કોરોનાની બીજી લહેર હવે અંત તરફ હોઇ તેમ લાગી રહ્યું છે. જો કે સાવચેતીના ભાગ રૂપે હજુ પણ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ તથા કેટલાક પ્રતિબંધો હજુ યાથવત છે. આ પ્રતિબંધોનું ચૂસ્તપણે પાલન કરવા માટે પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીના ભાગરૂપે રાજકોટ પોલીસે શહેરમાં 10 ટીમો બનાવી દરોડા પાડ્યા હતા જો કે આ દરમિયાન સરકારની મનાઇ છતા કેટલાક સ્પા ધમધમતા હતા. ત્યારે તેમની વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા સ્પા સંચાલકો સરકારની છૂટ ન હોવા છતા આર્થિક લાભ માટે બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતીના આધારે રાજકોટ શહેર પોલીસે 10 ટીમો બનાવી દરોડા કાર્યવાહી કરી હતી.
આ દરોડા કાર્યવાહી દરમિયાન શહેરમાં ત્રણ જેટલા સ્પા ધમધમતા હોવાનું જણાતા તેઓની વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન પર્પલ ઓર્કિડ સ્પાના સંચાલક પલ્લવી મહેન્દ્ર મેર, સુગર સ્પાના માલિક હાર્દિક ગૌતમ સોંદરવા સહિતનાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.