ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વભરને બાનમાં લઈ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ઘણા દેશો કોરોનાની ત્રીજી તો ઘણા દેશો કોરોનાની ચોથી લહેરમાં સપડાયા છે. પરંતુ બદલતા જતા કોરોનાના તમામ કલર સામે હાલ નિયમોનું પાલન અને રસી જ જાદુઈ છડી સમાન મનાઈ રહી છે. ત્યારે આ તરફ ધ્યાન દોરી સરકારે પણ રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવી છે. રસી માટે કરવામાં આવતી ઓનલાઇન નોંધણીની પ્રક્રિયાની જંજટ પણ સરકારે દૂર કરી સ્થળ પર જ રજીસ્ટ્રેશનની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી 44 વયના લોકો માટે શરૂ થયેલી રસીકરણની પ્રક્રિયા વખતે ઘણા એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે દેશમાં રસીની અછત છે. ભારતે વિશ્વભરના દેશોને રસી પહોંચાડી હવે પોતે આયાત કરવાની નોબત આવી છે તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ વાત ખોટી ઠરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાંના હજુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે 1.89 કરોડ જેટલા વણવપરાયેલા ડોઝ પડ્યા છે. એટલે કે આટલી મોટી સંખ્યામાં રાજ્ય અને સંઘપ્રદેશો પાસે વેક્સિન જેબ સ્ટોકમાં પડી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની નવી સુધારેલી માર્ગદર્શિકાના અમલીકરણથી વેક્સિનેશન ડ્રાઈવમાં વધુ ઝડપ આવી છે. આ નવી ઝુંબેશના પહેલા 72 કલાકમાં જ રસીના 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ (30,33,27,440) રસી ડોઝ આપવામાં આવ્યા છે. અને કેન્દ્ર સરકાર આ ગતિને વેગ આપવા અને કોવિડ -19 રસીકરણનો વ્યાપ દેશભરમાં વધારવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલયે વધુમાં જણાવતા કહ્યું કે, રસીઓના વધુ ડોઝની ઉપલબ્ધતા, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તેઓ દ્વારા વધુ સારી રીતે આયોજન કરવામાં અને રસી પુરવઠાની સાંકળને સુવ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થઇ રહી છે.