ગુજરાતીમાં કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે” પરંતુ આ કેહવત ખોટી પડી છે અને સીઝન પહેલા જ આંબા પાકી ગયા છે. ભર શિયાળે આંબા પાકી ગયા છે અને તેનું વેંચાણ શરુ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ ઘટના પોરબંદરની છે જ્યાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય સર્જાયું છે.
પોરબંદરમાં ખંભાળા પંથકમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેરીની આવક થઈ છે. કેટલાક આંબામાં કેરી આવતા બે દિવસથી આ કેરીના બોકસનું વેચાણ યાર્ડ ખાતે થઈ રહ્યું છે. હજુ શિયાળાએ પણ પોતાનો અસલી રંગ બતાવ્યો નથી વાતાવરણ માં હજુ પણ ગરમી અને ઉકળાટ નો અનુભવ થાય છે ત્ત્યારે ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની આવક પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ છે.
વર્ષોથી યાર્ડમાં ફળોના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા ખોડીયાર ટ્રેડર્સના કેતનભાઈ રાયચુરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંભાળા પંથકમાં મોટી સંખ્યામાં કેરીના વૃક્ષો છે અને અહીની કેરી વિદેશ માં પણ એક્સપોર્ટ થાય છે ત્યારે ચારેક આંબામાં કેરી આવતા ખેડૂત દ્વારા યાર્ડ ખાતે લાવવામાં આવી હતી અને રૂપીયા ૩૧૦ની કિલો એટલે કે દસ કિલોના બોક્સના રૂપીયા ૩૧૦૦ લેખે તેની હરાજી થઈ હતી આજે ૬ પેટી કેરીની આવક થઇ હતી જ્યારે આજે બીજા દિવસે પણ ૪ પેટી કેરીની આવક થઇ હતી અને તે ૪૦૦૦ ની પેટીના ભાવે વેચાઈ હતી.
હજુ મોટા ભાગના આંબામાં મોર પણ નથી આવ્યા ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીની હરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં આશ્ચર્ય જોવા મળતું હતું. તો આ અંગે બાગાયત અધિકારી બી.એ. અડોદરીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે મોટે ભાગે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવિરગ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસા બાદ છેલ્લે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરી ને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ અને બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીગ વહેલું જોવા મળ્યું છે.