ઘણી રાહ જોવડાવ્યા પછી ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે અમી છાંટણા સાથે વરસાદની પધરામણી થઈ હતી. થોડીવાર માટે એક ઝાપટું પણ પડ્યું હતું, અને વાતાવરણમાં ભીની માટીની મહેક પ્રસરી ગઈ હતી.
પણ… આ તો આપણું જામનગર… મેઘરાજાની પાવન પધરામણીનું સ્વાગત વીજતંત્રએ વીજપુરવઠો ખોરવી નાંખીને કર્યું…
શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે બત્તી ગુલ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે, જો કે ક્યાંક ૧પ-ર૦ મિનિટમાં તો ક્યાંક એકાદ કલાક પછી વીજપુરવઠો પૂર્વવત્ થયો હતો.
આખું વરસ અઠવાડિયામાં નિયમિત વીજકાપ જાહેર કરીને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે, તેમાં ય ખાસ કરીને ચોમાસા પૂર્વેના એકાદ બે મહિના તો આ કામગીરી વધુ ચોક્કસાઈ સાથે કરવામાં આવે છે. વીજવાયરોને નડતા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ કાપી નાંખવી, ટ્રાન્સફોર્મરો અને તેના બોર્ડનું ચેકીંગ કરવું, જરૃર પડે ત્યાં પાર્ટસ બદલાવવા, વાયરોના જોડાણો પરફેક્ટ કરવા વગેરે ટેકનિકલ રીતે કરવા જેવી તમામ કામગીરી ચાલુ જ હોય છે, છતાં… પ્રશ્ન એ થાય છે કે માત્ર થોડા છાંટા કે નાનું અમથું વરસાદી ઝાપટું પડે ત્યાં જ વીજપુરવઠો શા માટે ખોરવાઈ જાય છે… અને તે પણ એકાદ વિસ્તારમાં નહીં… પણ શહેરના મોટાભાગમાં વીજપુરવઠો બંધ થઈ જાય ત્યારે આ મેઈન્ટેનન્સની કામગીરી સામે પણ સવાલો ઊઠવા પામે તે સ્વાભાવિક છે.
જોરદાર વરસાદ હોય, ભારે પવન હોય ત્યારે સલામતિના કારણોસર વીજતંત્ર પોતે જ વીજપુરવઠો બંધ કરી દ્યે તે સમજાય તેવી બાબત છે, અને તેની સામે લોકોમાં પણ કોઈ પ્રશ્ન કે નારાજગી જોવા મળી નથી. પણ… જામનગરમાં તો ગરમી અને બફારો છે, ત્યારે વીજપુરવઠો તંત્ર સર્જીત બેદકારીના કારણે ખોરવાઈ જાય ત્યારે આમજનતામાં તંત્ર પ્રત્યે રોષ પ્રવર્તી રહ્યો છે.
હવે તો વરસાદની શરૃઆત થઈ છે… ચોમાસાના બાકીના સમયગાળામાં શહેરમાં વીજપુરવઠો નિયમિત રીતે મળતો રહે તેવી કામગીરી સત્વરે પૂર્ણ કરી લેવાની જરૃર હોવાના પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્યા છે.