સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેડનરી એજ્યુકેશનના ધો.12માં માસ પ્રમોશન બાદ પરીણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે. જો કે હવે પરીક્ષા વગરના માસ પ્રમોશને જાણે બોર્ડની કસોટી કરી હોય તેમ કઈ રીતના ફોર્મ્યુલા તૈયાર કરવી તેની અસમંજસ છે. બીજીબાજુ વિદ્યાર્થી અને વાલીઓમાં પણ એ પ્રશ્ર્ન છે કે, માસ પ્રમોશનના આધારે જે રીતે માર્કશીટ તૈયાર થશે જેમાં વિદ્યાર્થીઓના પરિણામમાં ક્યાંકને ક્યાંક અન્યાય ઉભો થશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ સીબીએસઈ આકારણીના ફોર્મ્યુલાથી ચિંતીત છે. અગાઉના વર્ષો માટે મુલ્યાંકન કરવાના બદલે પરીક્ષા આપીને જ પરીણામ મેળવવું વધારે સારૂ છે તેમ વાલીઓનું મંતવ્ય છે. વિદ્યાર્થીઓનું કૌશલ્ય ખરેખર તો પરીક્ષા લઈને જ આવી શકે કેમ કે ધો.12એ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વનું વર્ષ છે જેથી પરીક્ષા લેવાય તેવી પણ માગ ઉઠવા પામી છે. બીજીબાજુ તમામ રાજયોમાં ધો.12ના વિદ્યાર્થીઓ માટે સમાન જ માર્કિંગ ફોર્મ્યુલા હોય તો જ વિદ્યાર્થીને ફાયદો થાય અને જો વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ નથી પરંતુ માસ પ્રમોશન બાદ હવે કઈ રીતે ધો.12ના પરીણામ જાહેર કરવા તે માટે સીબીએસઈની મથામણો ચાલી રહી છે.
સીબીએસઈ દ્વારા માર્કિંગ ફોર્મ્યુલા નક્કી કરવા માટે 13 સભ્યોની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કરવાની માપદંડની ભલામણ માટે 30:30:40ની ફોર્મ્યુલા નક્કી થાય તેવું લાગી રહ્યું છે. જેમાં ધો.10 અને 11ના અંતિમ પરીણામોને 30 ટકાનું મહત્વ આપવામાં આવશે જ્યારે 12માં ધોરણની પૂર્વ બોર્ડ પરીક્ષાઓના પરીણામને 40 ટકાનું મહત્વ આપવામાં આવશે. 100 માર્કસના એસેસમેન્ટમાં ધો.10,11નું પરીણામ પાયો બનશે. સાથે સાથે શાળામાં લેવાયેલી ટેસ્ટ, યુનિક ટેસ્ટ, અર્ધવાર્ષિક ટેસ્ટ કે મિડ ટર્મ અને બાદમાં ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામ પરર્ફોમન્સના ગુણોનું 100 માર્કસનું એક ટેબલ તૈયાર કરાશે. એટલે કે સીબીએસઈ બોર્ડ 30:30:40ની ફોર્મ્યુલા આધારે ધો.12ની માર્કશીટ જાહેર કરે તેવી શકયતા છે.
એક તજજ્ઞનાના જણાવ્યા મુજબ ધો.12ની સામાન્ય પરીક્ષાઓ, પૂર્વ બોર્ડના ગુણ અને આંતરિક પરીક્ષાઓનું પરીણામનું વધુ મહત્વ ન આપવું જોઈએ. જો ધો.11ના અંતિમ પરીક્ષાના ગુણનો સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થી માટે અન્યાય થશે. કેમ કે વિદ્યાર્થીએ ધો.11ને ધો.12 જેટલું ગંભીરતાથી લીધુ નહીં હોય. આ ઉપરાંત ધો.10 બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલનું પરિવર્તન કરતા હોય છે. માટે ધો.10 અને 11ના માર્કસ ધો.12માં ગણવા યોગ્ય ન ગણાય. મુંબઈમાં તો વર્ષ 2020-21 દરમિયાન શાળામાં લેવામાં આવતી પરીક્ષા પણ લઈ શકાય નથી. ભૌતિક વર્ગો પણ યોજાયા ન હોવાથી આખા વર્ષ દરમિયાન મુંબઈની શાળાઓ પરીક્ષાઓ અને પ્રાયોગીક પરીક્ષણો કરવા અસમર્થ રહી છે ત્યારે હવે ફોર્મ્યુલા કઈ રીતે નક્કી થાય છે તે જોવાનું રહેશે.
જે રીતે છેલ્લા 10 થી 12 દિવસ સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.12ની માર્કિંગ ફોર્મ્યુલા નક્કી કરવાની મથામણ ચાલી રહી છે જો કે હજુ સુધી કોઈ સચોટ મુલ્યાંકન પદ્ધતિ બહાર પાડવામાં આવી નથી. એક અનુમાન મુજબ ધો.10,11નું 30-30 ટકા વેઈટેજ અને ધો.12ની પ્રાયોગીક પરીક્ષાનું 40 ટકા વેઈટેજના આધારે ધો.12ની માર્કશીટ તૈયાર થાય તેમ લાગી રહ્યું છે. જો કે, વાલીઓ અને અમુક હોંશિયાર વિદ્યાર્થીઓનું માનવું છે કે, ધો.12 અતિ મહત્વનું વર્ષ છે જેથી પરીક્ષા લેવી પણ જરૂરી છે.