દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. માંડ 2-3 મહિના બાકી છે. અગાઉ, 2022-23માં 5 પ્રાદેશિક પક્ષોને મળેલા ઈલેક્ટોરલ બોન્ડના આંકડા સામે આવ્યા છે. નવા ઓડિટ રિપોર્ટ અનુસાર, પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ. 1,243 કરોડ મળ્યા છે. પક્ષોમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ), તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજુ જનતા દળ (બીજેડી) અને વાયએસઆર સામેલ છે. જો કે આ તેમણે 2021-22માં એકત્ર કરેલા રૂ. 1,338 કરોડ કરતાં ઓછું છે, બીઆરએસ એ આ સમયગાળા દરમિયાન બોન્ડમાંથી 3.4 ગણું વધુ ફંડ એકત્ર કર્યું છે.
ગત વર્ષે પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ.1,243 કરોડ મળ્યા : પ્રચાર ખર્ચમાં તૃણમૂલે રૂ.181 કરોડ, વાયએસઆર
કોંગ્રેસે રૂ.79.3 કરોડ, બીઆરએસે રૂ.57.5 કરોડ, ડીએમકેએ રૂ.52.6 કરોડ અને બીજેડીએ રૂ.9.9 કરોડનો ખર્ચ કર્યો
ચૂંટણી બોન્ડની મદદથી, 2022-23માં, તૃણમૂલ કોંગ્રેસે 97%, ડીએમકેએ 86%, બીજેડીએ 84%, વાયેસઆર કોંગ્રેસે 70% અને બીઆરએસએ 71% વધારો કર્યો. રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટીએ 2022-23માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 36.4 કરોડ એકત્ર કર્યા હતા, જે 2021-22માં રૂ. 25.1 કરોડ હતા. તેની કુલ આવક 2021-22માં રૂ. 44.5 કરોડથી વધીને 2022-23માં રૂ. 85.2 કરોડ થઈ અને એ જ સમયગાળામાં તેનો વાર્ષિક ખર્ચ રૂ. 30.3 કરોડથી વધીને રૂ. 102 કરોડ થયો.
રસપ્રદ વાત એ છે કે, આપનો સામાન્ય પ્રચાર ખર્ચ 2022-23માં 330% વધીને રૂ. 58.8 કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ રૂ. 13.7 કરોડ હતો. 2022-23માં દિલ્હી અને પંજાબમાં શાસક પક્ષ માટે જાહેર ઝુંબેશ અને સર્વેક્ષણો પરનો ખર્ચ 23.6 કરોડ રૂપિયા છે.
પાંચ પ્રાદેશિક પક્ષોના 2022-23 માટે વાર્ષિક ઓડિટ અહેવાલો ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવ્યા આવક:
બીઆરએસએ સૌથી વધુ 737.7 કરોડ રૂપિયાની આવક જાહેર કરી. ત્યારબાદ તૃણમૂલ 333.4 કરોડ રૂપિયા, ડીએમકેએ રૂ. 214.3 કરોડની આવક, બીજેડીએ રૂ. 181 કરોડની આવક અને વાયએસઆર કોંગ્રેસે રૂ. 74.8 કરોડની આવક જાહેર કરી છે. ખર્ચમાં 2022-23માં તૃણમૂલનો સૌથી વધુ ખર્ચ રૂ. 181 કરોડ હતો, ત્યારબાદ વાયએસઆર કોંગ્રેસે રૂ. 79.3 કરોડ, બીઆરએસ રૂ. 57.5 કરોડ, ડીએમકે રૂ. 52.6 કરોડ અને બીજેડીએ રૂ. 9.9 કરોડનો ખર્ચ કર્યો હતો.
વિપક્ષ તરફથી, ચૂંટણી બોન્ડ સ્કીમથી સૌથી વધુ લાભ મેળવનાર પાર્ટી બીઆરએસ હતી. તાજેતરમાં જ તેલંગાણામાં સરકારમાંથી હાંકી કાઢવામાં આવેલી પાર્ટીને 2022-23માં બોન્ડ્સમાંથી રૂ. 529 કરોડ મળ્યા છે, જે એક વર્ષ અગાઉ મળેલા રૂ. 153 કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
2022-23માં ચૂંટણી બોન્ડમાંથી તૃણમૂલે રૂ. 325 કરોડ, ડીએમકે રૂ. 185 કરોડ, બીજેડીએ રૂ. 152 કરોડ અને વાયએસઆર કોંગ્રેસે રૂ. 52 કરોડ એકત્ર કર્યા હતા. 2021-22માં આ ચારેય પક્ષોએ બોન્ડમાંથી વધુ નાણાં એકત્ર કર્યા હતા. તૃણમૂલને રૂ. 528 કરોડ, ડીએમકેને રૂ. 306 કરોડ, બીજેડીને રૂ. 291 કરોડ અને વાયએસઆર કોંગ્રેસને રૂ. 60 કરોડ મળ્યા હતા.
ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીએમનો 2022-23નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની કુલ આવક 2021-22 માટે 162.2 કરોડ રૂપિયાથી ઘટીને 141.7 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, પાર્ટીનો ખર્ચ 2021-22માં 83.4 કરોડ રૂપિયાથી વધીને 106 કરોડ રૂપિયા થઈ ગયો છે.