બાળકોને ભાવતા ભોજન, મનોરંજન સાથે રમકડા અને ભેટ સોગાદો આપી મુખ્યમંત્રીએ સાચા અર્થમાં જન્મદિનને સાર્થક અને અનુકરણીય બનાવ્યો
રાજકોટના જનકલ્યાણ હોલમાં પ્રજાવત્સલ શાસકના ઉમદા ગુણોને આત્મસાત કરી ગુજરાતના લોકનાયક એવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને હોલમાં પ્રવેશતાજ ઉષ્માસભર આશાભરી નજરે હોલના દરવાજા પર મીટ માંડીને બેઠેલા કોરોનામાં અનાથ થયેલા બાળકોની આંખોમાં એક અજબ ચમક અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીએ તેમના 65માં જન્મદીને વિશેષરૂપે કોરોનામાં મા-બાપની છત્રછાયા ગુમાવેલા જિલ્લાના 79 જેટલા અનાથ બનેલા બાળકો સાથે પરિવારના મોભી બનીને મોકળા મને સીધો સંવાદ કર્યો હતો. બાળકો સાથે તેઓના અભ્યાસ, પરિવારની વિગતો સાથે તેઓના ભાવી સ્વપ્ન વિશે રસપ્રદ ચર્ચા કરી તેઓને પારિવારીક લાગણીથી તરબોળ કર્યા હતા. આ તકે તેઓએ આ બાળકો સાથે ભોજન અને તેઓને ભેટસોગાદ આપી આનંદિત કર્યા હતા.મુખ્યમંત્રી એ બાળકો સાથે વાતચીત કરી પૂછ્યું હતું કે, તમે શાળાએ જાઓ છો ? ભવિષ્યમાં શું બનવા માંગો છો, જેનો પ્રત્યુત્તર આપતા બાળકોએ દેશ સેવાર્થે ડોક્ટર, એન્જીનીયર, પોલીસ તેમજ બેન્કિંગ જેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો ખુબજ તેજસ્વી છે. તેઓ તેમના ધ્યેય પ્રત્યે સજાગ છે. તેઓની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે રાજ્ય સરકાર પુરેપુરો સહકાર આપી દેશના ઉજ્જવળ ભવિષ્યમાં આ બાળકો પણ તેમનું યોગદાન પૂરું પાડશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ દેખાડ્યો હતો. સેવા સેતુ દિન નિમિત્તે રાજકોટ ખાતે નિરાધાર બાળકોના સંવેદનશીલ વાર્તાલાપ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના સેવા સેતુ દિન નિમિત્તે રાજ્યભરમાં 500 થી વધુ સ્થળોએ સેવા લક્ષી કાર્યક્રમો હાથ ધરાયા છે.
સાથોસાથ તમામ જિલ્લાઓમાં મંત્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ નિરાધાર બાળકો સાથે ભોજન અને સંવાદ સાધી તેમને આત્મીય સન્માન પૂરું પાડ્યું છે. નોંધનિય છે કે, પ્રતિવર્ષ મુખ્યમંત્રી રૂપાણી પોતાનો જન્મદીન આ નીરાધાર, ગરીબ અને દિવ્યાંગ બાળકો સાથે ઉજવે છે. આ દિવસે મુખ્યમંત્રી રૂપાણી આ બાળકોને ભાવતા ભોજન અને મનોરંજન સાથે રમકડા અને ભેટસોગાદો આપી તેઓના વાલી બની તેમના જન્મદીનને સાચા અર્થમાં સાર્થક અને અનુકરણીય બનાવ્યો હતો.
બાળકોએ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે ખુલ્લા મને વાતચીત કરી ખુબજ પ્રસન્નતાની લાગણી અનુભવી હતી. આ સાથે મુખયમંત્રીએ અનાથ બાળકોના પાલક વાલીઓ સાથે મુલકાત લઇ તેઓને પ્રોત્સાહીત કર્યા હતા. વાલીઓએ પણ મુખ્યમંત્રીને જન્મદીનની શુભકામનાઓ પાઠવતા બાળકો માટે કરેલા સંવેદનશીલ નિર્ણયો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવશ્રી સુનયના તોમર અને કે.કે.નીરાલા, કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, અગ્રણી અંજલીબેન રૂપાણી, કમલેશ મિરાણી અને શ્રી નીતિન ભારદ્વાજ, ઉદેયભાઇ કાનગળ, રાજુભાઈ ધ્રુવ, નિરાધાર બાળકો તેમજ તેમના સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.