લક્ષ્મણદેવસિંહે નજરની સામે બૉમ્બ ફૂટતા જોયો: લોહી લુહાણ હાલતમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા
અબતક, અમદાવાદ
૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ત્રાસવાદી કાવતરૂં અને સુઆયોજીત કાવતરૂં ઠેરવતો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આ કેસમાં ઝડપાયેલા ૭૭ આરોપીઓ પૈકી ૪૯ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ઉપરાંત ૨૮ આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. બ્લાસ્ટ કેસમાં દોષિત ૪૯ આરોપીઓની સજા અંગે હવે વધુ સુનાવણી 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે, એકસાથે આટલા આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે.
આ કેસમાં પહેલા ૭૮ આરોપીઓ ઝડપાયા હતા પરંતુ એક આરોપી તાજનો સાક્ષી બનતા તેને છોડવામાં આવ્યો હતો. આ કેસના આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. જેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની જોગવાઇ છે. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે, આ કેસમાં એકસાથે અનેક આરોપીઓને જન્મટીપથી માંડી ફાંસી સુધીની સજા થવાના એંધાણ છે અને જો આવું થાય તો આ દેશનો પ્રથમ કિસ્સો બની જશે જેમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં આરોપીઓને ગંભીર સજાનો આદેશ આપવામાં આવે. આ સમગ્ર ઘટનામાં આરોપીઓને દોષિત પુરવાર કરવા માટે એક સાક્ષીએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જે સિરિયલ બ્લાસ્ટ કેસનો એકમાત્ર જીવિત સાક્ષી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારના ૬૭ વર્ષીય રહેવાસી લક્ષ્મણદેવસિંહ ચુડાસમા જીવનભરમાં બે વાર મોતનો સામનો કરી ચૂક્યા છે. તેઓ ૨૦૦૨ ગોધરા ટ્રેન આગ અને ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટમાં બચી ગયા હતા. ગુજરાતના ઇતિહાસ બનેલી બે મોટી ઘટનાના એકમાત્ર જીવિત બચેલા એક માત્ર સાક્ષી બન્યા છે લક્ષ્મણદેવસિંહ ચુડાસમા જેમનું નિવેદન અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ બની ગયું છે.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ ચુડાસમા વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકરો અને તેમના સાથીદારો સાથે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી અમદાવાદ શહેર તરફ સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, એસ-૬ કોચને આગ લગાડવાના લગભગ એક કલાક પહેલા હું ગાર્ડની બોગીની બરાબર પહેલા કેટલાક અન્ય કામદારોને મળવા માટે ટ્રેનના બીજા કોચમાં ગયો હતો. હું એ હુમલાનો સાક્ષી બન્યો હતો જેમાં કમનસીબે લગભગ ૫૯ લોકો માર્યા ગયા હતા પણ હું એ નરસંહારમાંથી બચી ગયો હતો. હાલ ચુડાસમા અમદાવાદમાં બે સિંગલ-સ્ક્રીન થિયેટરોમાં ભાગીદાર છે, એક ખોખરામાં અને બીજું બાપુનગરમાં આવેલું છે.
૨૬ જુલાઈ ૨૦૦૮ની સાંજે ચુડાસમા બાપુનગરમાં ધન્વંતરી હોસ્પિટલ પાસે હતા ત્યારે કોઈએ તેમને વિસ્ફોટો વિશે જાણ કરી હતી. ત્યારે ચુડાસમાને લાગ્યું કે તેમની સાથે મજાક કરાઈ રહી છે ત્યારે ચુડાસમાએ વ્યક્તિને ઠપકો આપ્યો કારણ કે એમને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. પછી તેમણે ઘાયલ લોકોને ધન્વંતરી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જોયા ત્યારે તેમને આ માહિતી સાચી હોવાનું ધ્યાને આવ્યું હતું. શનિવારની સાંજ હોવાથી ઘણા ડોકટરો હાજર ન હતા અને સુવિધાઓ મર્યાદિત હતી. જેથી ઘાયલોને અસારવાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેવું ચુડાસમાએ જણાવ્યું હતું.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેમણે છ ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં મદદ કરી હતી અને તેમની સાથે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ચુડાસમાએ કહ્યું, જ્યારે હું એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતર્યો ત્યારે મેં પ્રદિપસિંહ જાડેજા (ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી)ને ત્યાં જોયા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરતા હોય તેવું પણ જોયું હતું. એ જ સમયે એકાએક એક અંધકારમય ફ્લેશ અને બહેરાશનો અવાજ આવ્યો અને મેં મારી જાતને લોહી લુહાણ હાલતમાં જોયો. મને થોડી એ સેકન્ડ સુધી તો કશું જ સમજાયું નહીં ત્યારબાદ મને ખબર પડી કે, બૉમ્બ ફૂટ્યો છે તેવું ચુડાસમાએ જણાવ્યું હતું.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેમણે પહેલા છ લોકો અને વધુ એક ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પછી પોતાની સારવારની માંગ કરી હતી.
લક્ષ્મણદેવસિંહે આપવીતી જણાવતા કહ્યું હતું કે, મેં બ્લાસ્ટ બાદ અનેક મૃતદેહો અને શરીરના ભાગો જમીનદોસ્ત થયેલા જોયા હતા. મેં હોસ્પિટલમાંમાં લોકોને મોતને ભેટતાં જોયા છે અને હું તે ચીસો ક્યારેય ભૂલી શક્યો નથી. બંને કેસમાં લક્ષ્મણદેવસિંહ ફરિયાદ પક્ષના સાક્ષી હતા. ચુકાદા અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે, આખરે ન્યાય મળ્યો છે અને દોષિતોને અનુકરણીય સજાની માંગણી કરી હતી.