-
પાણીનો ગંદો ધંધો મીનરલનાં નામે કરાઈ છે, શિશા ખાલી, તંત્રનું ભેદી મૌન
-
કાયદાને ઘોળીને પી જતા પાણીનાં ધંધાર્થીઓ
પાણી, પાણી, પાણી, હાલની જો વાત કરીએ, તો લોકો પાણીથી ત્રાહીમામ પોંકારી ગયા છે. કહેવાય છે કે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણીને લઈ ખેડાશે. પાણીને લઈ અનેકવિધ લોક વાહિકા પ્રચલિત છે અને સાચી પણ છે. વર્ષો જુના અને માનીતા દેવાયત પંડિતે પણ આગાહી કરી હતી કે પાવલે પાણી વેચાશે તે હાલ સાર્થક થતું જોવા મળી રહ્યું છે. પાણીનાં પાઉચ, પાણીની બોટલ, પાણીનાં જગ પૈસે વેચાઈ છે. લોકોને મીનરલ અને આર.ઓનાં નામે ગંદો ધંધો થઈ રહ્યો છે જે તદ્ન ખોટુ અને ગેરવ્યાજબી છે ત્યારે ગ્રાહક સુરક્ષા શું કરે છે ? રાજકોટની ભોળી પ્રજાને મીનરલ અને પેકેજ વોટરનાં નામે ગંદો ધંધો અને વેપલાવૃતી કેટલો સમય ચાલશે, શું તંત્ર બેધ્યાન બન્યું છે ? તે એક મુખ્ય અને સળગતો પ્રશ્ન છે.
મીનરલ વોટર ખરા અર્થમાં શું છે ? તેનાથી લોકો પણ અજાણ છે. જેનો ફાયદો પાણી વેચવાનો ધંધો કરનારા ઉઠાવી રહ્યા છે. રાજકોટ અથવા ગુજરાતમાં તો ઠીક ભારતમાં પણ મીનરલ વોટર જડતુ નથી. માત્ર વિશ્વમાં બે જ દેશો મીનરલ વોટર બનાવે છે. વ્યાપારીઓની રોજબરોજની જરૂરીયાતને લઈ આ પ્રકારનો ધંધો ખેલાઈ રહ્યો છે, જેનો ભોગ લોકો બની રહ્યા છે. હાલ દુધ, શાકભાજી અને મહત્વનું જે છે તે પાણી તેની ચોખાઈ પણ જાળવી નથી શકાતી, જે વ્યાપારીઓની કમનસીબી કહી શકાય. ભોળી પ્રજા કેરબાનાં પાણી જોઈ પાણી હોશે-હોશે ગટ-ગટાવી જાય છે. જેથી લોકોનાં રૂપીયે પાણીનાં વ્યાપારીઓ ધાંધીયા કરે છે.
રાજકોટમાં ૫૦૦થી પણ વધારે નાના-મોટા પેકેજ પાણીનાં વેપલા કરનારા વ્યાપારીઓ છે, ત્યારે મુખ્ય પ્રશ્ન એ ઉદભવીત થાય છે કે, આ સમયે રાજકોટ મહાનગર પાલીકાનું આરોગ્ય ખાતુ કે પછી ગ્રાહક સુરક્ષા જેવી કચેરીઓ આ લોકોની સાચી હકીકત સામે કયારે લાવશે અને લોકોને કયારે સાચી માહિતીથી માહિતગાર કરશે. હાલ રાજકોટમાં ખુલ્લે આમ પેકેજ વોટરનાં નામે વેપાલાવૃતી કરનારા વ્યાપારીઓ ગંદો વેપાર કરતા નજરે પડે છે. જાણે તેમને કોઈ તંત્રની બીક જ નથી. રાજકોટ શહેરનાં આરોગ્ય ખાતાની જો વાત કરીએ તો આરોગ્ય ખાતુ પ્રજાહિતમાં ખુબ જ દોડતું રહ્યું છે અને હાલતા દરોડા કરી મીડિયાને બોલાવે છે. ઉનાળો શરૂ થઈ ગયો છે અને કેરીની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ઝેરી કેરીને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવે છે ત્યારે દરરોજ પાણીની પણ ઉપેક્ષા કરવામાં આવે છે તો શું લોકોની કાળજી લેવા કે ‘કેર’ કરવા તંત્ર પાણીમાં બેસી ગયું છે ? કે કોઈની લાજ કાઢે છે કે પછી ખીસ્સા ભરાઈ જાય છે, કે પછી તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવો માહોલ સર્જાયો છે.
હવે સમય પાકી ગયો છે કે પ્રજાએ પોતાનાં સ્વાસ્થ્ય જાળવવા પ્રયત્નશીલ રહેવું પડશે નહીંતર પ્રજાની “કેરની જગ્યાએ ખેર નીકળી જાય છે. કહેવાતા પાણીની “કેર કરવાવાળા કેરબામાં પાણી ભરી, પેકેજ વોટરનું નામ આપી, મીનીરલ વોટરનું નામ આપી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલ ખેલી રહ્યા છે ત્યારે તંત્ર ટાબોટા ભણે છે અને બેધ્યાન જેવી વૃતી પણ શેવે છે.
ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનવા અગ્રેસર થનારા રાજકોટ શહેરમાં નીકળી ગયેલા લેભાગૂ લોકો મીનરલ વોટરનાં નામે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. મીનરલ વોટર રાખવા માટે અનેક માપદંડો હોય છે, તો તે માપદંડોની સમયસર તપાસ કરવાની જવાબદારી કોની ? તે પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ર્ન બની રહ્યો છે. આપણે સૌ માનીએ છીએ કે જળ એજ જીવન છે. તો શું કામ જીવન સાથે ચેડા કરવામાં આવે છે. વેપલાવૃતી કરનારાની ખુમારી કયાં ચાલી ગઈ છે, કે જેને લોકોનો ભોગ લેવો છે.
પેકેજ વોટર પ્લાન્ટ શરૂ કરવા માટે માપદંડોની સાથે સરકારી પુરાવા પણ હોવા જરૂરી છે, જેમ કે બીઆઈએસ સર્ટીફીકેટ, આઈએસઆઈ, આઈએસઓ અને ઈતિયાદી તથા સમયસર સર્ટીફીકેટને રિન્યુ કરવા એ પણ એક મહત્વપૂર્ણ બાબત છે, તો તેની “કેર અને જવાબદારી કોની ? મળતી માહિતી મુજબ રાજકોટમાં કહેવાતા મીનરલ વોટર કે પેકેજ પાણી વેચનારાઓ જે વોટસ પાઉચ, કેરબા, બોટલ સુધીનાં વેપલા કરનારાઓ લોકોને પધરાવી રહ્યા છે.
તેમાં ૯૦ ટકા લોકો બોગસીયા છે. પેકેજ વોટર પ્લાન્ટ સ્થાપિત કરતા જ વ્યાપારીઓની જવાબદારી અને તેમની ફરજ વધારે બને છે. કારણકે જો તેની જાળવણી નો કરવામાં આવે તો લોકોનાં સ્વાસ્થ્યને હાની પહોંચે છે. રાજકોટમાં અનેક એવી જગ્યાઓ છે જયાં બીઆઈએસનાં અને એફએસએસઆઈનાં ધારા-ધોરણ પ્રમાણે વોટર પ્લાન્ટ સ્થાપિત ન કરી શકાતા હોય, પરંતુ તંત્રની બીક રાખ્યા વગર વેપલાવૃતી કરનારા વ્યાપારીઓ ખુલ્લેઆમ ધંધો કરે છે અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરે છે તો કયાંક એવા પણ વ્યાપારીઓ છે કે જેનું સર્ટીફીકેટ ૧૦ મહિનાથી કેંન્સલ થઈ ગયું હોય અને રીન્યુ માટે પ્રોસેસ પણ ન કરી હોયત્યારે આવા લેભાગુવૃતી ધરાવનાર અને વેપલાવૃતી આચરનારની સામે કયારે કાર્યવાહી થશે ? એટલે કહી શકાય કે આ પ્રકારનાં લોકોની “કેર કે ખેર કોણ લેશે, કે ખેર લેવામાં “કેર થઈ જાય છે, કે પછી તંત્ર કુલીમાં ગોળ ભાંગી લ્યે છે.
વાત એ પણ સામે આવે છે કે હાલ પાણીની અછત હોવા છતાં પાણીનાં વેપારીઓ લોકોને મીનરલ અને પેકેજ વોટરને નામે છેતરવામાં આવે છે. કારણકે અછતનાં સમયમાં આ પ્રકારનું પાણી કઈ રીતે પોંસાઈ તે એક પ્રશ્નાર્થ છે હવે સમય પાકી ગયો છે કે લોકો પોતે જ સજાગ થાય અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, જયારે બીજા મહાનગરોમાં લોકો પેકેજ વોટર લ્યે તે પહેલા પૂર્ણરૂપથી માહિતી મેળવી લેતા હોય છે ત્યારે રાજકોટમાં લોકો શું કામ સજાગ નથી થતા તે એક મુખ્ય પ્રશ્ન છે. જેના કારણે વેપલા કરનારા ફાવી ગયા છે. તંત્રએ જોવાનું એ રહ્યું કે, આવા તત્વોથી લોકોને કઈ રીતે બચાવી શકાય અને જાગૃત કરી શકાય સાથો-સાથ લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કઈ રીતે આકરા અને કડક પગલા લઈ શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com