નવા મંત્રી મંડળમાં સૌરભ પટેલ, દિલીપ ઠાકોર અને જયેશ રાદડીયાને ફરી કેબીનેટ મંત્રી બનાવાય તેવી પ્રબળ સંભાવના: સૌરાષ્ટ્રમાંથી પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, ગોવિંદભાઈ પટેલ, નિમાબેન આચાર્ય અને બ્રિજેશ મેરજાને મળી શકે છે સરકારમાં સ્થાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે સવા વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે અણધાર્યું અને આંચકારૂપ સત્તા પરિવર્તન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શનિવારે વિજયભાઈ રૂપાણીનું અચાનક રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે અને રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે સોમવારે ભુપેન્દ્રભાઈ પટેલે શપથ ગ્રહણ ર્ક્યા હતા. દરમિયાન આજે બપોરે ટીમ ભુપેન્દ્રની શપથવિધિ યોજાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે સવારે 11 કલાકે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા. રૂપાણી સરકાર કરતા પટેલ સરકારનું મંત્રી મંડળ થોડુ મોટુ રહે તેવું માનવામાં આવે છે.
આજે બપોરે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા સાંજે કેબીનેટની બેઠક બોલાવવામાં આવશે જેમાં તમામ મંત્રીને વિભાગોની ફાળવણી કરવામાં આવે તેવી વર્તાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અમદાવાદના હોવાના કારણે મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ-જાતિના સમીકરણોના સોગઠા ગોઠવી મંત્રી બનાવવામાં આવશે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે.
નવા મંત્રી મંડળમાં 25 મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના: હર્ષ સંઘવી, મનીષા વકીલ, કેતન ઈમાનદાર, અજમલજી ઠાકોર, રાજેન્દ્ર ત્રિવેદી, હિતુ કનોડીયા, શશીકાંત પંડ્યા, નિમિષા સુથાર, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, જગદીશ પંચાલ, જીવાભાઈ માલમ, વિજયભાઈ પટેલ, વિનુભાઈ મોરડીયા, રાજુભાઈ ચાવડા અને ગજેન્દ્રસિંહ પરમાર સહિતના નામો ચર્ચામાં
ગઈકાલે મંગળવારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની રચના ગુરૂવારે કરવામાં આવશે. પરંતુ મધરાત સુધી ચાલેલી બેઠકોના ધમધમાટ બાદ છેલ્લી ઘડીએ એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ગુરૂવારના બદલે બુધવારે બપોરે જ મંત્રી મંડળની રચના કરી દેવામાં આવશે. ગઈકાલે રાત્રે જ ભાજપના તમામ ધારાસભ્યોને આજે 11 વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર થઈ જવા સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો હતો. સવારથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. મંત્રી મંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મુક્વા તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે.
ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને જબરી હલચલ: રાજભવન ખાતે બપોરે શપથવિધિ સમારોહ યોજાશે: સાંજે કેબીનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાય તેવી શકયતા
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પટેલ સરકારના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપરાંત આત્મારામભાઈ પરમાર, જયેશ રાદડીયા, કિરીટસિંહ રાણા, નિમાબેન આચાર્ય, બ્રિજેશ મેરજા, ગોવિંદભાઈ પટેલને તક મળી શકે છે. અગાઉ રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવનાર ભુપેન્દ્રસિંહ રાણા, કૌશિક પટેલ, કુંવરજીભાઈ બાવળીયા ઉપરાંત ઈશ્ર્વરભાઈ પરમાર, પરસોતમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ, વાસણભાઈ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત એકાદ ડઝન મોટા માથાના પત્તા કપાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
સૌરભ પટેલ, દિલીપ ઠાકોર અને જયેશ રાદડીયાને નવા મંત્રી મંડળમાં પણ સ્થાન મળી શકે છે. આ ઉપરાંત મનીષાબેન વકીલ, નિમાબેન આચાર્ય, બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી, કેતન ઉમાનદાર, અજમલજી ઠાકોર, રાજેન્દ્ર ત્રિવેદી, હિતુભાઈ કનોડીયા, શશીકાંતભાઈ પંડ્યા, નિમીષા સુથાર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, આત્મારામ પરમાર,જ ગદીશ પંચાલ, કાંતિભાઈ બલર, જીવાભાઈ માલમ, વિજયભાઈ પટેલ, વિનુભાઈ મોરડીયા, રાજુભાઈ ચાવડા અને ગજેન્દ્રસિંહ પરમાર, મોહનભાઈ ઢોડીયા, ઋષિકેશ પટેલ સહિતના નામો ચર્ચામાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર સવા વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રી મંડળની રચના જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળતો હતો. ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌરાષ્ટ્રને યોગ્ય મહત્વ આપવામાં આવશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનારને મંત્રી પદ આપી આવકારવામાં આવ્યા હતા. હવે આ તમામ નોન પરર્ફોમિંગ મંત્રીઓને હવે ઘરે બેસાડી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. મંત્રી મંડળની શપથવિધિ ક્યારે અને ક્યાં યોજાશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
રાજકોટમાંથી ગોવિંદભાઈ પટેલને મંત્રી બનાવાય તેવી પ્રબળ સંભાવના: અરવિંદ રૈયાણીનું નામ પણ ચર્ચામાં
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મંત્રી મંડળની આજે બપોરે 2 થી 4 વચ્ચે શપથવિધિ યોજાવાની છે ત્યારે નવા મંત્રી મંડળમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલને ફરી મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો કે, રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીનું નામ પણ ચર્ચામાં હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાંથી જયેશભાઈ રાદડીયાને ફરી કેબીનેટ મંત્રી બનાવવામાં આવે તે લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાંથી ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીના નામો ચર્ચામાં છે. બન્ને લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. ગોવિંદભાઈ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી બજાવી ચૂક્યા છે. સીનીયોરીટીની દ્રષ્ટિએ તેઓ અરવિંદભાઈ રૈયાણીથી આગળ હોય તેઓને મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના હાલ વધુ દેખાઈ રહી છે. પરંતુ જો નવી સરકારમાં યુવાઓને તક આપવામાં આવશે તો બની શકે કે પસંદગીનું કળશ અરવિંદભાઈ રૈયાણી પર ઢોળાઈ શકે છે. રાજકોટ શહેરમાંથી પટેલ અથવા રૈયાણી બે માંથી કોઈ એકને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવે તે ફાઈનલ મનાઈ રહ્યું છે. જો કે, આ લખાય રહ્યું છે ત્યારે હાઈકમાન્ડ દ્વારા એકપણ નેતાને તમારે મંત્રી તરીકે શપથ લેવાના છે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
અનેક મોટા માથાઓ કપાશે
રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રીની ખુરશી ભોગવનાર અનેક મોટા માથાઓને ભુપેન્દ્ર પટેલ સરકારમાં સ્થાન આપવામાં ન આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. 12 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. જેમાં કૌશિકભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્ર્વરભાઈ પરમાર, કુંવરજીભાઈ બાવળીયા, પરસોતમભાઈ સોલંકી, બચુભાઈ ખાવડ, વાસણભાઈ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરીબેન દવે, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામો ચર્ચાઈ રહ્યાં છે. આજે સવારથી રાજ્યકક્ષાના ત્રણ થી ચાર મંત્રીઓની ચેમ્બર ખાલી કરાવી દેવામાં આવી છે. જેના પરથી એ સ્પષ્ટ અંદાજો લગાવી શકાય કે, તેઓનો સમાવેશ નવા મંત્રી મંડળમાં કરવામાં આવશે નહીં.
પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની થઈ શકે છે મંત્રી મંડળમાં એન્ટ્રી
પ્રદેશ પ્રમુખ પદેથી નિકળ્યા બાદ જીતુભાઈ વાઘાણી કદ મુજબ વેંતરાયા છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં પણ તેઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી ન હતી. સી.આર.પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ તેઓ સતત હાંસીયામાં ધકેલાઈ રહ્યાં છે. જો કે સૌરાષ્ટ્રના પાટીદારોને રાજી રાખવા માટે જીતુભાઈ વાઘાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બનાવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તેઓને કેબીનેટ મંત્રી બનાવવામાં આવશે. જો છેલ્લી ઘડીએ સોગઠા નહીં બેસે તો તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવશે.
નવા મંત્રી મંડળ 25 સભ્યોનું રહે તેવી વકી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મંત્રી મંડળમાં કુલ 22 સભ્યો હતા. વિધાનસભામાં સભ્ય સંખ્યા મુજબ સરકાર 27 મંત્રીઓની નિયુક્તિ કરી શકે છે. ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં 25 સભ્યોનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. મંત્રી મંડળમાં ઓબીસી, એસસીએસટી, પાટીદાર, સવર્ણો સહિતના તમામ સમાજને યોગ્ય ન્યાય આપવામાં આવશે. જેથી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પણ જ્ઞાતિ કે સમાજના રોષનો ભોગ પક્ષને બનવું ન પડે અને સતત 7મી વખત રાજ્યમાં ભાજપની સરકાર બનવામાં કોઈ મોટી અડચણ આવીને ઉભી ન રહે.