સાગર સંઘાણી
અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે જેના લીધે અનેક કાંધેતર યુવાનોને પરિવાર ગુમાવતા હોય છે ત્યારે આજે ફરી એક વખત એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ભાઈ બહેન અને ભાણેજ માનતા પૂરી કરવા માટે જતા હતા ત્યારે અજ્ઞાત વાહનના ચાલકે ભાઈને હડફેટમાં લઈ કચડી નાખ્યો હતો. બહેનની નજર સમક્ષ જ ભાઈનું મૃત્યુ નીપજતાં ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આજ્ઞાત વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર આઠમાં રહેતો વિરમભાઈ ચનાભાઈ વાઘેલા નામનો ૩૫ વર્ષનો યુવાન, કે જે પોતાની બહેન લાખીબેન કાનાભાઈ સાથેની માનતા હોવાથી ૧ માર્ચના મોડી સાંજે વિરમભાઈ પોતાના બહેન લાખીબેન તથા ભાણેજ કરણ (૧૩ વર્ષ) ને સાથે રાખીને જામનગર થી કાઠીદળની માનતા પૂરી કરવા ચામુંડા માતાજીના મંદિરે પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે ભાઈ આવતા બહેનની રાખડી સુની પડી ગઈ હતી.
તેઓ જામનગર- લાલપુર રોડ પર લોઠીયા ગામના પાટીયા પાસે પહોંચતાં રાત્રીના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પાછળથી પુરપાટ વેગે આવી રહેલા સફેદ કલરના છોટા હાથી અથવા તો બોલેરો પીકપ વાહન ના ચાલકે વિરમભાઈને પાછળથી હડફેટમાં લઈ ચગદી નાખતાં પોતાની બહેન અને ભાણેજની નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બહેન લાખીબેન અને ભાણેજ કરણ, કે જેઓ સાઈડમાં ચાલતા હોવાથી તે બંનેનો બચાવ થયો હતો.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિરમભાઈ ના પિતરાઈ ભાઈ કૈલાશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અજ્ઞાત વાહન ન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.