Abtak Media Google News

અનામતના માપદંડની સમીક્ષા કરવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ 90 પાનામાં તૈયાર કર્યો અહેવાલ

અબતક, નવી દિલ્હી : શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 10 ટકા અનામતના માપદંડની સમીક્ષા કરવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ તેનો અહેવાલ તૈયાર કર્યો છે.  આ કમિટી આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં પોતાનો 90 પાનાનો રિપોર્ટ દાખલ કરશે.

આ સમિતિની રચના સરકારે 30 નવેમ્બરે કરી હતી.  આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય પ્રોફેસર વીકે મલ્હોત્રા અને મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલનો સમાવેશ થાય છે. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, સમિતિએ આર્થિક રીતે નબળા વિભાગ માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદાના માપદંડમાં કોઈ ફેરફારની ભલામણ કરી નથી.  સમિતિએ શોધી કાઢ્યું છે કે નિટ 2020 માં ઇડબ્લ્યુ એસ ક્વોટાનો લાભ લેનારા 91 ટકા વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક 5 લાખથી ઓછી હતી.

સમિતિએ સરકાર દ્વારા નિર્ધારિત 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદાનો ઊંડો અભ્યાસ કર્યો છે અને આ રિપોર્ટમાં સરકારે આ માપદંડો શા માટે નક્કી કર્યા છે તે સમજાવવામાં આવ્યું છે. આ કમિટીએ આ ક્વોટા અંગે બનેલા મેજર જનરલ એસઆર સિંહા કમિશનના રિપોર્ટનો પણ અભ્યાસ કર્યો છે.  આ સમિતિ હવે ટૂંક સમયમાં સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સુપરત કરશે.  આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કરવામાં આવી હતી જ્યારે કોર્ટ નિટ પ્રવેશમાં આપવામાં આવેલા 10 ટકા ઇડબલ્યુએસ ક્વોટા સામે સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.

અનામતનો લાભ લેવા માટે ઓબીસી માટે 8 લાખ વાર્ષિક આવક નક્કી કરવામાં આવી છે.  આ જ મર્યાદા સામાન્ય વર્ગ માટે પણ નક્કી કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટે આ અંગે સવાલ ઉઠાવ્યો હતો અને મંત્રાલયને પૂછ્યું હતું કે આ આવક મર્યાદા કેવી રીતે નક્કી કરવામાં આવી?  આ પછી, સરકારે કોર્ટને કહ્યું હતું કે તે આર્થિક રીતે નબળા વિભાગ માટે 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદાના માપદંડ પર પુનર્વિચાર કરવા માંગે છે.  જે બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.