ભાજપના નિરીક્ષકો મહેન્દ્રસિંહ સરવૈયા, વિનોદભાઈ ચાવડા અને નિમુબેન બાંભણીયાએ આગેવાનો પાસેથી ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે નામો લીધા

રાજકોટ ડેરીમાં કોઈ ખેંચતાણ નહિ : રા.લો.સંઘમાં બે જૂથો, પક્ષ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેના ઉપર મીટ

જિલ્લાની બે મોટી સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી અને રા.લો. સંઘના ચેરમેનની ચૂંટણીને પગલે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ નિરીક્ષકોએ તમામ આગેવાનોને સાંભળી તેમના મંતવ્યો લીધા હતા. રાજકોટ ડેરીની ચૂંટણી તા.12મીએ અને રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી  તા.17 એપ્રિલે યોજાનાર છે. તે પૂર્વે આજે બન્ને સહકારી સંસ્થાઓના ચુંટાયેલા સભ્યોની ભાજપના નિરીક્ષકો મહેન્દ્રસિંહ સરવૈયા, વિનોદભાઈ ચાવડા અને નિમુબેન બાંભણીયાએ સેન્સ લીધી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાની હાજરીમાં જિલ્લા ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં બનાને સહકારી સંસ્થાના સભ્યોએ આપેલી સેન્સનો રિપોર્ટ પ્રદેશ ભાજપમાં મોકલી અપાયો હતો. રાજકોટ ડેરીના ચેરમેનની તા.13મીએ અઢી વર્ષની મુદત પુરી થતી હોવાથી નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપના નિરીક્ષકો સમક્ષ રાજકોટ ડેરીના તમામ સભ્યોએ ભાજપ હાઈકમાન્ડ અને સહકારી નેતા જયેશભાઈ રાદડિયા જે નક્કી કરે તે શિરોમાન્ય હોવાનો સુર વ્યકત કર્યો હતો. જેના કારણે રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ફરી અઢી વર્ષ માટે ગોરધનભાઈ ધામેલીયા રિપીટ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ ડેરીમાં કોઈ વિવાદ કે, આંતરીક ખેંચતાણ નહીં હોવાથી ચેરમેનની નિમણૂંક પણ સર્વસંમતિથી થાય તેવુ ચર્ચાઈ રહ્યું છે.રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રા.લો.સંઘના વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન સંજય અમરેલીયા છે.

સૂત્રો મુજબ તેની સામે અગાઉ વર્ષો સુધી રા.લો.સંઘમાં શાસન કરનાર નીતિન ઢાંકેચાનું જુથ ચેરમેન પદ માટે પડયું છે અને તેની સાથે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ હાથ મિલાવી લેતા ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રા.લો.સંઘના કુલ 19 ડિરેકટરમાંથી એક જુથ પાસે 10 થી 11 અને બીજા જુથ વચ્ચે 8 થી 9 સભ્યો હોવ્નું જાણવા મળે છે. બન્ને જૂથના સભ્યોને અલગ અલગ છાવણીમાં અંકે કરી લેવાયા હતાં અને ત્યાંથી સીધા જ સેન્સ આપવા પહોંચ્યા હતાં.

એક જુથે વર્તમાન ચેરમેન નરેન્દ્ર સિંહ જાડેજાએ ભ્રષ્ટાચાર મુકત વહીવટ ચલાવ્યો હોવાથી આગામી અઢી વર્ષ તેમને જ ફરી ચેરમેન બનાવવા રજૂઆતો કરી હતી, જ્યારે બીજા જુથ નીતિન ઢાંકેચા અથવા અરવિંદ રૈયાણીને ચેરમેન બનાવવા રજુઆત કરી હતી. બન્ને જૂથની ખેંચતાણ વચ્ચે ભાજપ હાઈકમાન્ડ રા.લો.સંઘના ચેરમેન પદ માટે કોના નામનો મેન્ડેટ આપે છે તે આગામી તા.17મી એપ્રિલે સ્પષ્ટ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.