ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં 56.24 ટકા: થરા, ઓખા અને ભાણવડ પાલિકાનું 59.52 ટકા મતદાન: આવતીકાલે મત ગણતરી બપોર સુધીમાં પરીણામો આવી જશે

ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય વાવટો લહેરાયા બાદ પાટનગર ગાંધીનગરમાં પણ ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ રહેશે કે પછી પાટનગરવાસીઓ પરિવર્તનનો પવન આવતીકાલ બપોર સુધીમાં પડદો ઉચકાય જશે.

ગાંધીનગર મહાનગરપાલિકા, થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની આઠ બેઠકો, મહાપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 45 બેઠકો અને તાલુકા પંચાયતની ખાલી પડેલી 47 બેઠકો માટે ગઈકાલે યોજાયેલા મતદાન બાદ આવતીકાલે તમામની એક સાથે મત ગણતરી યોજાશે. બપોર સુધીમાં પરીણામ આવી જશે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે ત્યારે રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રથમ પરીક્ષામાં ઉતીર્ણ થશે કે કેમ ? તે વાત પરથી કાલે પડદો ઉંચકાઈ જશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે અગાઉ ચૂંટણીની તારીખ જાહેર કરાયા બાદ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવતા ચૂંટણી મોકુફ રાખવાની ફરજ પડી હતી. દરમિયાન ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 56.24 ટકા જેટલું મતદાન થયું હતું. થરા નગરપાલિકાની ચૂંટણીમાં 73.55 ટકા, ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં 55.07 ટકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 62.27 ટકા મતદાન થયું હતું. ત્રણેય નગરપાલિકામાં સરેરાશ 59.52 ટકા જેવું મતદાન થયું હતું.

અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.3ની એક બેઠક માટે સરેરાશ 23.33 ટકા, વોર્હ નં.45ની એક બેઠક માટે સરેરાશ 27.20 ટકા, જૂનાગઢ મહાપાલિકા વોર્ડ નં.28ની એક બેઠક માટે 48.52 ટકા મતદાન થયું હતું. જિલ્લા પંચાયતની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે સરેરાશ 57.08 ટકા, તાલુકા પંચાયતની 47 બેઠકો માટે 67.60 ટકા નગરપાલિકાઓની 45 બેઠકો માટે 47.99 ટકા મતદાન થયું છે. ખેડા જિલ્લાની માતર તાલુકાની 9 મહેલજની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 72.94 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું.HEERA BA

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના વયોવૃદ્ધ માતાએ હોંશભેર કર્યું કરી અન્ય મતદારોનો પણ ઉત્સાહ વધાર્યો હતો. હીરાબા દર વખતે મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે છે.

ભાણવડ નગરપાલિકાના વોર્ડ નં.1ના એક મતદાન મથક ઉપર, જ્યારે હિંમતનગર તાલુકા પંચાયતની 22 પરબડા મતદાન મંડળના એક મતદાન મથક પર મતદાન શરૂ થયા બાદ ટેકનીકલ ક્ષતિ સર્જાવાના કારણે બેલેટ યુનિટ ક્ધટ્રોલ અને ક્ધટ્રોલ યુનિટ બદલાવવામાં આવ્યું હતું. મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આવતીકાલે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં તમામ બેઠકોના પરીણામ આવી જશે. ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. હાલ રાજ્યની આઠ પૈકી સાત મહાપાલિકાઓમાં ભાજપ સત્તારૂઢ છે. ગાંધીનગરમાં પણ ભાજપની જ સત્તા હતી હવે ભાજપ પાટનગરનો ગઢ જાળવી રાખવામાં સફળ રહેશે કે, પછી પરિવર્તનનો પવન ફૂંકાશે તે વાત પરથી કાલે પડદો ઉંચકાય જશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર એક વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાના સેમી ફાઈનલ સમા જંગમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રથમ કસોટીમાં પાસ થશે કે નિષ્ફળ રહેશે તે સસ્પેન્સ કાલે ઉકેલાય જશે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં જો ભાજપ વિજેતા થશે તો રાજ્યની તમામ આઠેય મહાપાલિકામાં ફરી એકવખત ભાજપની સતા હશે તેવું બનશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સતાના સેમિફાઇનલ સમા જંગમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજીતરફ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનું પણ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ ત્રીજા ક્રમે રહે તેવી સંભાવના રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.