેવી કરવી છે ? તેવો સો મણનો પ્રશ્ન સર્જાયો છે.
મફતનું આપીને અર્થતંત્રની ઘોર ખોદવી છે ?
આપ દ્વારા મફત વીજળીની માંગ કરવામાં આવી છે. જો કે જે ખરેખર ગરીબ છે તેના માટે આ યોજના હિતાવહ છે. પણ બધાને મફત આપવાની વાત ખરેખર અર્થતંત્રની ઘોર ખોદી નાખશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
કોઈ નેતા મફતની લ્હાણી માટે ખિસ્સામાંથી પૈસા નથી આપતા, પ્રજા ઉપર જ ભારણ આવે છે
મફતની યોજના આડકતરી રીતે પ્રજા ઉપર જ ભારણ વધારે છે. જે નેતા આવી મફતની યોજનાઓ મૂકે છે તેઓ પોતાના ખિસ્સામાંથી આ યોજના માટે ભંડોળ આપતા નથી. આવી યોજનાઓનો બોજ પ્રજા ઉપર જ આવે છે.
એકને રાહત આપવા બીજા પર વધારાનો બોજો લાદવો તે બિલ્કુલ અયોગ્ય: ધનસુખભાઈ વોરા
રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવ્યું હતું કે, મુખ્ય વાત એ છે કે, રાજકીય પક્ષો ઘણા વાયદાઓ કરતી હોય છે પણ બધા રાજકીય પક્ષો તેમના કરેલા વાયદા પૂર્ણ કરે તેવું પણ સામાન્ય રીતે બનતું નથી. રાજકીય પક્ષ જ્યારે કોઈ વાયદો કરે ત્યારે તે વાયદો પૂર્ણ કરવા માટે ભંડોળ ક્યાંથી ઉભું કરાશે તે બાબત સૌથી મહત્વપૂર્ણ છે. ભંડોળ અન્ય ખર્ચમાં કરકસર કરીને ઉભું કરવામાં આવે તો ખૂબ સારી બાબત છે પણ ભંડોળ ઉભું કરવા માટે પ્રજા પર વધારાનો બોજો કર સ્વરૂપે લાદવામાં આવે તો તે બાબત અયોગ્ય ગણાય. મફત આપવા માટે વધારાનો બોજો લાદવો તે એવી બાબત થઈ કે, એક વર્ગને મફત આપવા માટે બીજા વર્ગ પાસેટહેવા પરાણે ઉઘરાણી કરવી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મફત યોજના માટે બહારથી પૈસા લઈ આવવા જે એક પ્રકારનું દેણું જ ગણાય તે પણ યોગ્ય નથી. મફત યોજનાની અર્થતંત્ર પર ચોક્કસ મામુલી અસર થાય છે પરંતુ જે વર્ગ ટેક્સ સ્વરૂપે સરકારને નાણાં ચૂકવે છે તેની ઉપર વધુ બોજો લાદી જે વર્ગ એક પણ રૂપિયો આપતું નથી તેને રાહત આપવા સમાન છે જે અયોગ્ય ગણાય. તેમણે કહ્યું હતું કે, મફત આપવું પણ જરૂરી છે અને સરકારે આપવુ પણ જોઈએ પરંતુ તેના માટે ભંડોળ અન્ય ખર્ચમાં કરકસર કરીને ઉભું કરવું જોઈએ નહીં કે વધારાનો બોજો પ્રજા પર લાદી ભંડોળ ઉભું કરવું.
મફતની યોજનાઓ લાંબા ગાળે શ્રીલંકા જેવો ઘાટ ઘડનારી: પાર્થ ગણાત્રા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, મારા મત મુજબ કંઈ જ મફત હોતું જ નથી. પ્રજાએ એક અથવા બીજી રીતે ચુકવણું કરવું જ પડે છે. તેમણે કહ્યું હતું કે, દાખલા તરીકે આપણા પાડોશી રાજ્યોમાં વીજળી-પાણી મફતમાં આપવામાં આવે છે તો એ સરભર કરવા માટે એક અથવા બીજી જગ્યાએથી વસુલાત કરવી જ પડે છે જેના લીધે પાડોશી રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આપણી સાપેક્ષે વધુ છે. આપણે પેટ્રોલ-ડિઝલમાં વેટ ઘટાડી શકીએ છીએ કેમ કે, વીજળી-પાણી સહિતની બાબતોમાંથી સરકારને આવક થતી હોય છે.
જેની સામે પાડોશી રાજ્યો પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડી શકે નહીં કેમ કે, તેઓ વીજળી-પાણી મફત આપી રહ્યા છે. જો તેઓ પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડવા ઈચ્છે તો તેમને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પાસેથી દેણું કરવું પડે જેની સીધી જ અસર અર્થતંત્રને પહોંચે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે આપણે ક્રાંતિ લાવી શકીએ જેની અસર અર્થતંત્રને હકારાત્મક થશે. જો અગ્રણી ઉદ્યોગપતિઓ, હોદેદારોના બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરે તો તેનાથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ પણ આવશે અને અર્થતંત્રને પણ હકારાત્મક અસર થશે. તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને કોઈ પણ લાભ મફત આપવો પોષાય તેમ જ નથી.
જેવી રીતે વેકસીન મફત આપવામાં આવી તો તેનો ખર્ચ અન્ય બાબતોમાંથી સરભર કરવો જ પડે અને જો અન્ય બાબતોમાંથી સરભર ન થાય તો વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ પાસેથી દેણું કરવું પડે અને દેવાળીયું થયા બાદ શ્રીલંકા
જેવો ઘાટ ઘડાતાં વાર લાગતી નથી.
ખમીરવંતુ ગુજરાત મફતનું લેવા કોઈ દિવસ તૈયાર ન થાય : સી.એ વિનય સાકરિયા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનયભાઈ સાકરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષો દ્વારા જે લોભામણી જાહેરાતો અને વચનો કરવામાં આવતી હોય છે તેનાથી કોઈ ને ફાયદો પહોંચતો નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તે જાહેરાત ગુજરાતમાં કરવામાં આવી છે કે સરકાર રાજ્યના લોકોને નિશુલ્ક વીજળી આપે તે બફાટ છે. અને જો આ શક્ય બને તો દેશની અને રાજ્યની અર્થ વ્યવસ્થાને ઘણી માઠી અસરનો સામનો કરવો પડે. પાર્ટી કઈ પણ વિચાર્યા વગર જે રીતે વફા કરી રહી છે અને ખોટા વાયદાઓ અને વચનો આપી રહી છે તેનાથી ગુજરાતની જનતા કોઈ દિવસ સહમત નહીં થાય કારણ કે ગુજરાત ખમીરવંતુ રાજ્ય છે કે જેને નિશુલ્ક ની કોઈપણ વસ્તુ મેળવી પોસાય નહીં. નિશુલ્ક વસ્તુ આપવાથી એ વાતનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી હોય તે આની કસરત અર્થવ્યવસ્થા ઉપર કેવી પડે જે ખરા અર્થમાં આમ આદમી પાર્ટી વિચારવાનું ભૂલી ગઈ છે.