સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(સીબીઆઈ)ના નવા ડાયરેક્ટરની નિમણૂંકને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિએ આશરે 2 કલાક ચર્ચા કરી છે. સીબીઆઈના નવા ડાયરેક્ટર કોણ હશે? હાલ તેની માહિતી મળી શકી નથી.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર અને ગુજરાત કેડરના આઈપીએસ પ્રવીણ સિન્હા આ દિવસોમાં સીબીઆઈનો વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં તત્કાલ સીબીઆઈ ચીફ આલોક વર્મા અને ડેપ્યુટી ચીફ ઓફિસર રાકેશ અસ્થાના વચ્ચે વિવાદ બાદથી આ પદ ખાલી છે.
નવા સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂંકને લઈને સોમવારે સાંજે 6.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્ય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી હાજર રહ્યા હતા.
સાંજે 7:30 કલાક સુધી ચાલેલી બેઠકમાં આઈપીએસ કુમાર રાજેશ ચંદ્રા ડીજી સીઆઈએસએફ, સુબોધ જાયસવાલ અને વીએસકે કૌમુદીના નામ પર ચર્ચા થઈ છે. અંતિમ નિર્ણય સમિતિએ લેવાનો છે. 3 સભ્યોની સમિતિમાંથી બે સભ્યો જે નામના પક્ષમાં પોતાનો મત આપશે, તેને સીબીઆઈના આગામી ડાયરેક્ટર બનાવવામાં આવશે. મહત્વનું છે કે કૌમુદી 1986 બેચના આંધ્ર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે. તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં આંતરિક સુરક્ષા વિભાગમાં વિશેષ સચિવ છે.