દેશનાં 35-40 ટકા પુરૂષો એનસીઆરબીએ જાહેર કરેલા આ લિસ્ટમાં સામેલ છે. એવા અભાગિયા જીવ, જેમને નથી સમાજમાં સ્થાન મળી રહ્યું કે ન તો ન્યાયતંત્રમાં! ફરિયાદો કરી-કરીને, સરકારી કચેરીઓનાં ધક્કા ખાઈને હવે તેમનાં ચંપલ ઘસાઈ ગયા છે
ડિસ્ક્લેઇમર. છાશવારે ફક્ત વુમન-એમ્પાવરમેન્ટનાં ગાણાં ગાનારાઓને લેખની શરૂઆતમાં જ મિચ્છામી દુક્કડમ! તેમની અવગણના કરવાનો જરા પણ ધ્યેય નથી. આજની વાતો બેશક બહુ કડવી અને સમાજની વરવી વાસ્તવિકતાનું પ્રદર્શન કરનારી પૂરવાર થશે. એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો)એ એસિડ હુમલાનો ભોગ બનતાં ભારતીયો વિશે એક રસપ્રદ અહેવાલ બહાર પાડ્યો. એમાં શું ઇન્ટરેસ્ટિંગ હોવાનું? બધાને ખબર જ છે કે વર્ષોથી એસિડ હુમલાની વાત નીકળે એટલે પીડિતાનો દાઝેલો ચહેરો નજર સમક્ષ તરવરી ઉઠે! આવા જ કંઈક વિચાર આવતાં હશે ને?
લેટ્સ ગિવ અ સ્મોલ બ્રેક ટુ યોર થોટ્સ. દેશનાં 35-40 ટકા પુરૂષો એનસીઆરબીએ જાહેર કરેલા આ લિસ્ટમાં સામેલ છે. એવા અભાગિયા જીવ, જેમને નથી સમાજમાં સ્થાન મળી રહ્યું કે ન તો ન્યાયતંત્રમાં! ફરિયાદો કરી-કરીને, સરકારી કચેરીઓનાં ધક્કા ખાઈને હવે તેમનાં ચંપલ ઘસાઈ ગયા છે. ભારતનાં ધારાધોરણો મુજબ, તેમને જે પ્રમાણમાં વળતરરૂપે અમુક-તમુક રકમ પ્રાપ્ત થવી જોઇએ એ મેળવવા માટે કેટકેટલાય ભ્રષ્ટાચારીઓનાં ટેબલ નીચેથી પસાર થવું પડી રહ્યું છે.
આવા કેસને સરકાર તેમજ ન્યાયતંત્ર દ્વારા ગંભીરતા ન મળવા પાછળનું કારણ છે : સ્ત્રીઓ પર થઈ રહેલો અત્યાચાર! અગર પીડિતાનાં કેસને વિશેષ મહત્વ આપવામાં ન આવ્યું તો કાલે ઉઠીને કોઇપણ સમુદાય કે પછી સમાજસેવી સંસ્થાઓ રસ્તા પર મોરચો લઈને નીકળી પડશે, એવી બીકમાં પોલીસ પણ સ્ત્રી પર થયેલા એસિડ હુમલાનાં કેસમાં ખાસ ધ્યાન આપે છે. પરંતુ પુરૂષનાં કિસ્સામાં આવા કોઇ ઝંડાધારીને આપણે નહીં જોઇ શકીએ!
કેટલાક એવા કિસ્સાઓ જોઇ લઈએ, જ્યાં ભારતની વાસ્તવિક માનસિકતાનાં દર્શન થઈ શકે.
(1) ફિરોઝ ખાન
42 વર્ષનાં ફિરોઝ ખાન પર આજથી પંદર વર્ષ પહેલા તેનાં પાડોશીએ એસિડ ફેંક્યુ હતું. પોતાનાં સગ્ગા ભાઈને પાડોશી સાથે ઝઘડામાં ઉતરતો જોઇને તેણે સમાધાન કરાવવાની કોશિશ કરી. પરંતુ મગજ ખોઇ બેસેલા તેનાં પાડોશીએ ઘરમાંથી એસિડની એક આખી એક ડોલ લાવી, ફિરોઝનાં ચહેરા પર નાંખી દીધી. અચાનક તેને પોતાનાં ચહેરા પર અસહ્ય દાહ થવા લાગી. સોસાયટીનાં સાર્વજનિક હેન્ડ-પંપ પાસે જઈ તેણે ઠંડા પાણીની ઝાલક ચહેરા પર છાંટી. જલન તો દૂર ન થઈ, પરંતુ હાથ લાગ્યો ચામડી-માંસનો મોટો લોચો!
(2) આદિત્ય રાજ
દિલ્હીનો (અને કદાચ ભારતનો પણ) સૌથી નાની ઉંમરનો એસિડ-અટૈક સર્વાઇવર આદિત્ય રાજ, ફક્ત અઢી વર્ષની ઉંમરે કરૂણ પીડામાંથી પસાર થયો હતો! તેની માતાનાં પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. બીજા દિવસે પોલીસને તેનું અઢી વર્ષનું નાનકડું, કણસતું, ચીસો પાડતું શરીર એક ગટર પાસેથી મળી આવ્યું! સમયસર સારવાર મળવાને કારણે તેનો જીવ તો બચી ગયો પરંતુ આખું બાળપણ તેણે ભયનાં ઓછાયા
હેઠળ પસાર કર્યુ! આજે પણ આદિત્યનાં સૂવાનાં સમય પર તેની ડાબી આંખ બંધ નથી થઈ શકતી. ખૂલ્લી આંખે જ ઉંઘ પૂરી કરવાનું દુર્ભાગ્ય હવે તેનાં જીવનમાં વણાઈ ચૂક્યું છે.
(3)ઉપેન્દ્ર કુમાર
પોતાનાં દીકરાને બાજુવાળા પાડોશીનાં ઘેર રમવા નહીં મોકલવા જેવી ક્ષુલ્લક બાબત પર મોટા લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો. ઉપેન્દ્ર કુમારની ઉંમર એ વખતે ફક્ત 14 વર્ષની! પાડોશીઓએ રોષે ભરાઈને અત્યંત જલદ એસિડનો છંટકાવ ઉપેન્દ્ર કુમાર પર કર્યો. જેમાં તેની ડાબી આંખમાં કાયમી આંધળાપણું આવી ગયું. છેલ્લા અઢી વર્ષથી તેનું ભણતર અટકી ગયું છે. ઉપેન્દ્ર કુમારનાં પિતા પોતે એક નોકરિયાત માણસ. દરરોજ સાંજે ઘેર આવીને દીકરાને બ્રેઇલ લિપિ શીખવવાનું કામ કરે છે, જેથી ઉપેન્દ્રનું ભણતર ન અટકે! પરંતુ સરકાર કે ન્યાયતંત્ર તરફથી કોઇ પ્રકારની સહાય ન મળવાને લીધે કશા નક્કર પરિણામો હાલ દેખાઈ રહ્યા નથી.
(4) ચંદ્રહાસ મિશ્રા
8 સપ્ટેમ્બર, 2011નાં રોજ ચંદ્રહાસ મિશ્રા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો. કારણ ફક્ત એટલું જ કે, એક યુવાનને તેમણે અજાણી યુવતીની છેડતી કરતાં અટકાવ્યો હતો! જેનો બદલો લેવા માટે પેલા છોકરાએ ચંદ્રહાસ મિશ્રા પર એસિડની ડોલ રેડી દીધી! ચહેરો તો ખરાબ થઈ જ ગયો, સાથોસાથ ડાબી આંખ કામ કરતી બંધ થઈ ગઈ. કૃત્રિમ આંખ બેસાડવી પડે એ હદ્દે ઓપરેશનો કરવા પડ્યા. સારવાર પાછળ કુલ 30 લાખથી પણ વધુ રકમ ખર્ચાઈ ગઈ. 10 મહિના સુધી તેમણે સરકારી કચેરીઓમાં પોતાનો ક્લેઇમ કરવા માટે ધક્કા ખાધા. બધી મહેનત આખરે નિષ્ફળ! કોર્ટ દ્વારા એસિડ હુમલાથી પીડિત સ્ત્રી-પુરૂષને સમાન વળતર (રૂપિયા 3 લાખ) આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ એનો અમલ ફક્ત કાગળ પર થઈ રહ્યો છે. ચંદ્રહાસ મિશ્રાને પાંચ વર્ષ બાદ 2016માં છેક પોતાનું વળતર મળ્યું, અને એ પણ ફક્ત 1 લાખ રૂપિયા! ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની એમની નોકરીમાં બે વર્ષનો લાંબો ગાળો પડી ગયો, જેથી ઘણી ક્લાયન્ટ કંપનીઓએ બીજા એજન્ટ હાયર કરી લીધા!
સ્ત્રી તો હજુય કદાચ મોં પર દુપટ્ટો બાંધીને નીકળી શકે, પરંતુ એસિડ હુમલાથી પીડિત પુરૂષ માટે આ અઘરું છે! નોકરિયાત માણસને સતત નવા નવા લોકો સાથે પનારો પડતો હોય છે. પીડિત પુરૂષને દુર્ઘટના બાદ, હંમેશા સાયકોલોજિસ્ટ (મનોચિકિત્સક) પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે. તેનું મન-મગજ કોઇ પોતાની સાથે બનેલી દુર્ઘટનાને ક્યારેય સરળતાથી ભૂલી શકતું નથી. આથી તેને હળવું કરવું જરૂરી છે. દર્દીને આવા સમયે અનિદ્રા, ડિપ્રેશન, બેચેની થવી સાવ સ્વાભાવિક છે. મનોચિકિત્સક પોતાનાં સેશન્સમાં આવા પેશન્ટને વધુ ને વધુ સાંભળે છે, તેને રડવા દે છે, પોતાની વાત પૂરી કરવા દે છે.
પીડિત પુરૂષની આ બધી વાતો મીડિયા સુધી ન પહોંચવા દેવા પાછળ ઘણા એનજીઓ (નોન-ગવર્નમેન્ટ) પણ જવાબદાર છે. હોસ્પિટલોમાં ઉપકરણો ન હોવાની વાતને ક્યાંય હાઇલાઇટ કરવામાં નથી આવી! એસિડ હુમલાગ્રસ્ત વ્યક્તિને પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્ય સારવાર મળવી જોઇએ એવો કોર્ટનો આદેશ છે. છતાં એનું પાલન નથી રહ્યું! હકીકતે, સ્ત્રી સશક્તિકરણ થવું જ જોઇએ, પરંતુ પુરૂષને પથ્થરદિલ સમજીને આખરે ક્યાં સુધી તેની લાગણીઓનું અને સંઘર્ષનું અપમાન કરતાં રહીશું? ભારતનો સમાજ પુરૂષપ્રધાન છે અને અહીં ફક્ત સ્ત્રીઓ જ પીડાઈ રહી છે, એવી ખોખલી માન્યતાને હવે તિલાંજલિ મળવી જોઇએ એવું નથી લાગતું?