અબતક, રાજકોટ : રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે જેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. પ્રદેશ પ્રમુખના પદની રેસમા 3 દિગ્ગજનેતાઓ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિપક્ષ નેતાની પણ ગમે ત્યારે વરણી થઈ શકે તેમ છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કારમી હારની જવાબદારી સ્વિકારી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારા રાજીવ સાતવ કોરોનામાં સપડાયા અને તેમનુ અવસાન થયુ હતું. રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને આડે હવે માત્ર દોઢ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય ત્રણેય પદ ખાલી છે જેના માટે લોબીગંની શરૂઆત થઇ ગઇ છે.
પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, પુર્વ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર
પ્રમુખ ઉપરાંત પ્રભારી અને વિપક્ષ નેતાના નામની પણ ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ માટે પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પુર્વ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચુટંણીના આડે માત્ર દોઢ વર્ષનો સમય ગાળો બાકી છે, ત્યારે મુખ્ય બે પદ માટે રેસ તેજ બની છે. શનિવારે માંડી સાંજે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના ફાર્મહાઉસ ખાતે ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ઠાકોર સમાજ અને કોળી સમાજના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્ય બે પૈકીનું એક પદ ઓબીસી ઠાકોર કે કોળીને આપવાની માંગ કરાઇ છે.
ગુજરાત કાંગ્રેસના પ્રભારીના માટે પણ ત્રણથી ચાર નામ હાલ ચર્ચમાં ચાલી રહ્યા છે. જેમાં બીકે હરી પ્રસાદ, મોહન પ્રકાશ, મુકુલ વાસનીક અને અવિનાશ પાંડેનો સમાવેશ થાય છે. બીકે હરી પ્રસાદ અગાઉ ગુજરાત કાંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે, પણ કોંગ્રેસની સરકાર ન બનાવી શક્યા. મોહન પ્રકાશ વર્ષ 2014માં ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, ત્યારે કોંગ્રેસ 26 બેઠકો પર હારી હતી. મુકુલવાસનીક રાહુલ ગાંધીની નજીકના નેતા ગણાય છે.
અવિનાશ પાંડેની વાત કરવામાં આવે તો તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે અને ત્યાં સરકાર બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા નેતાને બનાવવામાં આવશે કે જે અશોક ગહેલોતની પહેલી પસંદ હોય. કેમ કે અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના રાજકારણથી અવગત છે. અવનિશ પાંડે રાજસ્થાનના મુખ્યમંત્રીની નજીક હોવાથી તેમની પસંદગી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે થવાની શક્યતા વધારે છે.
કયા કયા નામ ચર્ચામાં
ગુજરાતમાં વિપક્ષ અથવા પ્રમુખ પદની પસંદગી માટે હાલ અનેક નેતાઓના નામ ચર્ચામાં છે. પ્રમુખ પદ માટે અર્જુન મોઢવાડીયા અને પ્રભારી પદે અવિનાશ પાંડેનું નામ આ ચર્ચામાં મોખરે છે. અર્જુન મોઢવાડીયા ઓબીસી નેતા છે. આ રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે. જેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા હતા. આમ, વિપક્ષના નેતા તરીકે પૂંજાભાઇ વંશનુ નામ પણ મોખરે છે.
નામની પસંદગીમાં અશોક ગેહલોતની ભૂમિકા મહત્વની
જોકે, આ ત્રણેય નેતાની પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મહત્વની ભૂમિકા રહેશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા સૌરાષ્ટ્ર ઝોનમાંથી બને તો ભૌગૌલિક સમીકરણ જાળવવા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષની થિયરી અજમાવી શકે છે. આ ઉપરાંત હાર્દિક પટેલના કાર્યકરી અધ્યક્ષ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી કોઇ બે નેતાને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે.