જી.જી. કોવિડ હોસ્પિટલના બહુચર્ચિત-કથિત યૌનશોષણ કાંડમાં આક્ષેપિત શખ્સો સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સામે મહિલા અગ્રણીઅએ બનાવેલી મહિલા ન્યાય પંચ નામની સંસ્થાએ એસ.પી.ને આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદનપત્રમાં ભોગ બનનાર અને ફરિયાદ કરનાર મહિલાઓના નિવેદનની સાથે ચેડા કરી તપાસ સમિતિ આરોપીઓને બચાવવા પ્રયત્ન કરતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરાયો છે.
જામનગરની મહિલા ન્યાય પંચ સંસ્થાના શેતલબેન શેઠ અને કોમલબેન ભટ્ટે જણાવ્યું છે કે, આ પ્રકરણની પીડિત એટેન્ડન્ટ મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાની સાથે દુર્વ્યવહારની રજૂઆત દુરવ્યવહાર આચરનારના નામ કરેલ હોવા છતાં તેમના નિવેદનો જ્યારે લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના નિવેદનો તોડી મચોડીને આવું કાંઇ બન્યુ જ નથી તેવું ધરાર લખાવવામાં આવી રહ્યું હતું અને ગુનેગારને છાવરવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. એ સનાતન સત્ય છે.
આ મહિલાઓ દ્વારા અમોને જાણ કરેલ જેથી અમો રૂબરૂ જઇ આ પીડિત મહિલાઓ જે નિવેદન આપવા માંગતા હોય તે નિવેદન લખવા અને ધરાર લખાવેલ નિવેદનો બદલ ફરજ પડાવેલ હતી. નિવેદનો લેવાય ગયા બાદ પણ પોલીસ દ્વારા આ ગુનેગાર સામે કોઇ કાર્યવાહી ન કરતા આ પીડિત મહિલાઓ તથા નજર સમક્ષ આ બધું પ્રકરણ જોનાર સહકર્મચારીઓએ મહિલા ન્યાય મંચને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નિવેદનો લખી આપેલ છે.
જે નિવેદનો આ આવેદન સાથે આપેલ છે. જે ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે એલ.બી. પ્રજાપતિ તથા અન્ય શખ્સો જેની સામે આક્ષેપ કરવા છે તેઓની સામે ગુન્હો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ અંગે જો 24 કલાકમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો જાહેર સંસ્થાઓને તથા બહોળી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી ઉપવાસ આંદોલન ઉપર બેસવા જાહેરાત કરાઇ છે.
CBSEના પરિણામથી અસંતુષ્ટ ધો.12ના વિદ્યાર્થીઓની આ મહિનામાં પરીક્ષા યોજાશે
એફ.આઇ.આર. નોંધવા વોર્ડ નં.1ના કોર્પોરેટરની માંગ
વોર્ડ નં.1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજાએ જામનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિત ફરિયાદ આપી આ પ્રકરણમાં ગુન્હો નોંધવા માંગણી કરી હતી. સી.આર.પી.સી.ની કલમ 154 અન્વયે ફરિયાદ નોંધવા જણાવ્યું છે. આ અરજી અનુસાર પોતાને ફરિયાદી બનાવવા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ જવાબદાર વ્યકિતને આરોપી ગણવા જણાવાયું છે.
આ ફરિયાદ અરજી આપતી વખતે નુરમામદ પલેજા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, રચનાબેન નંદાણિયા, ધવલ નંદા, સુભાષ ગુજરાતી, ભરત વાળા વિગેરે કોંગી આગેવાનો હાજર રહ્યા હતાં.
સુપરવાઇઝર પ્રજાપતિ સહિત 8ને કાઢી મુકી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટને ચાર્જ સોંપાયો
જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલનો સુપરવાઇઝર કમ એચ.આર. મેનેજર એલ.બી.પ્રજાપતિને ફરજમુકત કરવામાં આવ્યો છે. આટલું જ નહીં અન્ય સાત સુપરવાઇઝરોને પણ પાણીચું આપી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને ચાર્જ સોંપાયો છે. જી.જી.ની સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતિઓના સુપરવાઇઝર સહિત અન્ય અધિકારીઓ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હોવાના સરાજાહેર આક્ષેપ થતાં આ ચકચારી પ્રકરણમાં સુપરવાઇઝર એલ.બી. પ્રજાપતિ પર આક્ષેપો થતાં તેને ફરજ મુકત કરાયો છે.
આ અંગે કોવિડ હોસ્પિટલના સહાયક સુપ્રિટેન્ડન્ટ ડો.ધર્મેશ વસાવડાએ જણાવ્યુ હતું કે, એટેન્ડન્ટ યુવતીઓના યૌનશોષણ પ્રકરણમાં કોવિડ હોસ્પિટલમાં સુપરવાઇઝર કમ એચ.આર.મેનેજર તરીકે મૂકવામાં આવેલા એલ.બી.પ્રજાપતિ પર આક્ષેપો થતાં જયાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેને ફરજ મુકત કરી તેની પાસેથી તમામ કામગીરી આંચકી લેવામાં આવી છે.
આટલું જ નહીં તેમની સાથેના અન્ય સાત સુપરવાઇઝરોને પણ પાણીચું આપવામાં આવ્યું છે અને તમામ સુપરવાઇઝરોના સ્થળે નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ કાશ્મીરાબેન ઉનડકટને ચાર્જ સોંપવામાં આવ્યો છે.