લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસાના મુદાને ગેમ ચેન્જર બનાવવા વિપક્ષ તત્પર
અબતક, નવી દિલ્હી : કોંગ્રેસ એક કાંકરે બે પક્ષીઓને મારવાના પ્રયાસો કરી રહી છે. એક તો ખેડૂત આંદોલનનો જશ ખાટીને પંજાબમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. સાથે યુપીના ઇલેક્શનમાં પણ છવાઈ જવા માગે છે. હાલ તો આખું વિપક્ષ લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસાના મુદાને ગેમ ચેન્જર બનાવવા તત્પર બન્યું છે.
વિપક્ષે લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. માત્ર યુપી, પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, બંગાળથી મહારાષ્ટ્ર જ નહીં, તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોમાં રાજકારણનો મુખ્ય મુદ્દો આ સમયે લખીમપુર ખીરી છે.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા વિપક્ષી પક્ષોને લાંબા સમય બાદ મોટો મુદ્દો મળ્યો છે. પછી દરેક પક્ષે તેનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. જે રીતે વિપક્ષી દળોએ ભાજપનો ઘેરો શરૂ કર્યો છે, મોટો સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે શું તે 2024 ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષ માટે ગેમ ચેન્જર સાબિત થશે?
આ ઉપરાંત ખેડૂત આંદોલન ભાજપ અને કેપ્ટનના સંકલનથી પૂરું થાય તેવો કોંગ્રેસને ભાસ થતાં જ કોંગ્રેસે પણ ખેડૂત આંદોલન ઉપર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેવામાં જ ખીરી દુર્ઘટના સર્જાતા કોંગ્રેસે હવે તેનું સંપૂર્ણ ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરી દીધું છે.
ખીરી ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરનાર પ્રિયંકાની આગેવાનીમાં જ કોંગ્રેસ યુપીની 2022ની ચૂંટણી લડશે
યુપીમાં ચૂંટણી આવી આવી રહી છે સાથે જ રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં આવી ગયા છે. અગાઉ કોંગ્રેસના એક નેતાએ આગામી ચૂંટણીને લઇને કહ્યું હતું કે યુપીની ચૂંટણી રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે. પાર્ટી કોઈપણ પક્ષ સાથે જોડાણ કરશે નહીં. તે પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. હવે આ મુદ્દો લખીમપુર ખીરી સાથે જોડાયેલ છે.
છેલ્લા ઘણા દિવસોથી પ્રિયંકા લખીમપુર ખીરીના બનાવમાં કેમ આટલા ઓતપ્રોત થઈ ગયા છે તે પ્રશ્નનો જવાબ કોંગ્રેસના નેતાએ અગાઉ આપેલા નિવેદનમાં જ છે. પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં પોતાની છત્રછાયામાં જીત હાંસલ કરવા મથી રહ્યા હતા. તેવામાં ખેડૂત આંદોલનનું હિંસક સ્વરૂપ સામે આવતા તેઓને ઉત્તરપ્રદેશમાં છવાઈ જવાની તક મળી છે. આ તકને તે ચૂકવા માંગતા ન હોય તેઓએ આ દુર્ઘટનામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે.