પાટડી તાલુકાના આદરિયાણા ગામની બંને પગથી ગરીબ દિવ્યાંગ મહિલાની માત્ર 6 માસની દિકરીના શરીરમાં લોહીનું પ્રમાણ માત્ર 3 % થઇ જતા લોહી ચઢાવવાની જરૂર પડી હતી. જેમાં ખાનગી દવાખાનામાં રૂ. 20થી 25 હજારનો ખર્ચનું જણાવતા ગરીબ પરિવાર માટે દીકરીની સારવારના ફાંફા પડી ગયા છે. તેમ સોમવારે આ ગરીબ દંપતિ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ન હોવાથી સારવાર શક્ય ન હોવાનું જણાવતા તેઓ વિલા મોંઢે પરત ફર્યા હતા.
આરોગ્યની સચોટ સુવિધાના બણગા ફૂંકતી સરકાર સામે સવાલ
દિવ્યાંગ મહિલાની 6 માસની દિકરીની સારવાર માટે ભટકતો ગરીબ પરિવાર
ગરીબ દંપતી 6 મહિનાની દીકરી સુનિતાના શરીરમાં લોહીનું પ્રમાણ માત્ર 3 % જ થઇ જતાં એની હાલત નાજુક બનતા આ ગરીબ દંપતિ એને તાકીદે સારવાર અર્થે બસમાં વિરમગામ ખાનગી દવાખાનામાં લોહિ ચઢાવવા માટે લઇ ગયા હતા. ગાંધી હોસ્પિટલવાળાઓએ આ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ન હોવાનું જણાવી સારવાર વિના એમને પરત મોકલ્યાં હતા. બાદમાં આદરીયાણાનું આ દંપતિ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં ડોક્ટરે સારવારના રૂ. 25,000નો ખર્ચો હોવાનું જણાવતાં આ દંપતિ દિકરીની સારવાર કર્યા વિના પોતાના ગામ આવવા ફરત ફર્યા હતા.
પાટડી બસ સ્ટેન્ડ પર આ ગરીબ દંપતિએ જણાવ્યું કે,સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાનું જણાવતાં અમે સારવાર કરાવ્યા વિના અત્યારે પાટડી આવીને મારી સાળીના ત્યાં ઓડું ગામ જઇ રહ્યાં છીએ. અને આજેે ફરી દીકરીને બસમાં લઇ જઇને સાણંદ સરકારી હોસ્પિટલમાં જવાના છીએ. આરોગ્યની સચોટ સુવિધાના બણંગા ફૂંકતી સરકાર આ ગરીબ દિકરીની સારવાર ન કરી શકતા ગરીબ દંપતિ માટે માસૂમ દીકરીની સારવાર માટેના ફાંફા ઉભા થયા છે.
બીજી તરફ આ અંગે ગાંધી હોસ્પિટલના જિલ્લા સિવિલ સર્જન ડો. એચ.એમ.વસેતિયને જણાવ્યું કે, આ બનાવમાં અમારી પાસે કોઇ આવ્યું નથી કે મને મળવા પણ આવ્યા નથી.