રાજકોટ જિ. પં., 9 તા.પં. અને ગોંડલ પાલિકાના હોદેદારોના નામોની પેનલ પાર્લામેન્ટરી બોર્ડમાં
મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલુ: બે કેબિનેટ મંત્રી, બે સાંસદ, બે ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપના હોદેદારોની ઉપસ્થિતિ
રાજકોટ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાના હોદેદારોની વરણીને લઈને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ ત્રણ
નામોની પેનલ મુકવામાં આવી હતી. બેઠકમાં બે કેબિનેટ મંત્રી, બે સાંસદ અને બે ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપના હોદેદારોની ઉપસ્થિતિ રહી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 25 બેઠક ભાજપે મેળવી છે. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી હોદેદારોની નિમણુંક કરવાની પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ માટે 17 માર્ચે ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળશે. તેમાં ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે. પ્રથમ બેઠક કલેકટરનાં અધ્યક્ષસ્થાને મળશે.
આ બેઠક પૂર્વે 16 મીએ સવારે 11 થી 2 દરમિયાન પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી કરી શકાશે અને તે જ દિવસે ચકાસણી અને સાંજે 6 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા. 16મીએ જ જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ થશે તે નકકી થઈ જશે. જો એક થી વધુ
નામ આવ્યા હશે તો તા. 17 મીએ ચૂંટણી થશે.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પણ તા. 17મીએ નવા સુકાનીઓ નકકી થઈ જશે. જિલ્લાની જસદણ અને વિંછીયા તાલુકા સિવાયની તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. જેથી આ 9 તાલુકા પંચાયતમાં પણ ભાજપ પોતાના હોદેદારો નક્કી કરવાનું છે. આવી જ રીતે ગોંડલ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખના નામ માટે તૈયારીઓ કરાઈ છે.
હાલ સ્થાનિક કક્ષાએથી જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખના નામો ભાજપે તૈયાર કરી લીધા છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં સંગઠનના સ્થાનિક હોદેદારો અને અન્ય નેતાઓએ
ત્રણ ત્રણ નામોની પેનલ મૂકી છે. હવે આ પેનલ ઉપરથી નામ ફાઇનલ કરીને તે નામો 16મીએ જાહેર કરવામાં આવનાર છે.
પાર્લામેન્ટ્રી બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના હોદેદારોના ત્રણ ત્રણ નામની પેનલ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકી હતી. હવે આ નામો 16મીએ જાહેર થનાર હોય જિલ્લાભરમાં ભારે આતુરતા સાથે આ નામોની રાહ જોવાઇ રહી છે.