છેલ્લા દશકામાં રહેઠાણ, ખોરાક, માનવીની હેરાનગતી જેવી વિવિધ સમસ્યાથી ત્રસ્ત થઇને તે લુપ્ત થતાં જાય છે: એ આપણી શેરીના રખેવાળ સાથે અજાણ્યા લોકોને આપણી શેરીમાં આવતા રોકતા હતા: શેરી શ્વાનોથી ચોર પણ ડરતા હતા
વર્ષો પહેલા આપણા આંગણા, શેરી, મહોલ્લામાં ચકલી, કૂતરા, ગાય, ભૂંડ, કાબર, બકરી, ભેંસ, કબૂતર, પોપટ, કાગડા જેવા અસંખ્ય પશુ-પક્ષીઓ આવતા. માનવ જીવન પણ તેની સાથે જોડાયેલું હતું. ચબુતરા અને ઘરમાં ચકલીના માળા તેની ગવાહી છે. શેરીમાં કૂતરાની બખોલ બનાવીને તેના બચ્ચાઓના જતન સાથે ગાય, કૂતરાને રોટલી નાંખવાની આપણી ધાર્મિક પરંપરા રહી છે. આજે ચકલીની જેમ શેરીના શ્વાનો પણ લુપ્ત થવાની કગાર પર છે. કુદરતનું સંતુલન આ પશુ-પંખીઓ પણ જાળવે છે જો તે નાશ પામશે તો માનવ જીવન પણ ખતરારૂપ છે. શાસ્ત્રોના ઉલ્લેખ મુજબ માણસોના કુલ વજનથી જળ, જમીન પર રહેતા પ્રાણીઓનું વજન 20 ગણું વધારે હોવું જોઇએ તો જ માનવ જીવન સલામત છે.
શ્વાન આપણાં રોજીંદા જીવનમાં અને શેરીના આપણાં મિત્ર છે. હજી થોડા વર્ષો પહેલા શેરીમાં 8 થી 10 શ્વાન હતા જે આજે અદ્રશ્ય થઇ ગયા છે. જે આપણી બદનશીબી સાથે નુકશાન કારક છે. અગાઉ કોઇ અજાણ્યુ માણસ કે ચોર આવતા તો આ સ્ટ્રીટ ડોગ ભસીને બધાને જગાડી દેતા. અજાણ્યાને કૂતરા કરડી જવાનો બનાવો પણ બહુ જ બનતા. અમૂક શેરીમાં ડાઘિયા કૂતરાની એટલી બધી રાડ હતી કે કોઇએ તરફ જતાં પણ ડરતું હતું. ટૂંકમાં શેરીનો સાચો રખેવાળ હતો તો છોકરાઓનો તો પાક્કો ભાઇબંધ હતો. બંનેને એકબીજા વગર ચાલતું જ નહી. આજે તેની ગેરહાજરીમાં સિક્યુરીટી રાખવા પડે છે.
કુદરતી ક્રમ મુજબ માનવ જીવન સાથે પશુ-પંખીઓ જોડાયેલા છે. જેમાં અગાઉ ખુલ્લી ગટર હતી ત્યારે ભૂંડ હતા જે તમામ કચરો સાફ કરીને આપણને રોગચાળાથી બચાવતા હતા. શેરીના કૂતરા ઉપર અત્યાચારો થવા લાગ્યા એને કારણે પણ લુપ્ત થયા. કોર્પોરેશનના ખસીકરણ કાર્યક્રમ અન્વયે તેની સંતતી અટકી ગઇ. કાળક્રમે આગામી વર્ષોમાં સાવ લુપ્ત થાય તો નવાઇ નહી પામતા. પહેલા તો તેના ખોરાક અને પાણીની કુંડી હતી તો જીવતા રહ્યા આજે તેને બેસવા-છાંયો ખોરાક-પાણી તેને મળતા જ ન હોવાથી નાશ પામતા જાય છે. રખડતા શ્વાનો માટે ઘણી સંસ્થા જાગૃત થઇ છે પણ તેના બચાવ કાર્ય માટે વિશાળ પાયા ઉપર કામ કરવું પડશે.
આજે તો શેરી-ગલ્લીઓમાંથી શ્વાન અદ્રશ્ય થતાં જાય છે: આ શ્વાનો આદીકાળથી માનવ સાથે વસવાટ કરતાં આવ્યા છે: આજકાલ સ્ટ્રીટ ડોગ ઉપર અત્યાચારોના બનાવો પણ વધવા લાગ્યા છે
આજે ઘણા લોકો શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ ડોગનું એડોપ્શનનું ઘણું સારૂ કાર્ય કરે છે. ભારતના વડાપ્રધાન મોદીજી પણ મન કી બાત કાર્યક્રમમાં ભારતીય ડોગની જાત વિકસાવવાની વાતોમાં પણ વિવિધ પ્રજાતિનો ઉલ્લેખ કર્યો હતો. હાઇવે ઉપર રહેતા કે શહેરથી દૂર ખૂલ્લી જગ્યાઓમાં રહેતા શ્ર્વાનોને ખોરાક પાણીની મુશ્કેલીમાં કોણ મદદ કરશે કે પછી તે પણ નાશ પામશે. આવા સ્ટ્રીટ ડોગને જો તાલિમ અપાય તો વિદેશી કૂતરાની જેમ જ તેની સ્કીલ ડેવલપ કરી શકાય છે. હમણાં એક વાયરલ વિડિયોમાં બેનનો ચેન ખેંચીને ભાગતા ચોરની પાછળ સ્ટ્રીટ ડોગ દોડે છે.
કુતરા સામાન્ય રીતે બટકા ભરતા નથી જો આપણે તેને હેરાન કરીએ તો તે બટકા ભરવા મજબૂર થઇ જાય છે. સ્ટ્રીટ ડોગની ખાસિયત છે કે જેના ઘર પાસે રહેતું હોય ત્યાં ક્યારેય બગાડ કરતું નથી. પવર્તમાન 21મી સદીમાં કુતરા ગાડી હતી તેથી તેને સમસ્યા ન હતી. શાસ્ત્રોમાં હિમાલયે હાડ ગાળવા જતાં પાંડવો કે આપણી બોલીવુડની ફિલ્મોમાં શ્વાનો ઉલ્લેખ જોવા મળે જ છે. દર વર્ષે કૂતરા કરડવાના હજારો કિસ્સા શહેર, ગામમાં બને છે. હડકવાની રસીના ઇન્જેકશનનો માણસે લેવા પડે છે. જો કે હવે તો દર વર્ષે શેરીના શ્ર્વાનોને પણ રેબીશ વેક્સિન અપાય છે.
સ્ટ્રીટ ડોગને આપણે મુક્ત શહેરી કૂતરા પણ કહી શકીએ છીએ. જો કે આવા શ્વાનો વિસ્તાર નિયત કરેલો હોય છે. જો તેની હદ બહાર જાય તો ત્યાં શ્વાનો તેની પાછળ દોટ મૂકે છે. આવા દ્રશ્યો પહેલા જોવા મળતા હતા. ઘણા લોકો ડોગ રાખે પછી તેને છોડી ધ્યે ત્યારે તે સ્ટ્રીટ ડોગ બની જાય છે. મનુષ્ય સાથે સંઘર્ષથી બચીને હજી ક્યાંક આપણને જોવા મળે છે. કેટલાક દેશોમાં હડકવા એક સમસ્યા બની છે. આપણા ભારતમાં પણ દર વર્ષે 20 હજાર લોકો મૃત્યું પામે છે, દેશમાં 30 મિલિયન જેટલા રખડતા કુતરા છે.
કુતરાનો ભસવાનો અવાજ સાથે તેનો ઝગડો અને જાહેરમાં સંવનન ક્રિયા જેવી ઘણી બાબતોથી માનવી કંટાળી ગયો હતો. જો કે ગામ શહેરમાંથી સ્ટ્રીટ ડોગને ખોરાક પાણીની સમસ્યાને કારણે દૂર ચાલ્યા ગયા કે નાશ પામ્યા છે. કુતરો બધા પ્રાણીઓમાં બુધ્ધીશાળી ગણાય છે તેથી તે ચોર પકડે કે તેના માલિકનું રક્ષણ કરે છે. હાઇવે ઉપર તો હજારો કુતરાઓ અકસ્માતનો ભોગ બને છે. સ્ટ્રીટ ડોગ શેરીમાં પડેલ કચરો સાફ કરે છે. જેમાં મરેલ જીવજંતુ, પક્ષી વિગેરેને ખાયને શેરી ચોખ્ખી રાખે છે. કૂતરો સર્વભક્ષી હોવાથી શાકાહારી અને માંસાહારી બંને ખાય લે છે. કરૂણા, જીવદયા સાથે કાર્યરત સંસ્થાઓએ આવા શ્વાનોને બચાવવાનું બિડુ ઝડપ્યું છે ત્યારે આ લુપ્ત પ્રજાતિને બચવાના ચાન્સ દેખાય રહ્યા છે.
ભારતમાં ગીધોની આબાદીનું પતનનું કારણ જે પહેલા મૃત, પશુના શબોની મોટી માત્રામાં ઉપયોગ લઇને ખાદ્ય શ્રેણીના કેટલાક રોગોને નાશ કરતા હતા. આજે દેશમાં સ્ટ્રીટ ડોગની આબાદીમાં વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે થોડો ખતરો પણ બન્યો હોવાથી તેની રોકથામ માટે વિવિધ પગલાને કારણે તેની આબાદીમાં કંટ્રોલ થયો છે. આજના વાતાવરણમાં સ્ટ્રીટ ડોગ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યા છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં આવા શ્વાનોની સંખ્યા મોટી છે. વાડી વિસ્તારમાં તેને નિર્ભયતા સાથે ખોરાક, પાણી મળી રહેતા તેની આબાદી વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો તેની દરકાર કરે છે જ્યારે પવર્તમાન સમયમાં શહેરમાં હવે આવો કોઇને ટાઇમ જ નથી.
જીવદયા પ્રેમીઓ સ્ટ્રીટ ડોગ પર થતાં અત્યાચારો અને તેને પકડવાની ક્રૂરતાનો વિરોધ કરે છે. આજે તેની આબાદીને રોકવા નશબંધી કરીને આબાદી કંટ્રોલ કરાય છે. કુતરાઓ ખાવાનું ઉંદરોથી શહેરને મુક્ત કરે છે. કુતરા વેક્સિનેશન, બિન કૃમિ જેવી તમામ મેડીકલ ફેસીલીટી મળી રહી છે. દર વર્ષે વિશ્વ ખસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે. ઘણા બધા ફિલ્મસ્ટારો આવા શ્વાનોને મદદરૂપ થવાનાં વિવિધ કાર્યક્રમોમાં જોડાયને સહયોગ આપી રહ્યા છે.
આજે ઘણા યુવાનો સ્ટ્રીટ ડોગની સેવા કરે છે
સ્ટ્રીટ ડોગની પ્રજાતિ ધીમેધીમે લુપ્ત થઇ જાય છે, એવા સમયે હવે આજનો યુવા વર્ગ તેની વ્હારે આવ્યો છે. યુવાનોનું ગૃપ તેને ખોરાક સાથે અકસ્માત થતાં દવાખાને અને એડોપ્શન જેવા પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. ઘણી યુવતીઓ પણ હાઇવે ઉપર જઇને નિયમિત સાંજે તેને ખોરાક અને દૂધ આપવા જાય છે. શહેરથી દૂર રહેતા શ્વાનોને અકસ્માતનો ભય હોવાથી તેને રીફ્લેક્ટર કોલર પણ સેવાભાવી લોકો પહેરાવે છે જેથી તેનો બચાવ થઇ શકે છે. શ્વાનો સામાન્ય રીતે બાઇટ કરતા હોતા નથી પણ સતત હેરાનગતિને કારણે પોતાના રક્ષણ માટે એગ્રેસીવ થઇ જાય છે. ગુજરાતના લગભગ બધા શહેરોમાં ડોગ લવર ગૃપો થઇ ગયા છે જે એનીમલ હેલ્પલાઇનના માધ્યમથી તેને ટ્રીટમેન્ટ પણ કરાવે છે. આજકાલ તો ઘણા શ્વાનપ્રેમી અંગ્રેજી શ્વાન કરતાં સ્ટ્રીટ ડોગ પાળી રહ્યા છે. ઘણા બ્રિડરો પણ ક્રોસમેટ કરાવીને નવી સ્ટ્રીટ ડોગની ઇન્ડિયન પ્રજાતિનું સંવર્ધન કરેલ છે. કૂતરા પકડવાની ગાડી હવે બંધ થઇ છે, ખસીકરણના પ્રોજેક્ટ પણ બંધ થયા છે ત્યારે સ્ટ્રીટ ડોગ બાબતે સમાજમાં જાગૃત્તિ આવતા શ્વાનોને થોડી રાહત મળી છે પણ હેરાનગતિ તો સતત હજી ચાલુ છે. આપણા આંગણાના પશુ-પંખીની માવજત કરીશું તો જ આપણે પર્યાવરણનો બચાવ કરી શકીશું.