1998ની સાલમાં નિક ઝાબો નામનાં એક વ્યક્તિએ ડિસેન્ટ્રલાઈઝ્ડ કરન્સી વિશે આર્ટિકલ લખ્યો હતો જેમાં બિટ ગોલ્ડ (આભાસી સોનુ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો!

છેલ્લા કેટલાક વર્ષોની અંદર બિટકોઇને તો ગામ ગજવ્યું છે, ખરેખર! ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો હવે ડાયમંડ-ગોલ્ડ કરતાં પણ વધુ મહત્વ બિટકોઇનને આપી રહ્યાં છે. હવે તો ભારતમાં પણ એક પ્રિ-પૈડ વર્ચુયલ કાર્ડ મળશે! એલ સાલ્વાડોર જેવા દેશે તો બીટકોઈનને ચલણમાં લાવી દીધું છે! પરંતુ જે બિટકોઈનને કારણે આખું વિશ્વ હલબલી ગયું છે તેની શરૂઆત વિશે ખૂબ ઓછા લોકોને જાણ છે. સાતોશી નાકામોટો! આ એ શખ્સનું નામ છે જેણે દુનિયાનાં તમામ દેશોની સરકારોને દોડતી કરી મૂકી છે. વર્ચ્યુઅલ કરન્સીનો નવો ચીલો ચાતરનાર સાતોશી નાકામોટોની ખાસ વાત એ છે કે તે આજદિન સુધી કોઈને રૂબરૂ મળ્યો નથી. અરે, મળવાની વાત છોડો, તેનો અવાજ સુધ્ધાં સાંભળવા નથી મળ્યો!

સાતોશી નાકામોટોનું નામ બિટકોઈન સાથે કઈ રીતે જોડાયું તેની પાછળ રસપ્રદ ઈતિહાસ છે. વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરનાર દરેક યુઝરનાં મેઇલિંગ લિસ્ટમાં પોપ-અપ થનાર વ્હાઈટ પેપરનાં લેખક તરીકે સાતોશી નાકામોટોનું નામ બોલે છે. ત્યારથી જ ટેક્નો-વિદ્દ એવું માનવા લાગ્યા છે કે નક્કી સાતોશી નાકામોટો જ બિટકોઇનનો ક્રિએટર છે. શરૂઆતમાં એક ખબર એવી પણ ફેલાઈ કે સાતોશી નાકામોટો 1975ની સાલમાં જન્મેલા જાપાનીઝ રહેવાસી છે. પરંતુ આ માન્યતાને 2014માં રદ્દિયો મળ્યો. વળી, ગ્લોબલ મીડિયાએ નવું ગતકડું ઉભું કર્યુ કે સાતોશી નાકામોટો વાસ્તવમાં લોસ એન્જલસનાં ટેમ્પલ સિટીમાં વસવાટ ધરાવે છે અને વ્યવસાયે કમ્પ્યુટર એન્જીનિયર છે!

આ ખબર ફેલાતાંની સાથે જ ટેમ્પલ સિટીમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહેલા બિચારા ડોરિયન સાતોશી નાકામોટોની તો હાલત ખરાબ થઈ ગઈ. તેમનાં નામમાં રહેલ સાતોશી નાકામોટોને લીધે દુનિયા આખી તેમને બિટકોઇનનાં ક્રિએટર માનવા લાગી. દરરોજ અલગ-અલગ કંપનીઓ તેમને ફોન કરીને પરેશાન કરવા લાગી. જેવા તેઓ ઘરની બહાર નીકળે કે તરત મીડિયા પોતાનાં કેમેરા લઈને તેમની પાછળ પડી જાય. આખરે કંટાળીને તેમણે જાહેરાત કરી કે, ભાઈસાહેબ! તમે જે સાતોશી નાકામોટોને શોધી રહ્યા છો તે હું નથી! પ્લીઝ, મારો પીછો કરવાનું બંધ કરી મને શાંતિથી જીવવા દો!

માંડ-માંડ મીડિયાએ તેમને છોડ્યા. હવે વારો આવ્યો કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હલ ફિન્નેનો! શંકાની સોય તેમની તરફ ઘુમવા પાછળ બે કારણ મુખ્યત્વે જવાબદાર બન્યા. પહેલુ તો એ કે બિટકોઇનનું ટ્રાન્ઝિક્શન કરનાર સર્વપ્રથમ રેસિપીયન્ટ (લેનાર) તરીકે તેમનું નામ સામે આવ્યું. અને બીજું, આ મહાશય પેલા અમેરિકન-જાપાનીઝ ડોરિયન સાતોશી નાકામોટોનાં ઘરથી ફક્ત થોડા જ દૂર રહેતાં હતાં! મીડિયાનાં પહેલા તર્કમાં હજુય કંઈક લોજીક ભળેલું છે પરંતુ બીજા તર્કને લીધે તો હલ ફિન્ને પોતે પણ ચકિત થઈ ગયા.

હકીકત એવી હતી કે હલ ફિન્ને પોતે તો હાલી-ચાલી પણ નહોતાં શકતાં. તેમને લાગુ પડેલ એક અસાધારણ રોગને લીધે તેમનું બયાન લેવું ઘણું મુશ્કેલ હતું. છતાં ફોર્બ્સ મેગેઝીનનાં જર્નલિસ્ટ એન્ડી ગ્રીનબર્ગથી રહેવાયું નહી અને પહોંચી ગયા હલ ફિન્નેનાં ઘેર!! એન્ડી ગ્રીનબર્ગે તો તેમનાં પર રીતસરનો આરોપ જ મૂકી દીધો કે હલ ફિન્નેએ જ પોતાનાં પડોશી ડોરિયન સાતોશી નાકામોટોનાં નામનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ કરન્સીનું નિર્માણ કર્યુ છે. અપંગ હલ ફિન્ન ઘડીભર મૂંઝાઈ ગયા. બોલી-ચાલી ન શકવાને લીધે તેઓ કશું સ્પષ્ટ જણાવી ન શક્યા પરંતુ તેમનાં હાવ-ભાવે એટલું તો બયાન કરી જ દીધું કે તમે જે સાતોશી નાકામોટોની વાત કરી રહ્યા છો તેનું મેં નામ સુધ્ધાં નથી સાંભળ્યું!

જતાં-જતાં હલ ફિન્નેએ ફોર્બ્સ જર્નલિસ્ટને એક નાનકડો ઇશારો આપ્યો. તેમણે લખીને જણાવ્યું કે 1998ની સાલમાં નિક ઝાબો નામનાં એક વ્યક્તિએ ડિસેન્ટ્રલાઈઝ્ડ કરન્સી વિશે આર્ટિકલ લખ્યો હતો જેમાં બિટ ગોલ્ડ (આભાસી સોનુ) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો! નોંધવાલાયક એક બાબત એ પણ જણાવી કે નિક ઝાબો નિક-નેમ (હુલામણા નામ) રાખવાનાં બહુ મોટા શોખીન હતાં, બની શકે કે નિક ઝાબોએ જ બિટકોઇન બનાવતી વખતે પોતાનું નામ બદલીને સાતોશી નાકામોટો રાખી દીધું હોય!

હલ ફિન્નેની આ શક્યતાને પણ નકારી શકાય તેમ નહોતી. બીજી બાજુ, નિક ઝાબોએ પણ વહેતી ગંગામાં હાથ ડૂબોવી લેવાનું મુનાસિબ માન્યું. વર્ષ 2011માં તેમણે મીડિયાને સ્પષ્ટપણે જણાવ્યું કે પોતે કોઈ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સીનું નિર્માણ નથી કર્યુ પરંતુ હા, ક્રિપ્ટોકરન્સીનાં ક્રિએટરને આ આઈડિયા (1998ની સાલમાં લખાયેલ) મારા આર્ટિકલમાંથી સૂઝ્યો હોઈ શકે! અને આના માટે હલ ફિન્ને તેમજ વેઇ દાઇ (બિટકોઇનનાં પૂર્વચિહ્નરૂપ બી-મનીનાં ક્રિએટર)ને પણ શ્રેય આપવો ઘટે!

નિક ઝાબોની આ કમેન્ટને લીધે મીડિયા-જગતમાં જાણે તહેલકો મચી ગયો. 2013ની સાલમાં ફાયનાન્શિયલનાં લેખક ડોમિનિક ફ્રિસ્બીએ પોતાની આશંકા લોકો સમક્ષ પ્રસ્તુત કરી. તેણે કહ્યું કે નક્કી, 2008ની સાલમાં બહાર પડેલા વ્હાઈટ પેપર ઈ-મેઇલ લિસ્ટ નિક ઝાબોએ જ બહાર પાડ્યું છે! પોતાનાં પોકળ દાવાને સત્ય સાબિત કરવા ફ્રિસ્બીએ અલગ-અલગ ટીવી ચેનલો પર આ બાબતે ડિબેટ પણ યોજી. પરંતુ કોઈ પેંતરા તેના કામમાં ન આવ્યા. આખરે નિક ઝાબોએ ફ્રિસ્બીને એક મેઇલ લખીને જણાવ્યું કે, તમારી આ શંકા-કુશંકાને હું આદર આપું છું પરંતુ એટલું જણાવી દઉં કે આપને જરૂર કશીક ગલતફહમી થઈ છે. મારે સાતોશી નાકામોટો સાથે દૂર-દૂરનો કોઈ રિશ્તો નથી.

થોડા સમય સુધી અખબારની સુર્ખીમાં ચમકેલા નિક ઝાબો ધીરે-ધીરે પોતાની સામાન્ય જિંદગી જીવવા લાગ્યા. ડોમિનિક ફ્રિસ્બીને પણ સમજાઈ ગયું કે હવે દોડાદોડી કરવાનો કોઈ મતલબ નથી. આખું પ્રકરણ શાંત થાય એ પહેલા ઓસ્ટ્રેલિયન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ તેમજ બિઝનેસમેન ક્રેગ રાઇટે પોતાને બિટકોઇન-ક્રિએટર ગણાવ્યો. પરંતુ આટઆટલા ધોખા ખાઈ ચૂકેલુ મીડિયા હવે કોઈ અજાણ્યા માણસની વાત પર સહેલાઈથી કઈ રીતે ભરોસો મૂકી શકે!? ક્રેગ રાઇટ પાસે સાતોશી નાકામોટો હોવાનાં પુરાવા માંગવામાં આવ્યા. ખૂબીની વાત એ કે, 2016ની સાલમાં ક્રેગ રાઇટે બીબીસી, ધ ઇકોનોમિસ્ટ તેમજ જીક્યુને અમુક ટેકનિકલ પુરાવાઓ આપ્યા પણ ખરા!

આ પુરાવાઓ એટલે બિટકોઇનનાં ફર્સ્ટ ટ્રાન્ઝિક્શન દરમિયાન થયેલી વેરિફિકેશન પ્રોસેસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન!! ક્રેગ રાઇટની કિસ્મત એટલી ફૂટેલી હતી કે ધ ઇકોનોમિસ્ટવાળાએ આ ડેમોન્સ્ટ્રેશનને ફર્ઝી ગણાવ્યું. તેમનાં કહેવા મુજબ, આવો પ્રયોગ તો કોઈ પણ વ્યક્તિ કરી શકવા સક્ષમ છે. માટે આમાં કશું નવું નથી. તેમણે ક્રેગ રાઇટ પાસેથી આ પુરાઆઓને લોકો સમક્ષ જાહેર કરવાની પરવાનગી માંગી. જેથી ભવિષ્યમાં વધુ યોગ્ય રીતે ચકાસણી થઈ શકે. પરંતુ ક્રેગ રાઇટે મંજૂરી આપવાની ના પાડી દીધી.

અંતે, આખી પ્રોસેસથી કંટાળીને તેણે પોતાના બ્લોગ પર માફી માંગતો એક પત્ર મૂક્યો! જેમાં લખ્યું હતું કે, દુનિયાને મારી સાચી ઓળખ છતી કરવા જેટલી હિંમત હવે મારામાં નથી રહી! ત્યારબાદ તો ક્રેગ રાઇટ નેટફ્લિક્સની એકાદ સીરિઝમાં પણ ચમકી ગયા. (તેમને પોતાનાં સ્વર્ગસ્થ બિઝનેસ પાર્ટનર ડેવ ક્લેમેન સાથે છેતરપિંડી કરવા બદલ પાંચ બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો! જોવા જેવી વાત એ છે કે આ પૈસા તેમણે વર્ચ્યુલ કરન્સી બિટકોઇનનાં સ્વરૂપે ચૂકવવા પડ્યા.)

ખેર, સાતોશી નાકામોટો વિશેની સત્ય હકીકત આજ સુધી વિશ્વની સામે નથી આવી શકી. તેનો ચહેરો આપણી સામે આવશે કે કેમ એ પણ ખબર નથી. બની શકે કે સાતોશી નાકામોટો ખરેખર કોઈ માણસ નહીં પરંતુ કંપનીનું નામ હોય! વળી, મૃત્યુનો કંઈ થોડો ભરોસો? એવું પણ શક્ય છે કે જેને શોધવા માટે હાલ આપણે આકાશ-પાતાળ એક કરી રહ્યા છીએ તે સાતોશી નાકામોટો બિટકોઇનને જન્મ આપીને તરત જ સ્વર્ગ સિધાવી ગયો હોય! કુછ ભી હો શકતા હૈ!! શું કહો છો?

તથ્ય કોર્નર

  • યુકેમાં ક્રૈગ વેટ દ્વારા બીટકોઈન સંદર્ભે એક કોપીરાઇટ ક્લેમનો કેસ કરવામાં આવ્યો હતો!
  • એક થિયરી મુજબ, બિટકોઇનનું સર્વપ્રથમ ટ્રાન્ઝિક્શન સ્વીકારનાર હલ ફિન્ને પોતે જ સાતોશી નાકામોટો હોઈ શકે છે. (અગર આ વાતમાં થોડીકેય સચ્ચાઈ છે તો પણ હવે તેનો કોઈ જ અર્થ નથી. કારણકે 2014માં હલ ફિન્ને અવસાન પામી ચૂક્યા છે.)
  • સાતોશી નાકામોટોનો જાપાનીઝ ભાષામાં અર્થ સેન્ટ્રલ ઇન્ટલિજન્સ એવો થાય છે. કેટલાક બુદ્ધિવિદ્દ એમ પણ માને છે કે બિટકોઇનને બનાવવા પાછળ સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટલિજન્સ એજન્સી)નો હાથ છે!

વાઇરલ કરી દો ને

સામાન્ય રીતે લોકો ઘરે એકલા બેસીને નખ્ખોદ વાળતા હોય પરંતુ કેટલાક ઘરે લેપટોપ ચાલુ કરી ને વિશ્વને હચમચાવી દે એવા કામ કરી નાખે છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.