એક જેલી નામની છોકરી હતી જેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી. ઘરના લોકો એને છોકરી હોવાથી બહુ સરખી રીતે વાતચીત કરતા નહીં. એનો નાનો ભાઈ દેવાંગ તેને ઘરના લોકો બહુ પ્રેમ કરે અને જેલીને રોજ મનફાવે તેમ બોલે અને માનસિક રીતે હેરાન કરતા.
જેલી નું સપનું હતું કે તેને સરકારી નોકરી મેળવવી છે.તે ક્લાસીસ જવા લાગી અને ત્યાં તેને સૂર્ય નામનો એક છોકરો મળ્યો જે જેલીને મદદ કરતો અને તેનું ધ્યાન રાખતો. જેલીને પણ સૂર્યનો સાથ ગમતો. બંને સાથે તૈયારી કરતા એકબીજાને મદદ કરતા જેલી ખુશ હતી કે એના જીવનમાં કોઈ છે જે તેને માન આપે છે અને તેની ઈજ્જત કરે છે. જેલીને તેના પર પૂરો વિશ્વાસ હતો કે સૂર્ય તેનો સાથ ક્યારેય નહીં છોડે અને હંમેશાં તેનો સારો મિત્ર બનીને રહેશે.
થોડો સમય જતા તેમના ક્લાસના એક જોય નામના છોકરા ની નજર જેલી પર પડે છે અને તે જેલી પાસે બુક માંગવાના બહાને જાય છે. આ બુકની લેતી-દેતી વધી ગઈ. જોય ની બોલવાની ઢબ થોડી મીઠી હતી કોઇ પણ વ્યક્તિ તેની વાતોમાં ભેળવાઈ જાય.
જોયને જેલી ગમવા લાગી અને તે જેલીને સૂર્ય વિશે આમ તેમ બોલવા લાગ્યો. જેલી સ્વભાવની બહુ જ ભોળી છે. કોઈની વાતમાં આસાનીથી આવી જાય. જે કંઈ સૂર્ય વિશે સાંભળ્યું એના પર એક વાર પણ વિચાર્યા વગર તે જોયની વાતમાં આવી ગઈ અને સૂર્ય સાથે વાત કરવાની બંધ કરી દીધી. સૂર્યએ ઘણા પ્રયત્નો કર્યા જેલીને બચાવવાના પણ જેલીને હવે તેના પર વિશ્વાસ રહ્યો નથી. સૂર્ય સાથે વિતાવેલી દરેક પળ, દરેક યાદો, દરેક મુલાકાત, દરેક વાતો તેના માટે બસ એક મજાક બની ગઈ હતી. તેને જોયનો સાથ ગમવા લાગ્યો અને તેની સાથે વાતો કરવા લાગી.
જેલીના જીવનમાં ઘણું દુઃખ હતું. તેને કોઈના સાથની જરૂર હતી જે તેને હસાવે અને ખુશ રાખે અને તેને સથવારો આપે. સારા એવા સંબંધોની વચ્ચે જોય આવી ગયો અને જેલીને પોતાની જાળમાં ફસાવવા લાગ્યો. જોય જેલીને જેમ કહે તેમ કરવા લાગી જોય પર તેને વિશ્વાસ વધી ગયો.
સૂર્યને આ બધી વાતની ખબર હતી કે જોય તેનો ફાયદો ઉઠાવશે અને પછી જેલીને છોડી દેશે. સૂર્યએ તેનાથી બનતી બધી કોશિશ કરી જેલીને મનાવવા માટે પણ જેલી માની જ નહીં. જેલીએ સૂર્યને તેના જીવનમાંથી હંમેશા માટે ચાલી જવા કહ્યું સૂર્ય બધું જાણતો હોવા છતાં મજબુર હતો.
એક દિવસ જોય જેલીને મળવા માટે બહાર બોલાવે છે. જોય જેલીના ગાલ પર હાથ રાખે છે અને તેનો હાથ પકડે છે. જેલીને આ બધું ગમ્યું નહીં અને જોયને તેનાથી દૂર રેહવા કહ્યું. જોય તેની સાથે ગેરવર્તન કરવા લાગ્યો. જેલી પર હાથ ઉપાડ્યો, ગુસ્સો કરવા લાગ્યો, ગમે તેમ બોલવા લાગ્યો કે હું તો તારી સાથે ટાઇમપાસ કરવા માંગતો હતો. જેલી રડતી રડતી ઘરે આવી અને પોતાનો રૂમ બંધ કરી અંદર ગઈ અને ઉદાસ થઈને બેસી ગઈ. આખો દિવસ રૂમમાં પૂરાઈ રહી. સૂર્યને આ વાતની જાણ થતાં તે જેલી ના ઘરે ગયો અને તેને મનાવીને બહાર લઇ ગયો.
જેલીને સમજાવી કે ઘણા સમયથી હું તને આ બધું સમજાવી રહ્યો હતો પણ તું મને સાંભળવા તૈયાર જ ન હતી. જેલીએ માફી માંગી અને સૂર્ય તેને માફ કરીને રડતા રડતા બોલ્યો કે તને કંઈ થઈ જશે તો હું ખુદ ને માફ નઈ કરી શકું.
બે વ્યક્તિ વચ્ચે નો સંબંધ હંમેશા મજબૂત હોવો જોઈએ. એકબીજા પર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. આજકાલ તમારા જીવનમાં આવેલા વ્યક્તિ પર વિશ્વાસ કરીને જૂના સંબંધો પર તિરાડ ન પડવા દો. ખરાબ માણસો નું વર્તન પણ ખરાબ જ હોય છે. નાની નાની વાતોમાંથી માણસને ઓળખતા શીખો કેમકે બનાવટી લોકો હંમેશા ભૂલ કરે જ છે અને સારા માણસો જે તમારી ચિંતા કરે છે, કદર કરે છે, માન આપે છે એ કંઈ પણ થઈ જશે તો પણ તમને છોડીને ક્યાંય જશે નહીં.
– આર. કે. ચોટલીયા