“બાપ કમાઇ બાબુડીયા” એ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

અકસ્માતમાં બાઈક ૫૦ ફૂટ દૂર ફેંકતા ઘટના સ્થળે જ યુવકનું મોત : ચાલક મહિલા હોવાની રાહદારીઓમાં ચર્ચા , સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

રાજકોટમાં શહેરમાં “બાપ કમાઈ બાબુડીયા”ઓ મોંઘી દાટ કાર લઈ પૂરપાટ વેગે માર્ગ પર ચલાવી રાહદારીઓ નો જીવ જોખમમાં મૂકતાં હોઈ છે ત્યારે એક બાપ કમાઈ બબુડીયાએ રામાપીર ચોકડી ઓવરબ્રીજ પાસે શનિવાર મોડી રાત્રીના એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં પૂરપાટ વેગે નીકળેલી મર્સીડીઝ કારે બાઇક ચાલક યુવકને હડફેટે લઇ તેનું ઘટના સ્થળે જ કમમાટીભર્યુ મોત નિપજાવ્યું હતું. જ્યારે આ ગોઝારો અકસ્માત સર્જી ભાગી ગયેલા મર્સિડીઝ કારના ચાલક સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.જ્યારે આ અકસ્માત સર્જી ભાગી જનાર ચાલક યુવતી હોવાનું રાહદારીઓમાં ચર્ચાઓ થતા પોલીસે કોટેચા ચોકથી લઈ રામાપીર ચોકડી સુધીના સીસીટીવી ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માધાપર ચોકડી પાસે, ગોલ્ડન પોર્ટિકોમાં રહેતા મયુર તુલસીભાઈ તન્ના (ઉ.વ.૩૨) શનિવાર રાત્રે મિત્રો સાથે ફરવા ગયો હતો.વહેલી સવારે બાઇક લઇ ઘરે આવતો હતો ત્યારે રામાપીર ચોકડી ઓવરબ્રીજ પાસે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી મર્સિડીઝ કારે હડફેટે લેતાં બાઇક ઉપરથી ફૂટબોલની જેમ ફંગોળાયા બાદ માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુનિપજ્યું હતું. જેના પગલે સ્થળ પર લોકો ભેગા થઇ ગયા હતા. જેમાંથી કોઇએ ૧૦૮ બોલાવતા તેના તબીબે મયુરને મૃત જાહેર કર્યો હતો.જાણ થતા ગાંધીગ્રામ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ઓળખ મેળવી મયુરના નાનાભાઈ હાર્દિકને કોલ કરી બોલાવ્યો હતો. ત્યારબાદ હાર્દિકની ફરિયાદના આધારે મર્સિડીઝના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

મર્સિડીઝ કાર એટલી પૂરપાટ વેગે જતી હતી કે તેની ઠોકર લાગતા મયુરભાઈનું બાઇક અકસ્માત સ્થળથી ૫૦ ફૂટ દૂર જઇ પડ્યું હતું. એટલું જ નહીં મર્સિડીઝના બોનેટની ડાબી સાઇડના ભાગનો બૂકડો બોલી ગયો હતો. તેની આગલી નંબર પ્લેટ પણ છૂટી પડી ગઇ હતી. કારની પાછળના કાચમાં અંગ્રેજીમાં મમતા લખેલ હતું. કારની આગળના કાચમાં તિરાડો પડી ગઇ હતી. મર્સિડીઝનું મોડલ ૪-મેટીક હોવાનું બહાર આવ્યું છે.તેના નંબર જીજે-૩-એમબી-૦૦૪૩ હતા. જ્યારે અકસ્માતમાં કાર ચાલક યુવતી હોવાનો રાહદારીઓ માં ચર્ચા થવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આકાર રાત્રિના કોટેચા ચોક પાસેથી પણ પસાર થઈ હોવાની વિગતો મળતા પોલીસે કોટેચા ચોકના કેમેરા તપાસવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.