ગુજરાત ભાજપનો ગઢ, વિધાનસભાની ચૂંટણીમાં મોદી અહીં એક ટકાનું પણ જોખમ લેવા ઇચ્છતા ન હોવાથી પોતે જ મોરચો સંભાળી રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ઢુંકડી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. ગુજરાત રાજ્ય એ ભાજપનો ગઢ હોય અહીં વિધાનસભાની ચૂંટણીમાં મોદી અહીં એક ટકાનું પણ જોખમ લેવા ઇચ્છતા ન હોવાથી પોતે જ મોરચો સંભાળી રહ્યા છે અને ગુજરાતને સારો નાથ અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના રણકાર વચ્ચે રાજકીય પાર્ટીઓના નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ ઘણા સમય પૂર્વથી જ શરૂ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અનેકોંગ્રેસના રાહુલ ગાંધી આ તમામ ટોચના નેતાઓએ ગુજરાત ઉપર મીટ માંડી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કોઈ વિધાનસભાની ચૂંટણીમાં આટલુ જોર લગાવી રહ્યા હોય તેવું બન્યું છે. બીજી તરફ ભાજપ આ વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકમાંથી મોટાભાગની બેઠકો કબજે કરવા કવાયત કરી રહ્યું છે. જેમાં કોઈ કસર છોડવા માંગતું નથી. ગુજરાત ભાજપનો ગઢ હોય અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ટકા પણ જોખમ લેવા ઇચ્છતા નથી. માટે જ તેઓએ પોતે મોરચો સંભાળી તમામ તૈયારીઓ આયોજબદ્ધ રીતે કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોય તેઓ અહીંની પ્રજાના રૂખ વિશે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ એ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. ઉપરાંત ગુજરાતના નાથ એટલે કે મુખ્યમંત્રીની પસંદગી માટે પણ તેઓ અંદરખાને પસંદગીની કામગીરી ચલાવી રહ્યા છે. ગુજરાતને સારો નાથ મળે જે પ્રજા માટે અને પક્ષ માટે સોનાનો સાબિત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન લોકોના સંપર્કમાં આવીને તેઓ ઐતિહાસિક વિજય મેળવવા બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ચૂંટણી ઢુંકડી છતાં સીએમનો ચહેરો જાહેર કરવામાં પીછેહટ કરતા તમામ પક્ષો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ત્રી પાંખિયો જંગ ખેલાવાનો છે. જો કે મુખ્ય ગણાતા ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં પીછેહટ કરી છે. આવું પ્રથમ વખત બની રહ્યું છે કે રાજકીય પાર્ટીઓ મુખ્યમંત્રી પદ જાહેર કરવામાં ડરી રહી છે.
સીએમની પસંદગીને લઈને કોની શું સ્થિતિ છે?
ભાજપ : ભાજપ અત્યારે તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક ધરાવે છે. એક પણ બેઠક જતી કરવા ભાજપ તૈયાર નથી. બીજી તરત સીએમની પસંદગીમાં રિપોટેશન થશે કે નવો ચહેરો લઈ આવવામાં આવશે ? તે અંગે અંદરખાને પણ કોઈ શક્યતા દર્શાવાઇ રહી નથી. જોકે આ પસંદગી ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ જ કરવાના છે તેમાં બે મત નથી. ભાજપ વહેલાસર મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરીને નારાજગીનું વાતાવરણ સર્જવા દેવા ન ઇચ્છતું હોય, પરિણામે મુખ્યમંત્રીનો ચહેરા ઉપર હજુ પ્રશ્નાર્થ ચિન્હ યથાવત રાખ્યો છે.
કોંગ્રેસ : અગાઉ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ સીએમ પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. મહત્વનું છે કે સીએમ ચહેરો જાહેર કરે તો કોઈ મોટો વર્ગ નારાજ થવાની ભીતિ કોંગ્રેસને અંદરો અંદર સતાવી રહી છે જેને કારણે સૌને પડખે રાખવા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ સીએમ ચહેરા વગર જ નૈયા પાર કરાવશે.
આપ: આમ આદમી પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં પણ છવાય ગઈ છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે. બીજું કે આમ આદમી પાર્ટીમાં હજુ મુખ્યમંત્રી તરીકેનો ચેહરો કોઈ દેખાઈ રહ્યો જ નથી. વધુમાં પક્ષે પણ અત્યારે સીએમનો ચહેરો જાહેર કરવાનું ટાળ્યું છે. કારણકે ગુજરાતમાં આ પક્ષ નવો છે. જેટલા નેતાઓ શરૂઆતથી જોડાયા છે તે બધા અંદરખાને પોતાને સીએમના ચહેરા તરીકે જોઈ રહ્યા છે. જો એકનું નામ જાહેર થાય તો બીજામાં નારાજગી ઉદ્દભવે તેવી સ્થિતિ હોય આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વડાપ્રધાન મોદી 28-29એ ગુજરાતમાં
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત જાહેરાત કરવામાં આવી હતી. જે ભારે વરસાદના કારણે મુલતવી રાખવામાં આવી હતી. હવે તેઓ આગામી તારીખ 28 અને 29 જુલાઈના રોજ ગુજરાત આવવાના છે. આ માટે કાર્યક્રમ હાલ ઘડાઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર અગાઉ નિર્ધારિત કાર્યક્રમો જે હતા તે જ કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે .
ગિફ્ટ સિટી ખાતે સિંગાપુર નિફટી ફ્યુચર બુલિયન એક્સચેન્જ તેમજ સાબરડેરીના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબર ડેરી ના નવા યુનિટ નું ઉદઘાટન કરશે આ બંને કાર્યક્રમો ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ અને ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે.
2024ના લોકસભા ઇલેક્શન માટે ગુજરાતની ચૂંટણી મહત્વની!!
ભાજપ 2024ની લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટ છે. જે તમામ ઉપર અત્યારે ભાજપનું સાશન છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં જો કોઈ બેઠક ઉપર નેગેટિવ પહેલ શરૂ થઈ તો તેની અસર લોકસભાની ચૂંટણી ઉપટ થવાની પૂરેપૂરી શકયતા છે. માટે લોકસભામાં જો ભાજપે ગુજરાત ઉપરનું જોર યથાવત રાખવું હોય તો વિધાનસભામાં શાનદાર પ્રદર્શન કરવું જ પડશે.