મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણુક માટે કાલે જનરલ બોર્ડ
મેયર પદ માટે જાગૃતિબેન ઘાડિયા અને બીનાબેન આચાર્યના નામ જોરમાં: ડે.મેયરના પદ માટે મનિષ રાડીયા, બાબુભાઈ આહિર અને અશ્ર્વિનભાઈ મોલીયા દાવેદાર: સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે કમલેશ મિરાણી અને કશ્યપ શુકલના નામ ચર્ચામાં
રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી અને દંડક રાજુભાઈ અઘેરાની અઢી વર્ષની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. રાજકોટના નવા મેયર કોણ બનશે તે અંગે હાલ શહેરભરમાં ઉતેજનાપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. આ વાત ઉપરથી આવતીકાલે સવારે પડદો ઉંચકાય જશે. મેયર સહિતના પદાધિકારીઓની નિમણુક કરવા માટે આવતીકાલે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે.
મેયર તરીકે હવે અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત હોય રાજકોટના નવા મેયર તરીકે હાલ બે નામો સૌથી વધુ ચર્ચામાં છે. જેમાં બીનાબેન આચાર્ય અને જાગૃતિબેન ઘાડિયાનો સમાવેશ થાય છે. સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે ભાજપે પાટીદાર સમાજમાંથી આવતા ઉમેદવારની પસંદગી કરી હોય રાજકોટમાં પણ મેયરપદ પાટીદાર સમાજને આપવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. આ બે નામ ઉપરાંત ડે.મેયર દર્શિતાબેન શાહનું નામ પણ મેયરપદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
ડે.મેયર પદ માટે મનિષભાઈ રાડીયા, બાબુભાઈ આહિર અને અશ્ર્વિનભાઈ મોલીયાના નામો ચર્ચામાં છે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કમલેશભાઈ મિરાણી અને કશ્યપભાઈ શુકલનું નામ હાલ ચર્ચામાં છે. મહાપાલિકાના પાંચેય હોદેદારોની વરણીમાં પક્ષ પાંચ મુખ્ય જ્ઞાતિને આવરી લેશે તેવું ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની ચુંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા હોય જ્ઞાતિ-જાતીના સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદેદારોની નિમણુક કરવામાં આવશે. હાલ તમામ હોદાઓ જો અને તો ના સમીકરણો વચ્ચે રમી રહ્યા છે. જો મેયરપદ પાટીદાર સમાજને આપવામાં આવશે તાે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે કશ્યપભાઈ શુકલની વરણી કરવામાં આવે તેવી સંભાવના છે. જો મેયરપદ બ્રાહ્મણને આપવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ મિરાણીની નિયુકિત થઈ શકે છે. આ ઉપરાંત મનીષ રાડીયાનું નામ પણ ચેરમેન તરીકે ચાલી રહ્યું છે.
કાલે મળનારી જનરલ બોર્ડની બેઠક પૂર્વે ભાજપના નગરસેવકોની એક સંકલન બેઠક મળશે. જેમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક બંધ કવર ખોલશે અને હોદેદારોના નામની જાહેરાત કરશે. રાજકોટના નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક કોણ બનશે તે વાત પરથી આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકે પડદો ઉંચકાય જશે.
કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં મેયર, ડે.મેયરની ચુંટણી યોજાશે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ખાસ ૧૫ સમિતિના સભ્યોની નિમણુક કરવામાં આવશે. સમિતિના સભ્યોમાં જેનું નામ પ્રથમ હશે તે ચેરમેન બનશે. છેલ્લી ત્રણ ટર્મથી સ્થાનિક સંગઠન દ્વારા જે નામ મોકલવામાં આવે છે તેના બદલે પ્રદેશ હાઈકમાન્ડ અલગ જ નેતાની મેયર તરીકે પસંદગી કરે છે. આ સમીકરણ આવતીકાલે પણ જળવાય રહે તેવું લાગી રહ્યું છે.કારણકે હાલ કોઈ એક નામ પર મહોર લાગે તેવું દેખાતું નથી. રાજકોટ ઉપરાંત જામનગરના મેયર સહિતના હોદેદારોની આવતીકાલે નિમણુક કરવામાં આવશે.