ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડવામાં કોનો હાથ અને કોને ખટકયા એટલે ખસેડાયા?
બાયો ડીઝલકાંડમાં અરજણ ઓડેદરાની જિલ્લા ટ્રાન્ફરના ઓર્ડરની ગણતરીની કલાકોમાં પી.આઇ. ગોહિલની છોટા ઉદેપુર બદલીનો સિંગલ ઓર્ડર થયો
પોલીસ અધિકારીઓ કયારેક હીરો તો ક્યારેક જીરો બની જતા હોય છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજયભરમાં દારુ, જુગાર, બાયો ડિઝલ અને ખનિજ ચોરી અંગે કરેલી કાર્યવાહીના પોલીસબેડામાં ઘેરા પ્રત્યાધાત પડી રહ્યા છે. તાજેતરમાં જ એસએમસી દ્વારા બાયો ડિઝલ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. તેનો રેલો કોન્સ્ટેબલ ઓડેદરાને આવ્યો હતો. અરજણ ઓડેદરાની જિલ્લા બહાર બદલીના હુકમ સાથે વડોદરા ગ્રામ્યમાં મુકવામાં આવ્યાની ગણતરીની કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલની છોટા ઉદેપુર ખાતે બદલીનો હુકમ આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બી.ટી. ગોહિલને ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં કોના ઇશારે નિમણુંક આપવામાં આવી હતી અને કોને ટાર્ગેટ બનાવી બાય પાસ કરવામાં આવ્યા તે અંગેની તરેહ તરેહની ચર્ચાએ પોલીસબેડામાં ચકચાર જગાડી છે.
ભગીરથસિંહ ટેમભા ગોહિલે રાજકોટમાં એસઓજી, ભક્તિનગર, કુવાડવા, સ્પેશ્યલ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વની કામગીરી કરી છે. રાજકોટ પોલીસની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ડીજી કપ વિજેતા બનાવમાં સફળ રહેલા બી.ટી.ગોહિલની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થઇ ત્યારથી જ કેટલાક રાજકીય નેતા અને અમુક પોલીસ અધિકારીઓના આંખના કણાની ખટકી રહ્યા હતા.
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં જાણીતા બી.ટી.ગોહિલને કોણે ટાર્ગેટ કર્યા તે અંગે અનેક અટકળો થઇ રહી છે. બી.ટી.ગોહિલને ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડવામાં કોના આર્શિવાદ હતા અને તેઓની બદલી કરાવવામાં કોને વધુ રસ હતો તે અંગેની ચર્ચા થઇ રહી છે. બી.ટી.ગોહિલ બાદ હવે કોનો વારો તે અંગે પણ પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.