ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા અને નરેશભાઇ વચ્ચે રાજીનામા અંગે કોઇ જ વાત ન થયાનો ઘટ્ટસ્ફોટ!
લેઉઆ પટેલ સમાજના હિત માટે નિર્ણય લીધો છે: નરેશભાઇ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી લેઉવા સમાજના કદાવર અગ્રણી નરેશભાઈ પટેલે રાજીનામું આપી દીધું હોવાના સસ્પેન્શન પરથી આજે સવારે પડઘો ઉંચકાય ગયો છે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વડીલોની સમજાવટ બાદ નરેશભાઈ પટેલે ચેરમેનપદેથી આપેલું રાજીનામું પરત ખેંચી લીધું હોવાની જાહેરાત આજે સવારે ૧૦:૩૦ કલાકે ટ્રસ્ટીમંડળ દ્વારા કરવામાં આવતા રાજયભરમાં લેઉવા પટેલ સમાજે હાશકારો અનુભવ્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી નરેશભાઈ પટેલે રાજીનામું આપી દીધી હોવાની વાત ગઈકાલ સાંજથી ચર્ચામાં હતી. જોકે પોતે રાજીનામું આપ્યું હોવાનો ફોડ નરેશભાઈ પાડયો ન હતો. નરેશભાઈના રાજીનામાંથી રાજયભરમાં ઘેરા પડઘા પડયા હતા. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાના એક ચક્રીય શાસનથી કંટાળી નરેશભાઈએ રાજીનામું આપી દીધાની વાત વાયુવેગે ફેલાતા ઠેર-ઠેર લેઉવા પટેલ સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. ગઈકાલે સાંજે પાટીદાર વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પરેશ ગજેરા વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને આજ સવારથી ઉપવાસ આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કયાર બાદ ઉપવાસ આંદોલન છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી રાજીનામું ન આપવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા લેઉવા પટેલ સમાજના અગ્રણીઓએ આખી રાત નરેશભાઈ પટેલને મનાવ્યા હતા. વડીલોની સમજાવટ અને ટ્રસ્ટીઓના આગ્રહ બાદ નરેશભાઈ પટેલે ચેરમેનપદેથી આપેલુ રાજીનામું આજે સવારે પરત ખેંચી લીધું હતું. આ અંગે ખુદ ટ્રસ્ટી મંડળ દ્વારા મીડિયા સમક્ષ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા અને નરેશભાઈ પટેલ વચ્ચે યોજાયેલી એક બેઠક બાદ આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે એવી વાત વહેતી થઈ હતી કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી નરેશભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે.
જેના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં અનેક તાલુકા મથકે ખોડલધામ ટ્રસ્ટના ક્ધવીનરોએ પણ પોતાના રાજીનામાં ધરી દીધા હતા. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ પણ આજે સવારે જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વા નરેશભાઈ પટેલ છે અને રહેશે. ટ્રસ્ટમાં જો નરેશભાઈ નહીં હોય તો પરેશભાઈ પણ નહીં રહે. તેઓએ પણ પ્રમુખપદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ગઈકાલ સાંજથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે સવારે સુખદ અંત આવી ગયો હતો. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી નરેશભાઈ પટેલે આપેલું રાજીનામું પરત ખેંચી લીધું હોવાની જાહેરાત ખુદ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા રાજયભરમાં લેઉવા પટેલ સમાજે રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ અંગે સવારે ૧૧:૦૦ કલાકે યોજાનારી એક પત્રકાર પરિષદમાં ખુદ નરેશભાઈ પટેલ અને પરેશ ગજેરા સતાવાર જાહેરાત કરે તેવી સંભાવના જણાઈ રહી છે.
પરેશ ગજેરા પર હાર્દિક પટેલના પ્રહારો
પરેશ ગજેરા ભગવાકરણમાં મગ્ન હોવાના હાર્દિકના આક્ષેપ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી નરેશભાઈ પટેલે આપેલું રાજીનામું આજે સવારે ટ્રસ્ટીઓ અને સમાજના વડીલોની સમજાવટ બાદ પરત ખેંચી લીધું છે. દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરા પર આકરા પ્રહારો કર્યા હતા. ગઈકાલે નરેશ પટેલના રાજીનામા બાદ પણ હાર્દિક પટેલે ટવીટ કર્યું હતું કે, ટ્રસ્ટમાં ભગવાકરણના કારણે નરેશભાઈએ ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે. દરમિયાન આજે રાજીનામું પરત ખેંચી લીધા અંગેની સતાવાર જાહેરાત બાદ પાસના ક્ધવીનર હાર્દિક પટેલે ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરા પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગજેરા ભગવા રંગમાં મગ્ન હોવાના કારણે ટ્રસ્ટમાં અસંતોષની લાગણી પ્રવર્તી જવા પામી છે.