કુદરત સર્જીત વાવાઝોડાના વાયુ-ક્યાર-મહા-બુલબુલ-ઓખી-હુદહુદ-કૈટરીના-અસાની અને વરદા જેવા અલગ-અલગ નામો સાંભળ્યા હશે: જાણો દરિયામાં આવતા વિવિધ તોફાનોના નામકરણ વિશેની રોચક વાતો: વિશ્વમાં દર વર્ષે 100થી વધુ વાવાઝોડાં આવે છે
પૃથ્વી ઉપર આવતી આફતો માનવ સર્જીત અથવા કુદરત સર્જીત હોય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે તથા પર્યાવરણના નુકશાનથી આપણે જ આપણાં પગ પર કુહાડો માર્યો છે. ધરતીના પેટાળમાંથી ખનીજ તત્વોનો બેસુમાર ઉપાડે પણ વિનાશ નોતર્યો છે. હવાના પ્રદૂષણે ઘણા પશુ-પંખીની પ્રજાતિ લુપ્ત કરી નાંખી છે. પર્યાવરણના રક્ષણ માટે આપણે અને પૃથ્વીવાસીઓએ તમામે જાગવાની જરૂર છે, યુધ્ધનાં ધોરણે કામ કરીને સૌના સહિયારા પ્રયાસોથી આવનારી પેઢીને એક સ્વચ્છ અને નિર્મળ પૃથ્વી આપવાની છે.
ડિઝાસ્ટર-આફતએ પછી પૂર-હોનારત કે ધરતીકંપ કે પવર્તમાન વાવાઝોડું હોય એમાં લોકોની ઘણી સાવચેતીથી મોટી જાનહાની બચાવી શકાય છે. આવા સમયે લોકોએ અફવાથી દૂર રહીને આધારભૂત સમાચારો પર ધ્યાન આપવું જરૂરી છે. તંત્ર દ્વારા વિવિધ ચેતવણીના પગલા અને દરિયાકાંઠાના ચેતવણીરૂપ સિગ્નલ સાથે ભયજનક બાબતે કાળજી લેવી જરૂરી છે. હવાની સામાન્ય ઝડપ કરતાં ઝડપ વધે અને તે 120 થી 150 વચ્ચે વાવાઝોડું બને ત્યારે તારાજી સર્જી શકે છે. અત્યાર સુધીમાં આપણે ઘણાં વાવાઝોડાનો મક્કમ બનીને સામનો કર્યો છે. જેમાં વાયુ-ક્યાર-મહા-બુલબુલ-ઓખી-હુદહુદ-કેટરીના અને વરદા જેવા છેલ્લા આવેલા વાવાઝોડાના નામો છે.
દરિયામાં આવતા વિવિધ તોફાનો-વાવાઝોડાના નામો કોણ આપતું હશે? તેના ફોઇબા કોણ છે? આવા પ્રશ્ર્નો આપણને બધાને થાય છે ત્યારે આજે આ બાબતે રોચક માહિતી આ લેખમાં આપવી છે. ખરેખર તો ચક્રવાતનાં નામ એક સમજૂતી કરાર હેઠળ રાખવામાં આવે છે. આ પ્રથાની શરૂઆત 1953માં એક સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઇ હતી. આ પહેલા વાવાઝોડાના કોઇ નામ અપાતા ન હતા. મિયામીમાં રાષ્ટ્રીય વાવાઝોડાં કેન્દ્રની પ્રથમ સ્થાપના કરાઇ હતી.
વિશ્વમાં વાવાઝોડાંના ચિત્ર-વિચિત્ર નામો આપણે સાંભળ્યા હશે. અમેરિકામાં ઓડ-ઇવન પ્રથા છે તો ઓસ્ટ્રેલિયામાં ભ્રષ્ટ નેતાઓ પરથી વાવાઝોડાંને નામ અપાય છે. દરેક વખતે દેશનો નામ પાડવાનો ક્રમિક ચાન્સ આવે છે. અમેરિકામાં સ્ત્રીઓના નામથી વાવાઝોડાના નામ પડાય છે. જેમ કે કૈટરીના, ઇરમા વિગેરે. પણ આ દેશમાં 1979 પછી એકવાર પુરૂષનું નામ અને એકવાર સ્ત્રીનું નામ એમ ઓડ-ઇવન પ્રથા અમલમાં આવી હતી. દર વર્ષે 21 નામની યાદી તૈયાર થાય અને તે પૈકી એક નામ પસંદ કરાય છે. ક્યુ-યુ.એક્સ-વાય અને ઝેડ અક્ષરો પર તોફાનોનો નામ રાખવાની પરંપરા નથી. દેશમાં 21 થી વધુ ચક્રવાતમાં આલ્ફા-બીટા અને ગામા આધારીત નામ રાખે છે.
વિચિત્ર વાત તો એ છે કે વાવાઝોડાંની વધુ ગતી હોય તો તેને વિશેષ નામ અપાય છે. ભારતીય સમુદ્રમાં વાવાઝોડાંના નામ મૂળાક્ષર ક્રમમાં ફાળવાતા નથી, પરંતુ તે દેશના નામ પરથી રખાય છે જેણે તેને નામ આપ્યું હોય જો વાવાઝોડાની ગતિ પ્રતિકલાક 34 નોટીકલ માઇલ કરતાં વધી જાય તો તેને વિશેષ નામ અપાય છે. નામ આપવાની પ્રથામાં ભારતની પહેલ બાદ વાવાઝોડાંના નામની સિસ્ટમ શરૂ થઇ હતી.
હિન્દી મહાસાગરના ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદિવ, મ્યાનમાર, ઓમાન અને થાઇલેન્ડ જેવા આઠ દેશોએ 2004માં નામ આપવાની શરૂઆત કરી. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન અને એશિયા, પેસિફિક માટે નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશને વર્ષ-2000માં ચક્રવાતના નામ આપવાનું શરૂ કરેલ હતું. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાના નામ ભારત મોસમ વિભાગ કરે છે. જે મુજબ ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામો આપ્યા હતા. જ્યારે પાકિસ્તાને નિલોફર, બુલબુલ, તિતલી જેવા નામો ભૂતકાળમાં આપ્યા હતા.
2004માં આવેલા ચાર વાવાઝોડા આવેલા જેના નામો અગ્નિ, હિબારૂ, પ્યાર ઔર બાઝ અને 2005માં પણ ત્રણ વાવાઝોડા આવ્યા હતા. જેના નામો પારણું, માલા અને મુકડા રાખેલ હતું. 2015માં ચાર, 2016માં ત્રણ અને 2017માં એક જેનું નામ ‘ઓખી’ બાંગ્લાદેશે પાડેલ હતું. બાદમાં ‘સાગર’ વાવાઝોડાનું નામ તથા 2018-19-20-21માં આવેલ કે આવતાં તમામ વાવાઝોડાંના નામ નક્કી થઇ ગયા છે, જેમાં તમામ 8 દેશોની સમંતિ હોય છે.
દર વર્ષે વિશ્વમાં 100 જેટલા વાવાઝોડા આવે છે. કેટલાકની તીવ્રતા વધારે તો કેટલાકની ઓછી હોય છે. ગુજરાત પર આવેલ ‘મહા’ નામનું વાવાઝોડાનું નામ ઓમાન દેશે આપ્યું હતું. આગાહી-ચેતવણી હવામાન વિભાગ સામાન્ય જનતાને જાણકારી આપવા જેમ કે ક્યાંથી આવે છે. ક્યાં આગળ વધી રહ્યું છે, સુરક્ષિત સ્થળે કંઇ દિશામાં જવું જેની માહિતી માટે નામ આપવામાં આવે છે. એકવાર નામ અપાય ગયા બાદ તેજ નામનો ફરી ઉપયોગ કરાતો નથી. માંગખૂડ (ફિલિપિન્સ-2018), ઇરમા (કેરેબિયન-2017), હૈયાન (ફિલિપિન્સ-2013), સેન્ડી (યુ.એસ.એ.-2012) મિચ (1998) અને ટ્રેસી (1974) આવા નામો હતા જે ફરી ક્યારેય નહી પડે.
વાવાઝોડાને નામ આપવાની ચોક્કસ પધ્ધતિ હોય છે. ઉષ્ણકટિબંધિય વાવાઝોડાંની વર્ષે અને બે વર્ષે બેઠક મળે જેમાં તેના નામો નક્કી કરાય છે. જેમાં હાલ પાંચ સમિતિ કાર્યરત છે જેમ કે ટાયકૂન કમિટી, ટ્રોપીકલ સાયક્લોન કમિટી, ટ્રોપીકલ હરિકેન કમીટી વિગેરે છે. વાવાઝોડાના નામની યાદી 8 દેશો તૈયાર કરે છે. વાવાઝોડાના મધ્ય ભાગને કેન્દ્રને ‘આંખ’ કહે છે. જેનો ઘેરાવો 30 કિ.મી.નો હોય છે જેની ચારે તરફ વાદળો ઘૂમતા રહે છે. જ્યાં-જ્યાં ચક્રવાતી તોફાનની આંખ હોય ત્યાં ખુબ ઝડપથી પવન ફૂંકાય છે.
હાલ કેન્દ્ર પાસે 8 દેશનાં કુલ 64 વાવાઝોડાના નામની યાદી તૈયાર
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશો તૈયાર કરે જેમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મયાંમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો જ પોતાના નામની યાદી નવી દિલ્હીમાં આવેલી રિજિયોનલ સ્પેશિયલાઇઝડ મેટ્રોલોજીકલ સેન્ટરને મોકલે છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી તૈયાર છે જે હવે પછીના વાવાઝોડા આવશે એના નામ પડશે.
તૌકતે નામ કોણે આપ્યું?
છેલ્લે આવેલા વાવાઝોડા તૌકતે, તાઉતે, ટૌટે ટૌકટે અને તાઉ-તે જેવા વિવિધ ઉચ્ચારણ ગુજરાતીમાં કરાયા તે નામ મ્યાંમાર દેશે સુચવેલ છે. TAUKTAE આ નામ તેનું ઓરીજીનલ છે. આપણે તેને અલગ ઉચ્ચારણ કરીએ છીએ. નવેમ્બર-2020માં ‘નિવાર’ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવેલું. આ અગાઉ આજ વર્ષમાં મે મહિનામાં ‘અમ્ફન’ વાવાઝોડું આવેલું. નિવારનું નામ ઇરાને સુચવ્યું હતું. જેનો અર્થ થાય ‘રોકવું’. 22 નવે.2020માં સોમાલિયામાં આવેલ વાવાઝોડાને ‘ગતિ’ નામ આપણા દેશ ભારતે આપેલ હતું. જેનો અર્થ થાય છે ઝડપ. 2018 બાદ અગાઉની કમિટીના 8 દેશોમાં ઇરાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત આરબ-અમિરાત અને યમન દેશ પણ આ કમીટીમાં જોડાય ગયા હતા. આ દેશોની વર્ણમાલા પ્રમાણે બનાવેલ યાદીમાં બાંગ્લાદેશ પ્રથમક્રમે આવે છે બાદમાં ભારત, ઇરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે. દરેક દેશનો નામ પાડવા માટે ક્રમિકવારો આવે છે. નામથી લોકોને ચેતવવા સરળ બનતું હોવાથી નામ પડાય છે.