કુવાડવા નજીક આવેલા સુર્યા રામપર ગામે કોરોનાગ્રસ્ત માતા માટે ઓક્સિજનનો બાટલો લઇને જતા પુત્રની કારને આર.કે. ઇન્ડસ્ટ્રીઝ પાસે અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક સુર્યા રામપરના સરપંચ છે અને તેઓ પોતાના મિત્રો સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરે તે પૂર્વે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા કુવાડવા પંથકે સેવાભાવી સરપંચ ગુમાવતા ગમગીની સાથે શોક છવાયો છે. આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સુર્યા રામપર ગામે રહેતા સરપંચ અશોક ભાઇ વાલજીભાઇ ઝાલા નામના 47 વર્ષના પ્રૌઢની ઇનોવા કાર તેના ગામ નજીક આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રીઝ પાસે ટ્રકે ઠોકર માર્યા બાદ દિવાલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજ્યું છે.મૃતક અશોકભાઇ ઝાલાની માતા કોરોના પોઝિટીવ હોવાથી તેમના માટે ઓક્સિજનનો બાટલો કુવાડવા લેવા ગયા હતા. પરત જઇ રહ્યા હતા ત્યારે કારને જીવલેણ અકસ્માત સજાર્યો હતો.
માતાના પ્રાણ બચાવવા પ્રાણવાયુંનો બાટલો ઘરે પહોચાડે તે પૂર્વે જ પુત્રએ પોતાના પ્રાણ ગુમાવતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક અશોકભાઇ પોતાના મિત્રો સાથે મળી કુવાડવા ખાતે કોરોનાના દર્દીઓ માટે આજથી હોસ્પિટલ શરૂ કરે તે પૂર્વે જીવ ગુમાવતા કુવાડવા પંથકના સેવાભાવીઓમાં ગમગીની સાથે શોક છવાઇ ગયો છે. કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચાવડા ને બનાવની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પીસી આરની મદદથી અશોકભાઇ ઝાલાને સારવાર મળે તેવો પ્રબંધ કર્યો હતો. પરંતુ તેઓ ગંભીર રીતે ઘવાયા હોવાથી તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
અકસ્માતમાં સરપંચનો હાથ કપાઈને ટ્રકમાં ફસાઈ ગયો’તો
સૂર્યા રામપર ગામના સરપંચ અશોકભાઈ ઝાલા પોતાની માતા માટે જ્યારે ઓક્સિજનનો બાટલો લઈ કુવાડવાથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે અશોકભાઈ ઝાલા પોતાની જીજે-03-જેઆર-0421 નંબરની ઇનોવા લઈને ગેઇટની બહાર નીકળ્યા હતા. તે દરમિયાન જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી કાળ બનીને ધસી આવેલા ટીએસ-15-યુએ-5763 નંબરના ટ્રકે ઠાઠું મારતા અશોકભાઈની કાર દદિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે અશોકભાઈનો હાથ ખંભામાંથી છૂટો થઈ ટ્રકમાં ફસાઈ ગયો હતો. ગંભીર હાલતમાં સરપંચને બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત થયું હતું. અશોકભાઈ ઝાલા આજથી કુવાડવા ખાતે ઓક્સિજન સાથે કોવિડ હોસ્પિટલની સુવિધા પર શરૂ કરાવવાના હતા. તે પહેલા જ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા સરપંચ અશોકભાઈ ઝાલાના આકસ્મિક મોતથી ગામ અને પરિવારમાં પણ ગમગીની છવાઈ છે.