કુલ 30 ખેલાડીઓમાંથી થશે ટીમ સિલેક્શન: આઈપીએલ પ્રદર્શનને પણ ધ્યાને લેવાશે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ભારત માટે અતિમહ્ત્વપૂર્ણ છે. ભારત હાલ ચેમ્પિયનશીપ જીતી વિશ્વ વિજેતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ઇંગ્લેન્ડ ટુરમાં કોનો સમાવેશ કરવો? કોને બાકાત રાખવો? તે અંગે આજે ચર્ચા થનારી છે. વર્લ્ડ બેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારત ઇંગ્લેન્ડ ટુર પર જનાર છે ત્યારે ઇંગ્લેન્ડ ટુર માટે આજે કુલ 30 ખેલાડીઓ માંથી ટીમ સિલેક્શન કરવામાં આવનાર છે. જેમાં હાલના તબક્કે ભારત પાસે દરેક ખેલાડી માટે એક મજબૂત વિકલ્પ હોવાથી ક્યાંક ટીમ સિલેક્શન માં મીઠી મૂંઝવણ ઊભી થવાની શક્યતા છે.
આઈપીએલમાં ઉભરેલી નવી પ્રતિભાઓને પણ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. અભિમન્યુ ઈશ્વર અને પ્રિયાંક પંચાલ તેમજ દેવદત્ત પડ્ડીકલ જેવા ખેલાડીઓનો સમાવેશ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ પ્રબળ બની છે.
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા ન્યૂઝીલેન્ડ સામે સાઉધમ્પટન ખાતે 18 જૂનથી 22 જૂન સુધી ટેસ્ટ મેચ રમાનાર છે. પાંચ મેચની સિરીઝમાં જે વિજેતા થશે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ લઈ જશે. ત્યારે આ ખિતાબ જીતવા ટીમ સિલેક્શનની કવાયત આજે હાથ ધરવામાં આવનાર છે. નોંધનીય બાબત છે કે, ટીમનું સિલેક્શન કરીને તેમને 14 દિવસ પહેલાં જ યુ.કે.મોકલવા પડશે. જે કોઈ ટીમ ત્યાં પહોચશે તેને 14 દિવસના સખત ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે. ઓપનર તરીકે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા પણ છે. અભિમન્યુ, પ્રિયંક પંચાલ અને પડ્ડીકલ જેવા ખેલાડીઓ રેસમાં છે. જ્યારે પૃથ્વી શો પણ હવે ફોર્મમાં આવ્યો હોવાથી તેની પસંદગી પણ કરવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે. વિકેટ કીપર અને બેટ્સમેન માટે ઇશાન કિશન અને ભરત વચ્ચે પણ જંગ જામશે. જ્યારે રિષભ પંથ અને રિદ્ધિમાન સહા પણ કતારમાં છે.
બોલર્સમાં અક્ષર પટેલ અને રાહુલ ચહેરે આઈપીએલ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યાં બીજી બાજુ આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ હાલ ફોર્મમાં હોવાથી કોનો સમાવેશ કરાય અને કોને બાકાત રાખવામાં આવે તેની મીઠી મૂંઝવણ છે. ઓલરાઉન્ડરો માટે પણ જંગ જામશે. એક તરફ હાર્દિક પંડ્યા છે જે બેટિંગ,બોલિંગ અને ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ શાર્દુલ ઠાકુર પણ હાલ ઓલરાઉન્ડર તરીકે ફોર્મમાં હોવાથી ટીમના સિલેક્ટ રો માં મૂંઝવણ થવાની શક્યતાઓ છે.